પટેલ સમાજનું કોવિડ સેન્ટર શરૂ કરવાનું છે અને તે માટે લોખંડના સળિયા સહિતની વસ્તુની ખરીદીના નામે રાજકોટના વેપારી સાથે રૂ.30 લાખની છેતરપિંડી કરવાના મામલામાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી ત્રણેયને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ પ્રકરણમાં નાસતા ફરતા વધુ એક આરોપીને પકડવા તેમજ મુદ્દામાલ જપ્ત કરવા પોલીસે કવાયત શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર શહેરના વિમલનગરમાં રહેતા વેપારી મયૂરભાઇ જીવરાજભાઇ વસોયાએ પોતાની સાથે રૂ.30 લાખની છેતરપિંડી થયા અંગે ગત તા.27 જુલાઇના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મયૂરભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તુષાર નામના શખ્સે ડો.કાલરિયાના નામે ફોન કર્યો હતો અને સાણંદમાં પટેલ સમાજનું કોવિડ સેન્ટર બનાવવાનું છે વિદેશમાંથી ફંડ આવી ગયું છે તેવી વાત કરી લોખંડના સળિયા સહિતનો રૂ.30 લાખનો માલ વેપારી મયૂરભાઇ પાસેથી મગાવ્યો હતો.
વેપારીએ માલ પહોંચાડ્યા બાદ તેમને પૈસા પહોંચાડ્યા નહોતા અને આરોપીએ મોબાઇલ બંધ કરી દીધો હતો.ડો.કાલરિયાના નામે ફોન કરનાર તુષાર બાબુ લુહારનો મુંબઇથી રાજકોટ પોલીસે કબજો મેળવી પૂછપરછ કરતાં વધુ ચાર નામ ખુલ્યા હતા, જે પૈકી કેતન ખાંભલા, ભાવિન રૂપારેલિયા અને જેસલ હિંડોચાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ હરદેવસિંહ રાયજાદા અને રાઇટર મેહુલસિંહ ચુડાસમાં સહિતના સ્ટાફે ધરપકડ કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણેયને પાંચ દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા. પોલીસે આ મામલામાં સંડોવાયેલા જયેશ પટેલની શોધખોળ શરૂ કરી છેતરપિંડીથી પડાવવામાં આવેલો મુદ્દામાલ કબજે કરવાની કવાયત શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.