રાઈડ સંચાલકો લડી લેવાના મૂડમાં:રાજકોટ કલેકટર પાસે ટિકિટનો દર રૂ.70 સુધી કરવા અથવા મેળો બે દી’ લંબાવવા માંગ

રાજકોટ4 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ લોકમેળો યોજાઈ રહ્યો છે પણ યાંત્રિક રાઈડ્સને કારણે હાલ મામલો ગૂંચવાયો છે અને હરાજી અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રહી છે. હાલ રાઈડ સંચાલકો લડી લેવાના મૂડમાં હોય તેમ કલેકટર પાસે ટિકિટનો દર રૂ.70 સુધી કરવા અથવા મેળો બે દિવસ સુધી લંબાવવા માંગ કરી છે.

સમિતિએ આ ભાવવધારો ફગાવી દીધો
આ અંગે રાઈડના સંચાલક મારુતએ મીડિયાને જણાવ્યું હતું કે,વર્ષ 2015માં જે ભાવ લોકમેળા સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હતા. તે ભાવ હવે પોસાય તેમ નથી. હાલ દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે અમને પણ મોંઘવારીનો માર લાગી રહ્યો છે. જેના કારણે અમે ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત કરી છે. મંગળવારે અમે રજૂઆત કરી હતી કે રાઇડમાં ટિકિટનો દર 30 છે તેને 50થી 70 સુધી કરવો જોઈએ કારણ કે મોંઘવારી વધી છે. સમિતિએ આ ભાવવધારો ફગાવી દીધો હતો.

અપસેટ પ્રાઇઝમાં પણ વધારો થયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પહેલા અપસેટ પ્રાઇઝ 2 લાખ રાખવામાં આવતી હતી તે અપસેટ પ્રાઇઝ આજે 3 લાખ રાખવામાં આવી રહી છે. મેળાના ફોર્મથી લઈ તમામ બાબતમાં ખર્ચમાં વધારો થયો છે. ત્યારે અમને ભાવવધારો આપવામા આવે અથવા તો મેળાના દિવસો 5ને બદલે 7 દિવસ આવે તેવી અમારી માંગ છે.