નકલી સર્ટિફિકેટ કૌભાંડ:હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરી ગુજરાતની 57 શાળાને નકલી સર્ટિફિકેટ ધાબડી દેવાના ચાલતા રેકેટનો પર્દાફાશ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • રાજકોટના શખસે દિલ્હી જઈ સંસ્થા ઊભી કરી હતી: જયંતી સુદાણી બાદ ખાંભાનો કેતન જોશી પકડાતાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું

રાજકોટના શખ્સ સહિતના શખસોએ દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી નકલી સર્ટિફિકેટ વેચવાનો કારસો રચ્યો હતો. એકાદ વર્ષથી ખાંભાના શખસે આ રેકેટને સંભાળી રાજ્યની 57 શાળાને નકલી સર્ટિ. ધાબડ્યાનો ધડાકો થયો હતો. પોલીસે ખાંભાના શખસને ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

માધવ કોમ્પ્લેક્સમાંથી ક્રાઇમ બ્રાંચે જયંતી સુદાણીને પકડ્યો ત્યારે તેની ઓફિસમાંથી હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી લખેલા કવર અને સર્ટિફિકેટ મળી આવ્યાં હતાં. આ મામલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ ધોળા સહિતની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતાં નવો જ ફણગો ફૂટ્યો હતો. હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા નકલી હોવાની અને એ ખાંભાનો કેતન જોશી ચલાવતો હોવાની હકીકત મળતાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ ખાંભા દોડી ગઇ હતી અને કેતનને ઉઠાવી લીધો હતો, કેતનની પૂછપરછમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું.

રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ અપાતું હતું
પોલીસે જણાવ્યું હતું કે રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે વર્ષ 2011માં દિલ્હી જઇ ત્યાં એક સંસ્થા હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી અને એ સંસ્થામાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા, જયંતી સુદાણી સહિતના શખસો કોઇપણ ડિપ્લોમા કોર્સના સર્ટિફિકેટ મગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા હતા અને તેમણે ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા. કોરોનામાં રાજકોટના અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો અને તે રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ આપતો હતો.

ઉપરોક્ત સંસ્થાના નામે જ નકલી પરીક્ષા લેવાતી, તે પેપર ચેકના નાટક થતાં અને બાદમાં કેતન જોશી વેરિફિકેશન કરીને ખાંભાથી સર્ટિફિકેટ મોકલી આપતો હતો. કેતન જોશી સહિતની ગેંગે રાજ્યના અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શંકા ઊઠતાં પોલીસે આ અંગે અલગથી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

પાંડેની ધરપકડ થતાં સંસ્થા બોગસ હોવાનું સ્પષ્ટ થયું’તું
રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી અને ત્યાર બાદ એ સંસ્થાના નામે નર્સિંગ સહિતના કોર્સના સર્ટિફિકેટ વેચતા હતા, પાંડે નામના શખસને વર્ષ 2013માં દિલ્હી ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો ત્યારે તેણે ઉપરોક્ત સંસ્થા બોગસ હોવાની કબૂલાત પણ આપી હતી.