કામગીરી પૂરજોશમાં:રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ અંગે કલેકટરે કહ્યું - એરપોર્ટનાં રન-વેનું 46% કામ પૂર્ણ, ઓગષ્ટ-2022માં ટેસ્ટિંગ ફ્લાઇટ શરૂ કરાશે

રાજકોટ3 મહિનો પહેલા
કલેકટર અરૂણ મહેશ બાબુ
  • માર્ચ 2023 સુધીમાં લોકાર્પણ થવાની આશા વ્યક્ત કરી

જિલ્લાનાં હીરાસર ખાતે ગુજરાતનાં પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. હાલ હીરાસર એરપોર્ટમાં રન-વેનું કામ 46 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. અને અત્યાર સુધી રાજકોટના હીરાસર ખાતે 1500 મીટરનો રન-વે બની પણ ચૂક્યો છે. જ્યારે બાકીનો 1400 મીટરનો રન-વે બનવાનો બાકી છે. ઉપરાંત 500 મીટરનો બોક્ષ કન્વર્ટ રન-વે પણ હજુ બાકી હોવાનું જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યું છે.
સ્થાનિક તંત્ર સંલગ્ન કામગીરીનું સંકલન કરી રહ્યું છે.

માર્ચ 2023 સુધીમાં લોકાર્પણ થવાની આશા વ્યક્ત કરી
કલેક્ટરનાં કહેવા અનુસાર, બિલ્ડિંગ ટર્મિનલનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. આગામી ઓગસ્ટ 2022 સુધીમાં એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ ફ્લાઇટ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. એરપોર્ટનાં નિર્માણ કાર્ય માટે પ્રથમ ફેઝનું કામ અંદાજિત રૂપિયા 670 કરોડનું છે. જે આગામી 2 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરાય તેવી પૂરતી શક્યતા છે. જ્યારે ટર્મિનલનાં બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં કરવામાં આવશે જે કામ જલ્દીથી શરૂ કરી ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવા માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. આગામી માર્ચ- 2023 સુધીમાં આ પ્રોજેક્ટને લગતા તમામ કામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.
ગ્રેડિંગ વર્ક 50 ટકા થઇ ગયું છે.

એરપોર્ટ આસપાસનાં વિસ્તારોમાં રોજગારીની નવી તકો ખુલશે
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક 1025 હેક્ટર જમીનમાં ગુજરાતનું સૌપ્રથમ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાકાળ વચ્ચે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અને આ એરપોર્ટ તેમજ એઈમ્સનાં બંને પ્રોજેકટ સમય કરતાં પહેલાં પુરા કરવા માટે ખુદ સીએમ વિજય રૂપાણી પણ દેખરેખ રાખી રહ્યા છે. આ એરપોર્ટ બની જતા સૌરાષ્ટ્રભરના મુસાફરોને દેશ-વિદેશ જવા માટે મોટી મદદ મળશે. તો સાથે જ એરપોર્ટ આસપાસનાં વિસ્તારોમાં રોજગારીની નવી તકો ખુલશે.

100થી વધુ ડમ્પર અને અને હિટાચી મશીનથી જેટ ગતિએ કામ.
100થી વધુ ડમ્પર અને અને હિટાચી મશીનથી જેટ ગતિએ કામ.