અનરાધાર વરસાદમાં પ્રજા ત્રસ્ત:રાજકોટમાં રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરાનું નાલુ પાણીમાં ગરકાવ, એક લાખ નાગરિકો પરેશાન

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

ભારે વરસાદની આગાહી સાચી ઠરી હોય તેમ ગઇકાલે રાતના આજે બપોરના 12 વાગ્યા સુધીમાં રાજકોટમાં ધોધમાર 11 ઇંચ વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે લોકો હેરાન-પરેશાન બની જાય છે. રાજકોટ મનપા પ્રિ-મોન્સૂનના નામે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ આવતો નથી. આવું જ રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરના નાલામાં બન્યું છે. સામાન્ય રીતે પોપટપરાનું નાળું છલકાય તો લોકો રેલનગર અન્ડરબ્રિજમાંથી પસાર થાય છે પણ હાલ બન્ને જગ્યાએ જળબંબાકાર સર્જાયો છે. જેથી લોકોએ હવે બહાર કેમ નીકળવું તેની સમસ્યાથી ઉત્પન્ન થઈ છે.

પોપટપરાના નાળામાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે
પોપટપરાના નાળામાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે

10 જગ્યાએ ઝાડ પડ્યાની ફરિયાદ મળી
શહેરમા સત્યસાંઇ રોડ પ્રદ્યુમનપાર્ક 1, જંકશન પ્લોટ 5, અમિન માર્ગ પંચવટી સોસાયટી શેરી નં.3, સાંઇનગર શેરી નં.1, પંચશીલ સોસાયટી, સરદારનગર, વાણિયાવાડી, ગુજ.હાઉ.બોર્ડ, પંચવટી મેઇન રોડ, ગીતાનગર વગેરે વિસ્તારમા રસ્તા પર ઝાડ પડવા અંગેની 10 ફરીયાદ આવી છે. જેમા રામનાથપરા ગરૂડ ચોકમા મકાન પડવાની 1 ફરિયાદ આવી છે. એક ગાડી પર ઝાડ પડ્યું હોય ફાયરબ્રિગેડ શાખા અને ગાર્ડન શાખા દ્વારા ઘટનાસ્થળે જઇ તાત્કાલિક નિકાલ કર્યો હતો. તેમજ પાણી ભરાવા અંગેની 3 ફરિયાદ આવી છે. જેમા ઘનશ્યામનગરમાં વધુ પાણી ભરાતા ડી વોટરિંગ પમ્પ દ્વારા પાણી નિકાલની કામગીરી ચાલુ છે. તેમજ એક આગનો બનાવ બન્યો છે. તમામ સિટી એન્જિનિયરો દ્વારા ઘટનાસ્થળે જઇ લોકોની ફરિયાદનો નિકાલ કર્યો છે.

રેલનગર અન્ડર બ્રિજ નદી બન્યો
રેલનગર અન્ડર બ્રિજ નદી બન્યો

શહેરનું સૌથી જોખમી નાલુ
શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ છે. પણ પોપટ પરાના નાલા માંથી સતત પાણી વહી રહે છે અને લોકો પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે અનેક લોકોના વાહનો પણ બંધ થાય છે હજુ આ પ્રજા માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. પોપટપરા પછી અનેક વિસ્તારો આવે ત્યાં જવું હોય તો આજ રસ્તાનો ઉપયોગ કરવો પડતો હોય છે.

લોકો પર જોખમ ઊભું થઇ રહ્યું છે.
લોકો પર જોખમ ઊભું થઇ રહ્યું છે.

લલુડી વોંકળી પાસેથી 500 લોકોનું સ્થળાંતર
ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમા ત્વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ નાગરીકોની સલામતિ માટે 4 અન્ડરપાસ લક્ષ્મીનગર અન્ડરપાસ, મહિલા કોલેજ અન્ડરપાસ, રેલનગર અન્ડરપાસ અને આમ્રપાલી અન્ડરપાસ સંપૂર્ણ રીતે કાર્યરત છે. તેમજ વાહન વ્યવહાર પણ ચાલું છે. મહિલા કોલેજઅન્ડરપાસમા ઝોનલ ઓફિસ, ફાયર બ્રિગેડ અને સિટી એન્જિનિયર દ્વારા પંપ યુનિટ મુકી પાણી નિકાલની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને વાહન વ્યવહાર ચાલુ છે. રેલનગર અન્ડરપાસમા હાલ ડી વોટરિંગ પમ્પથી પાણી નિકાલની કામગીરી ચાલુ છે. લલુડી વોકળી વિસ્તારમાંથી 500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રસ્તા પર પાણી ફરી વળ્યું
રસ્તા પર પાણી ફરી વળ્યું

પોપટપરાનું નાળું અનેક વિસ્તારોને સાંકળે છે
પોપટપરાનું નાળું અનેક વિસ્તારોને સાંકળે છે. જેમાં રેલનગર, સાંઈબાબા સોસાયટી, અવધપાર્ક, સૂર્યાપાર્ક, ગંગોત્રીપાર્ક, રામેશ્વરપાર્ક, પરમેશ્વપાર્ક, શિવમપાર્ક, સંતોષીનગર, નારાયણનગર, ક્રિષ્નાપાર્ક, નાથદ્વારા સોસાયટી, સમર્પણપાર્ક, અમૃત રેસિડેન્સી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. પોપટ પરા ઝડપથી વિકસતો વિસ્તાર બન્યો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો નિવાસ કરી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા ત્યાં તેટલી ઝડપથી સુવિધા ઊભું કરી શક્યું નથી. ઘણાં વિસ્તારના રોડ પર સ્ટ્રીટલાઇટ ન હોવાથી અંધારામાં વાહન ચાલકો અને પગપાળા જતા લોકો પર જોખમ ઊભું થઇ રહ્યું છે.

ધોરાજીના સુપેડી અને નાની વાવડીને જોડતો રસ્તો બંધ
ધોરાજીના સુપેડી અને નાની વાવડીને જોડતો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. સુપેડી અને નાની વાવડી વચ્ચે આવેલ વોકળાના પુલ નીચેની દીવાલ અને માટી ધસી પડવાની ઘટના સામે આવી છે. અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહનો કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે. પુલ નીચેની દીવાલ અને માટી ધસી પડતા રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.