હૃદય પર સંશોધન:રાજકોટ મેડિકલ કોલેજમાં હૃદયના વાલ્વ, સ્નાયુ, લોહી પહોંચાડતી નળીની રચના પર રિસર્ચ, 27 વર્ષમાં 326 દેહદાન મળ્યા

રાજકોટ11 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ગર્ભાવસ્થામાં પરિવર્તનને કારણે સ્નાયુ અને એનાં અંગોનું સંશોધન કરવું થોડું પડકારજનક

રક્તદાન, ચક્ષુદાન અને અંગદાનની જેમ દેહદાનને પણ મહાદાન માનવામાં આવે છે. ધીમે ધીમે હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દેહદાન અંગે પણ લોકજાગૃતિ જોવા મળી રહી છે. રાજકોટમાં અનેક પરિવારોએ પોતાનાં દિવંગત સ્વજનોના દેહનું દાન કર્યું, એ સંખ્યાબંધ મેડિકલ સ્ટુડન્ટ્સને માનવ શરીરની ગૂઢ રચના જાણવામાં તો ઉપયોગી બન્યું જ છે, પરંતુ સાથે સાથે સામાન્ય અભ્યાસક્રમમાં આવતી બાબતો ઉપરાંત કેડેવરમાં કેટલીક એડવાન્સ મેડિકલ સ્ટડીઝ પણ એના થકી જ શક્ય બન્યો છે. રાજકોટ પંડિત દીનદયાળ ઉપાધ્યાય (PDU) મેડિકલ કોલેજને અત્યારસુધીમાં 326 દેહદાન મળ્યાં છે. અગાઉ મગજ અને કિડનીને લગતા રિસર્ચ બાદ હાલ હૃદયના વાલ્વ, સ્નાયુ અને લોહી પહોંચાડતી નળીની રચના પર સંશોધન શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટ મેડિકલ કોલેજમાં 21 ડિપાર્ટમેન્ટ
રાજકોટ શહેરમાં વર્ષ 1995થી સરકારી PDU મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે અને વર્ષ 2007થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. દર વર્ષે રાજકોટ મેડિકલ કોલેજમાં 200 વિદ્યાર્થી MBBSમાં અભ્યાસ મેળવે છે. કોલેજમાં અલગ અલગ કુલ 21 ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. તેમનો એક વિભાગ છે એનેટોમી વિભાગ. એનેટોમી વિભાગમાં વિદ્યાર્થીઓ અલગ અલગ સંશોધન કરે છે. અત્યારસુધી મગજ અને કિડનીનું સંશોધન કરવામાં આવ્યું છે અને હવે કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓએ હૃદય પર સંશોધન શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના લોકોમાં દેહદાનમાં જાગૃતિ
રાજકોટ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના ડોક્ટર આશિષ પંડ્યાએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં દર વર્ષે 200 વિદ્યાર્થી MBBSમાં પ્રવેશ મેળવે છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસમાં વિદ્યાર્થીઓને સંશોધન કરવાનું રહેતું હોય છે. એક માનવદેહ પર 10થી 12 વિદ્યાર્થી સંશોધન કરતા હોય છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોકોમાં જાગૃતિને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી રહેતી નથી.

રાજકોટમાં વર્ષે 20થી 25 દેહદાનની ઇન્કવાયરી
ડો.આશિષ પંડ્યાએ જણાવ્યું હતું કે PDU મેડિકલ કોલેજ ખાતે વાર્ષિક 20થી 25 ઇન્કવાયરી દેહદાન માટે આવે છે, પરંતુ એક મર્યાદાના કારણે અમે 8થી 10 જ દેહદાન સ્વીકાર કરી શકીએ છીએ. 1995થી આજ દિવસ સુધીમાં મેડિકલ કોલેજને કુલ 326 દેહદાન મળ્યાં છે. મોટે ભાગે, મેડિકલ સ્ટુડન્ટ્સની પ્રત્યેક નવી બેચના પ્રારંભે જે એક બોડી ડિસેક્શન સહિતના અભ્યાસ માટે લેવામાં આવે છે. તેના પર જ એ બેચનો MBBSનો કોર્સ પૂરો થતા સુધી પ્રેક્ટિકલ સ્ટડી ચાલતી હોય છે.

હાલ કોરોનરી આર્ટરીઝ પર બીજો સ્ટડી ચાલુ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સામાન્ય અભ્યાસ સિવાય PG અને UG સ્ટુડન્ટ્સ દ્વારા સંશોધનમાં પણ ઉપયોગ થતો હોય છે. રિસર્ચ સ્ટડીનાં કોઈ મહત્ત્વપૂર્ણ તારણો ઈન્ટરનેશનલ મેડિકલ જરનલમાં પબ્લિશ થાય તો અને ત્યારે આવા સ્ટડીને વૈશ્વિક સ્તરે માન્યતા મળતી હોવાથી બહોળા જનહિત માટે છેલ્લાં પાંચ વર્ષમાં રાજકોટ ખાતે કાર્ડિયાક વાલ્વ સ્ટ્રક્ચર, બ્રેઈન વેન્ટ્રિકલ્સ (મગજના પોલાણ), રીનલ આર્ટરીઝ, ફેટલ કિડની ડેવલપમેન્ટ અને કોરોનરી આર્ટરીઝ પર રિસર્ચવર્ક થઈ ચૂક્યા બાદ હાલ કોરોનરી આર્ટરીઝ પર બીજો એક સ્ટડી ચાલુ છે.

ફેટલ ડેવલપમેન્ટનું સંશોધન કરવું મુશ્કેલ
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કિડની અને મગજ બાદ હાલ વિદ્યાર્થીઓનું હૃદય પર સંશોધન ચાલુમાં છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન અભ્યાસના કારણે વિદ્યાર્થીઓ માનવદેહનો અભ્યાસ કરી શક્યા નહોતા, પરંતુ હવે કોલેજ શરૂ થતાં હૃદય પર સંશોધન શરૂ કર્યું છે, જેમાં મુખ્યત્વે હૃદયના વાલ્વની રચના, હૃદયના સ્નાયુની રચના અને હૃદય સુધી લોહી પહોચાડતી નળીઓની રચના પર સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. ગર્ભાવસ્થામાં સ્નાયુ અને તેના અંગોનું સંશોધન કરવું થોડું ચેલેન્જરૂપ સાબિત થતું હોય છે, જેને ફેટલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે.

રાજકોટ મેડિકલ કોલેજમાં દર વર્ષે 200 વિદ્યાર્થી MBBS બને છે.
રાજકોટ મેડિકલ કોલેજમાં દર વર્ષે 200 વિદ્યાર્થી MBBS બને છે.

બાકી રહેતા અવશેષોની માનભેર અંતિમવિધિ થાય છે
દેહદાન બાદ કેટલાક દિવંગતોનાં આપ્તજનોએ સ્વજનના નશ્વરદેહ વિશે લાગણીવશ પૂછતા હોય છે, જે સહજ છે, પરંતુ નિયમાનુસાર એ જણાવી શકાતું નથી. આ મર્યાદા દાખવતા તબીબો જણાવે છે કે મેડિકલ સ્ટડી બાદ સ્નાયુઓને અસ્થિથી અલગ પાડવા નેક્રેશન કરાતું હોય છે અને માનવદેહના બાકી રહેતા અવશેષોની માનભેર અંતિમવિધિ પણ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગ દ્વારા જ કરવામાં આવતી હોય છે.