જળસંકટના એંધાણ:રાજકોટ જિલ્લાનાં જળાશયો તળીયા ઝાટક, 25 ડેમોમાં માત્ર 29 ટકા પાણીનો જીવંત જથ્થો

રાજકોટ25 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ભાદર, આજી અને ન્યારી સિવાય મોટા ભાગનાં ડેમો પાણી વિહોણા
  • સિંચાઈ અને કલેકટર કચેરીમાં મોન્સુન કન્ટ્રોલ રૂમ શરૂ થયો

ચોમાસુ આ વર્ષે વહેલુ આવી રહયું છે આમ છતાં હજુ સારા વરસાદ માટે આશરે 15 દિવસની રાહ જોવી પડે તેવા સંકેતો મળી રહયા છે. સિંચાઈ અને વહીવટી તંત્રએ મોન્સુનની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ચોમાસુ નજીક છે ત્યારે સૌરાષ્ટ્રમાં જળસંકટ ઘેરૂ બની રહયુ છે. હાલ સૌરાષ્ટ્રનાં જળાશયોની સ્થિતિ જોઈએ તો માત્ર 27 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગનાં ડેમો તળીયા ઝાટક બની ગયા છે. સૌથી વધુ વિકટ સ્થિતિ સુરેન્દ્રનગર, દેવભૂમી દ્વારકા અને બોટાદ જિલ્લાની છે.

સિંચાઇ વિભાગના આસિસ્ટન્ટ એન્જીનીયર ઉમેશ કુવાડીયા
સિંચાઇ વિભાગના આસિસ્ટન્ટ એન્જીનીયર ઉમેશ કુવાડીયા

ભાદર ડેમમાં 34 ટકા પાણી છે
આ અંગે સિંચાઇ વિભાગના આસિસ્ટન્ટ એન્જીનીયર ઉમેશ કુવાડીયાએ મીડિયાને જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રનાં મોટા 141 ડેમોમાં હાલ 27.23 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. રાજકોટ જિલ્લાનાં 25 ડેમોમાં 29 ટકા પાણીનો જીવંત જથ્થો છે. સોૈથી મોટા ભાદર ડેમમાં 34 ટકા પાણી છે ભાદર - 1માં આ વર્ષે સારૂ પાણી હોવાથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ હતુ જયારે આજી - 1 અને ન્યારી - 1 માં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતા 45 ટકા જેટલુ પાણી ભરેલુ છે આ સિવાયનાં મોટા ભાગનાં ડેમો તળીયા ઝાટક બન્યા છે. જે ડેમમાં પીવા લાયક પાણી નથી એવા આજી - 2 ડેમ આખો ભરેલો છે જયારે સૌથી ઓછુ ખોડાપીપર ડેમમાં માત્ર 1.82 ટકા અને ઘેલાસોમનાથ ડેમમાં 3 ટકા જ પાણી હાલ રહયુ છે. દરમિયાન રાજકોટ જિલ્લામાં સિંચાઈ અને કલેકટર કચેરીમાં મોન્સુન કંટ્રોલ રૂમ આજથી શરૂ કરવામાં આવ્યો છે.

કલેકટર કચેરીમાં મોન્સુન કંટ્રોલ રૂમ આજથી શરૂ
કલેકટર કચેરીમાં મોન્સુન કંટ્રોલ રૂમ આજથી શરૂ

સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઘેરૂ બનવાનાં એંધાણ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેવભૂમી દ્વારકા જિલ્લામાં ચોમાસા પહેલા પાણીની સમસ્યા વિકટ બની છે જિલ્લાનાં 12 ડેમોમાં માત્ર 2.14 ટકા જ પાણીનો જથ્થો રહયો છે. સાની અને સિંધણી ડેમ ડ્રાય થઈ ગયો છે જયારે વર્તુ - 1, સોનમતી વેરાડી - 1 માં એક ટકા જેટલુ પાણી પણ રહયું નથી તળીયા ઝાટક થઈને પડયા છે. જામનગર જિલ્લાનાં 22 ડેમોમાં 14 ટકા અને મોરબી જિલ્લાનાં 10 ડેમોમાં 23 ટકા પાણીનો જીવંત જથ્થો હાલ છે. મચ્છુુ - 1 માં 21ટકા અને મચ્છુ - 2 માં 49 અને મચ્છુ - 3 માં માત્ર 7 ટકા પાણીનો જથ્થો છે. જામનગર જિલ્લામાં રૂપાવટી ડેમ ડ્રાય થઈ ગયો છે જયારે સસોઈમાં 24 ટકા પાણી હાલ બચ્યુ છે. ચોમાસુ સૌરાષ્ટ્ર સુધી પહોંચે તેને હજુ 15 દિવસ જેવો સમય નીકળી જાય તેવા સંકેતો છે જો વરસાદ લંબાય તો સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઘેરૂ બનવાનાં એંધાણ મળી રહયા છે.