ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટ પોલીસના શરીરનો બાંધો અને માનસિક સ્થિતિ વચ્ચેનો સંબંધ તેમજ તમાકુના વ્યસનીઓ કેવી સારવાર લે છે તેનું રિસર્ચ

રાજકોટએક મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એઈમ્સના 33 રિસર્ચ પ્રોજેક્ટ : રાજકોટમાં હજુ બિલ્ડિંગ પૂરા નથી બન્યા પણ ફેકલ્ટીઓએ અનેક વિષયો પર કામ શરૂ કર્યું
  • 5 રિસર્ચ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ગયા, તબીબોના વોટ્સએપ સ્ટેટ્સથી માંડી કોર્સ અપગ્રેડના પણ થઈ રહ્યા છે રિસર્ચ

ઈમરાન હોથી :
રાજકોટમાં દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા એઈમ્સની સ્થાપના થઈ છે, હાલ તો ફક્ત ઓપીડી શરૂ થઈ છે અને પૂરતા બિલ્ડિંગ પણ મળ્યા નથી પણ આ સ્થિતિ એઈમ્સના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને રિસર્ચ કરતા અટકાવી શક્યા નથી. એઈમ્સ તેના રિસર્ચ અને સારવારની નવી પદ્ધતિઓ માટે જાણીતું છે અને જ્યાં સ્થાપના થાય છે ત્યાંની ભૌગોલિક સ્થિતિને લઈને રિસર્ચ બાદ ત્યાં આરોગ્ય સુખાકારી વધારવા પ્રયાસ થાય છે. આવું જ રાજકોટ એઈમ્સ પણ કરી રહી છે એ માટે જ એક બે નહિ પણ 33 રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરાયા છે જે પૈકી 5 પ્રોજેક્ટમાં તો ક્લિનિકલ ટ્રાયલ માટે પણ રજિસ્ટ્રેશન થયું છે.

એઈમ્સમાં જે રિસર્ચ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં એક રિસર્ચ ફોરેન્સિક મેડિસિન વિભાગમાં અભ્યાસ કરતા શીખવતા બંનેના વોટ્સએપ સ્ટેટ્સથી માંડી અભ્યાસના દૃષ્ટિકોણ સુધીનું રિસર્ચ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેરના પોલીસ કર્મચારીઓ પર બે પ્રકારના રિસર્ચ ચાલી રહ્યા છે. એક રિસર્ચમાં બોડી કમ્પોઝિશન એટલે કે ફેટનું પ્રમાણ, માંસનું પ્રમાણ તેમજ બીએમઆઈ સહિતના આંકને શારીરિક અને માનસિક સ્થિતિ વચ્ચે શું સંબંધ રહેલો છે તેની તપાસ થઈ રહી છે.

5 પ્રોજેક્ટમાં તો ક્લિનિકલ ટ્રાયલ માટે પણ રજિસ્ટ્રેશન થયું
આવી જ રીતે બીજા રિસર્ચમાં બોડી કમ્પોઝિશન ઉપરાંત ફેફસાંના વિવિધ ટેસ્ટ કરીને શહેરના પોલીસ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની સ્થિતિ જાણવા પ્રયાસ થઈ રહ્યો છે. એક અભ્યાસમાં જે જે અકસ્માતોમાં મૃત્યુ નોંધાયા છે તેમાં માથાના ભાગમાં કેટલી ઈન્જરી થઈ અને શું રોગ થયા તેના પર ચાલી રહી છે. જ્યારે કસરત કરતા પુરુષોમાં હોર્મોનમાં શું પરિવર્તન આવે છે તેના પર પણ રિસર્ચ છે જે હાલ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજ પર છે.

એઈમ્સમાં વ્યસનમુક્તિ માટે પણ ખાસ સેન્ટર ખોલવામાં આવ્યું છે અને તે સેન્ટરમાંથી રિસર્ચ પ્રોજેક્ટ મુકાયો છે. આ રિસર્ચ તમાકુના આદતી હોય તેઓ શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્યા પ્રકારની સારવાર લે છે તેમજ કઈ દવા લે છે તેના પર આધારિત છે. આ ઉપરાંત એક પ્રોજેક્ટ નાના બાળકોના માતા-પિતાઓની જાગૃતિ પર છે. બાળકોને જ્યારે શરદી-ઉધરસ થાય છે ત્યારે બાળકોને એન્ટિબાયોટિક અપાય છે પણ આ દવાનું પ્રમાણ જાળવવું ખૂબ જરૂરી છે તેથી એન્ટિબાયોટિક વિશે જાણ્યા વગર કેટલા માતા-પિતા દવાઓ આપ્યા કરે છે તેમજ તેનું પ્રમાણ કેટલું છે તે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

બાળકો માટે કઈ દવા જરૂરી તે રાજકોટમાં નક્કી થશે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકોને અપાતી જરૂરી દવાઓની એક યાદી બનાવી છે. તેવી જ રીતે ભારતે પણ પોતાની એક યાદી બનાવી છે જેમાં બાળકો માટેની જરૂરી દવાનું લિસ્ટ છે. આ બંને યાદીમાં કેટલો તફાવત છે તેમજ ભારતમાં તે યાદી કરતા વધુ દવાઓનો સમાવેશ છે કે પછી તેના કરતા ઓછી દવાઓને આવશ્યક ગણાઈ છે? જે દવાઓ ડબ્લ્યુએચઓના લિસ્ટમાં છે અને ભારતમાં નથી તો તેની આવશ્યકતા કેમ અહીં નથી તેમજ એવી દવાઓ કે જે ભારતની યાદીમાં છે પણ ડબ્લ્યુએચઓની યાદીમાં નથી તો ત્યાં કેમ આવશ્યકતા દેખાતી નથી તે સહિતના મુદ્દે રિસર્ચ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થયા બાદ આ બંને દવાઓની યાદીનો તફાવત રાજકોટમાંથી જાણવા મળશે.એઈમ્સની આ ફેકલ્ટી કરી રહી છે રિસર્ચ

ડો. પ્રદીપ ચૌહાણ, ડો. પ્રદીપ બારડે, ડો. સંદીપ ચારમોડે, ડો. સાગર ધોળકિયા, ડો. દીપક પંચવાણી, ડો. નરેશ પરમાર, ડો. શુભા સિંઘલ, ડો. રીમા શાહ, ડો. કિરણ પીપરવા, ડો. સંજય પારેખ, ડો. યશદીપસિંહ પઠાણિયા, ડો. ગાયત્રી ભાટિયા, ડો. સંજય ગુપ્તા, ડો. સંજય સિંઘલ, ડો. ભાવેશ મોદી, ડો. ભૌતિક મોદી, ડો. ગૌરવ શર્મા, ડો. મમતા સિંઘ, ડો. સુમન બોદાત, ડો. અભિલાષા મોટઘારે, ડો. રોહિન ગર્ગ

અન્ય સમાચારો પણ છે...