સહાય:‘કોવિડ મૃતકો’ના સ્વજનોને આજથી સહાય અપાશે

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોનું​​​​​​​ મૃત્યુ કોવિડથી થયું હોવાનું તંત્રે જાહેર કર્યું છે તેમને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટમાંથી મુક્તિ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની સહાય ચૂકવવામાં રાજ્યમાં સૌથી પહેલા જિલ્લાઓમાંથી એક બની ગયું છે કારણ કે, શુક્રવારથી સહાય ચૂકવવાની ચાલુ થઈ જશે અને તે માટે મોડી રાત્રે જ સહાય ચૂકવણીના હુકમ બની ગયા છે. કોરોનાની સહાય માટે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવ્યા બાદ અરજી કરવાની હોય છે, અત્યારે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ માટે અનેક અરજીઓ આવતા હજુ ડિઝાસ્ટર શાખામાં ફોર્મ પૂરતા આવ્યા નથી પણ બધા એક સાથે જ ફોર્મ આવે તેવી શક્યતા છે.

તે વચ્ચે એવો નિર્ણય લેવાયો છે કે એવા હતભાગી કે જેનાં મોત સરકારી ચોપડે પણ કોવિડ ડેથ છે તેમની પાસેથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી અને સીધા ફોર્મ ભરીને જ સહાય આપી દેવા જોઈએ. આ માટે કલેક્ટરની સૂચના બાદ ડિઝાસ્ટર શાખામાંથી સત્તાવાર કોવિડ મૃતાંક છે તેમના સ્વજનોને ફોન કરીને તેમને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટની જરૂર નહિ પડે અને સીધા જ ફોર્મ ભરી શકાશે તેવું કહીને ફોર્મ ભરાવી રહ્યા છે જેથી ઝડપથી સહાય મળી શકે. રાજકોટ શહેરમાં કોરોનાનો સત્તાવાર આંક 458 જ્યારે જિલ્લામાં 251 છે. આ તમામ એટલે કે 709 મૃતકના સ્વજનો પોતાની વિગતો આપશે એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ સીધા બેંક ખાતામાં રકમ જમા થઈ જશે.

અરજી ગમે ત્યાં કરી હોય, સ્ક્રૂટિની કરી સહાય અપાશે
એક જિલ્લામાં રહેતા હોય અને બીજા જિલ્લામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય તે કિસ્સામાં ક્યા અરજી કરવી તેવા પ્રશ્નના જવાબમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે, ‘અરજી આવ્યા બાદ તેની સ્ક્રૂટિની કરાશે અને તેમાં જો અન્ય જિલ્લાના રહેવાસી હોય અને ત્યાંના લાભાર્થી હશે તો જે તે જિલ્લાની ગ્રાન્ટમાંથી તેમને સહાય ચૂકવી દેવાશે.’

મનપાને 2000થી વધુ અરજીઓ આવી 600ના સર્ટિફિકેટ તૈયાર
મનપાને કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ માટે અત્યાર સુધીમાં 2000થી વધુ અરજીઓ આવી ગઈ છે. આ તમામ અરજીઓને જવાબ આપવા માટે તમામ સ્ટાફને કામે લગાડતા અત્યાર સુધીમાં 600 અરજીઓ માટેના કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ તૈયાર થઈ ગયા છે. જે લોકોએ વહેલી અરજી કરી હશે તે મુજબ જ સર્ટિફિકેટનું વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...