સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજીસી સેક્શનના પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસર અને ડે. રજિસ્ટ્રાર સમકક્ષનો હોદ્દો ધરાવતા મનીષ ધામેચા સામે ચૂંટણી આયોગમાં ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવા અંગેનો કલેકટરે રિપોર્ટ કરતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી ફરજમાં રાજકોટ દક્ષિણ બેઠકમાં તેઓ અગાઉ જાણ કર્યા વિના ગેરહાજર રહેતા ચૂંટણી આયોગમાં ધરપકડનું વોરંટ માટેનો રિપોર્ટ કરાયો છે. તેમને પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચૂંટણી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સહિતના અધિકારીઓના ઓર્ડર નીકળ્યા હતા જેમાંથી ડે. રજિસ્ટ્રાર કક્ષાનો હોદ્દો ધરાવતા યુજીસી વિભાગના પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ અધિકારી મનીષ ધામેચાને વિધાનસભા મત વિભાગ 70ના દક્ષિણ મતદાન મથક 48 આરએમસી શાળા નં. 28માં પ્રમુખ અધિકારીની ફરજ સોંપાઇ હતી.
તેઓ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ગેરહાજર રહેતા જિલ્લા કલેકટરે તેમની સામે ધગધગતો રિપોર્ટ ચૂંટણી આયોગમાં કર્યો હતો. જેમાં જણાવાયું છે કે સોંપવામાં આવેલી ફરજ પર જાણ કર્યા વિના હાજર રહ્યા નથી અને કોઈ કારણ પણ આપ્યું નથી તેમને આપેલી નિમણૂકનો અનાદર કર્યો છે જેથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 128 મુજબ તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, તેમજ તેમને પકડવાનું વોરંટ કેમ ઈશ્યુ કરવામાં આવ્યું નથી તેવું જણાવી તેમના નિમણૂકના ઓર્ડરની કોપી જોડી કાર્યવાહી કરવા રિપોર્ટમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.