છેલ્લા સાત દિવસથી 250 રેસિડેન્ટ ડોક્ટર અને 150 ઇન્ટરનલ ડોક્ટર પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી ગયા છે. આજે રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે ધરણા પર બેસેલા રેસિડેન્ટ તબીબોએ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અંદર રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ થયા ઉજવણી કરી રહી છે. ત્યારે આજે તબીબોએ રાજ્ય સરકારની ઉજવણીનો બેનરો સાથે વિરોધ કર્યો હતો.
રાજ્ય સરકારની ઉજવણીનો બેનરો સાથે વિરોધ કર્યો
રાજકોટમાં બોન્ડેડ તબીબો છેલ્લા સાત દિવસથી હડતાળ પર ઉતરી ગયા છે. જેને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે હડતાળના સાતમા દિવસે રેસિડેન્ટ તબીબોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મૌન રેલી યોજી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ઉજવણીઓ કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર તબીબોને આપેલા વચનો નીભાવ્યા નથી. ડોક્ટરો માટે કોઈ યોજનાઓ બહાર પાડી નથી આવી ત્યારે ડોક્ટરોએ બેનરો પર તેની સાથે થતાં અત્યાચારને યોજનાઓના સ્વરૂપમાં દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો
મતભેદ પ્રકાશરૂપે દૂર કરવા મીણબત્તી પ્રગટાવી
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સવારે તબીબોએ સૂત્રોચ્ચાર કરી કોરોના વોરિયર્સના પ્રમાણપત્રો સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આપી પરત ફર્યા હતા. એટલું જ નહીં સાંજે મીણબત્તી પ્રગટાવી તબીબો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને તેમના મતે તબીબો અને સરકાર વચ્ચે મતભેદ પ્રકાશ રૂપે દૂર કરવા મીણબત્તી પ્રગટાવવામાં આવી હતી. આ ઉપરાંત સરકાર એક કદમ આગળ આવે તો એક કદમ તબીબો આગળ આવી સમાધાન કરવા તૈયારી દાખવી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન દર્દીઓ અને પરિવારજનો મુશ્કેલી ધ્યાનમાં રાખી જલ્દીથી સરકાર દ્વારા તબીબોના પ્રશ્ન અંગે નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બોન્ડનો સમય વધારી પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.
રાજકોટમાં છેલ્લા 7 દિવસથી હડતાળ યથાવત
રાજકોટમાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં 29 જેટલી હોસ્પિટલોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં આવેલી પંડિત દીન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો હડતાળ પર ઊતર્યા હતા.
બોન્ડેડ તબીબોએ કરેલી માંગ
રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.