તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા રદ થવાની શક્યતા:ધોરણ 10-12ના રિપીટર-એક્સટર્નલ વિદ્યાર્થીની પરીક્ષાને 20 દિવસ બાકી છતાં કોઈ તૈયારી નહીં, બિલ્ડિંગ-કેન્દ્ર સહિત કોઈ જ વ્યવસ્થા શરૂ નથી થઈ

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.

શિક્ષણ બોર્ડે આગામી તારીખ 15 જુલાઈથી ધોરણ 10 અને 12ના રિપીટર અને એક્સટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ પરીક્ષાને આડે હવે માત્ર 20 દિવસ બાકી હોવા છતાં જિલ્લા કક્ષાએ શિક્ષણ તંત્રને પરીક્ષા અંગેની તૈયારી કરવાની કોઈ સૂચના શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી નથી.

માસ પ્રમોશન આપવાની પ્રબળ સંભાવના
સામાન્ય રીતે પરીક્ષાના એકાદ મહિના અગાઉ જ પરીક્ષાનાં બિલ્ડિંગ, કેન્દ્રો, ઝોન, સુપરવાઈઝર સહિતની તમામ વ્યવસ્થાઓ થઇ જતી હોય છે, પરંતુ રિપીટરની પરીક્ષાને લઈને હજુ સુધી તૈયારી માટેની મીટિંગ પણ મળી નથી. શિક્ષણ સાથે જોડાયેલા નિષ્ણાતો જણાવે છે કે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં રદ થવાની અને તેમને પણ માસ પ્રમોશન આપવાની પ્રબળ સંભાવનાઓ છે.

રજૂઆતો વચ્ચે ચર્ચા-વિચારણા
આ અંગે શિક્ષણ બોર્ડ અને સરકાર દ્વારા હાલ ચર્ચા-વિચારણા પણ ચાલી રહી છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે જ માસ પ્રમોશન અપાયું છે તો કોરોનાની અસર તો રિપીટર વિદ્યાર્થીઓને પણ થઇ હોય, તેવા અનેક મુદ્દાઓની ઢગલાબંધ રજૂઆતો આવી છે, જેના પર હાલ વિચારણા ચાલી રહી છે.

આ 10 કારણથી પરીક્ષા ન લેવાની સંભાવના પ્રબળ

 • પરીક્ષાને આડે ઓછા દિવસ છતાં આયોજન અંગે બોર્ડમાંથી કોઈ સૂચના નહીં.
 • હજુ સુધી પરીક્ષાનાં સ્કૂલ, બિલ્ડિંગ, કેન્દ્રો કે ઝોન નક્કી કરાયાં નથી.
 • પરીક્ષા આયોજન અગાઉ બોર્ડ કે સ્થાનિક કક્ષાએ મીટિંગ થતી હોય છે એ નથી થઈ.
 • ઝોનલ ઓફિસર, સુપરવાઈઝર સહિતનો સ્ટાફ નક્કી હજુ નથી થયો.
 • કંટ્રોલરૂમ, પેપર માટેનો સ્ટ્રોંગ રૂમ અંગે હજુ કશું નક્કી નથી થયું.
 • સપ્તાહ અગાઉ તો હોલ ટિકિટ આપી દેવાની હોઈ, એનું કોઈ આયોજન નથી.
 • શિક્ષણવિદો, શાળા-સંચાલકો, બોર્ડ સાથે જોડાયેલા નિષ્ણાતો પરીક્ષા રદ થવાને સમર્થન આપે છે.
 • માસ પ્રમોશન આપવા વિદ્યાર્થીઓ, વાલીઓ, મંડળો, સંગઠનોની ઢગલાબંધ રજૂઆતો આવી છે.
 • પરીક્ષા લેવાય તો એક કેન્દ્રમાં 250થી વધુ લોકો એકઠા થાય તો ગાઈડલાઈન્સનો જ ભંગ થાય.
 • સ્થાનિક શિક્ષણતંત્રમાં પણ પરીક્ષા લેવા અંગેની કોઈ હિલચાલ નથી.

રાજકોટના 24 હજાર, રાજ્યમાં 4.91 લાખ રિપીટર્સ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓમાં રાજકોટમાં ધો.10માં 16 હજારથી વધુ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 6600થી વધુ અને સાયન્સમાં 1 હજાર વિદ્યાર્થીઓ છે, જ્યારે રાજ્યમાં ધોરણ 10માં અંદાજિત 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજારથી વધુ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થી નોંધાયા હતા.

પરીક્ષા રદ કરવાનો આખરી નિર્ણય બોર્ડ લેશે
રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું જાહેર થયું છે, પરંતુ હજુ પરીક્ષાનાં કેન્દ્રો કે બિલ્ડિંગ ફાઈનલ નથી થયાં. શાળાનાં બિલ્ડિંગ પસંદ કરવાની કામગીરી તો થોડા દિવસોમાં થઇ શકે છે. રિપીટર કે એક્સટર્નલના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય તો શિક્ષણ બોર્ડ લેશે. > બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ.

અન્ય સમાચારો પણ છે...