ચકચાર:ત્રંબાની નદીમાં ડૂબી રહેલા પાંચ વર્ષના બાળકને બચાવી લીધો, પરંતુ બે જીગરજાન મિત્રો ડૂબી ગયા

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજી ડેમ પાસેના રામપાર્કના સાત યુવાન ધુળેટીની રજા નિમિત્તે નદીમાં નહાવા ગયા’તા

રાજકોટની ભાગોળે ત્રંબાની નદીમાં નહાવા ગયેલા રાજકોટના રામપાર્કના બે મિત્ર નદીમાં ડૂબી રહેલા પાંચ વર્ષના બા‌ળકને બચાવવા નદીની મધ્યમાં ગયા હતા, બાળકને તો બચાવી લીધો હતો પરંતુ પરત ફરતી વખતે બંને યુવક ડૂબી જતાં બંનેનાં મોત નીપજ્યા હતા. ધુળેટીના દિવસે બે જુવાનજોધ યુવકનાં મોતથી રામપાર્ક વિસ્તારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

આજી ડેમ નજીક માનસરોવરપાર્ક પાસેના રામપાર્કમાં રહેતા સાત યુવક ધુળેટીના દિવસે બપોરે ત્રંબા નજીક આવેલી નદીએ નહાવા ગયા હતા, સાતેય મિત્ર ધોમધખતા તાપમાં નદીના શીતળ પાણીમાં ધુબાકા મારવાની મોજ માણી રહ્યા હતા ત્યારે પાંચ વર્ષનો એક બાળક નદીમાં ડૂબવા લાગ્યો હતો. ડૂબી રહેલા બાળકની ચીંસો સાંભળી રામપાર્કના સાત પૈકીના અર્જુન લક્ષ્મણભાઇ ભૂવા (ઉ.વ.25) અને તેનો મિત્ર કલ્પેશ જસ્મિનભાઇ ભૂવા (ઉ.વ.18) નદીની મધ્યમાં ગયા હતા, બંને યુવકે જહેમત ઉઠાવીને બાળકને બચાવી લીધો હતો, તે દરમિયાન અન્ય લોકો પણ તેની પાસે આવી ગયા હતા પરંતુ બાળકને બચાવીને પરત ફરતી વખતે અર્જુન અને કલ્પેશ ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.

અર્જુન અને કલ્પેશ ડૂબવા લાગતા તેના અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા અન્ય તરવૈયાઓ દોડી આવ્યા હતા અને અર્જુન તથા કલ્પેશને બહાર કાઢ્યા હતા, બનાવની જાણ થતાં 108નો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં બંને જીગરજાન મિત્ર અર્જુન અને કલ્પેશનાં મોત નીપજ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અર્જુન ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો અને પાંચ વર્ષ પહેલા તેની સગાઇ થઇ હતી, જ્યારે કલ્પેશ બે બહેનનો એકનો એક ભાઇ હતો અને ઇલેક્ટ્રિકના શો-રૂમમાં નોકરી કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...