રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામે શાંતિધામ સોસાયટીમાં રહેતી પરિણીતાની પજવણી કરતા શખ્સે ઘરમાં ઘૂસી હુમલો કરતા પરિણીતાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ છે. હુમલામાં ઘવાયેલી ગંગાબેન સુભાષભાઇ બગડા નામની પરિણીતાના જણાવ્યા મુજબ, તે એક વર્ષ પહેલા રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. નોકરીએ જવામાં મોડું થઇ જાય ત્યારે પોતે શાપરથી રાજકોટ રિક્ષામાં જતી હતી. તે સમયે બહાદુર નામના ચાલકની રિક્ષામાં જતી હતી. અવારનવાર બહાદુરની રિક્ષામાં જતી-આવતી હોવાથી બંનેએ મોબાઇલ નંબરની આપલે કરી હતી.
મૂળ જૂનાગઢના બહાદુર સાથે મોબાઇલ નંબરની આપલે થયા બાદ તેને ફોન કરી પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ તે પાછળ પાછળ રાજકોટ હોસ્પિટલ સુધી આવતો અને હેરાન કરતો હતો. બહાદુરનો ત્રાસ વધતા પોતે નોકરી મૂકી દીધી હતી. નોકરી મૂકી દીધા બાદ બહાદુર પોતાના ઘર પાસે આવી મોબાઇલ કરી પરેશાન કરતો હતો. જેથી બહાદુરને પજવણી કરવાની ના પાડી ઠપકો દીધો હતો. જેનો ખાર રાખી બહાદુર, તેની સાથે કેતન સહિત ચાર જેટલા શખ્સ ગત તા.28ના રોજ બપોરના સમયે ઘરે આવ્યા હતા.
બહાદુર સાથે આવેલા કેતન સહિતના ત્રણ શખ્સ ઘર બહાર ઊભા હતા. જ્યારે બહાદુર ઘરમાં ઘૂસી આવી ઝઘડો કર્યો હતો. બાદમાં તેને નેફામાંથી છરી કાઢી પોતાના પર હુમલો કર્યો હતો. હુમલો થતા પોતે બચવા માટે છરી વાળા બહાદુરના હાથને પકડી લેતા છરીનો ઘા હથેળીમાં લાગતા નસ કપાઇ ગઇ હતી.
ત્યાર બાદ બહાદુરે છરીનો બીજો ઘા પગમાં ઝીંકી દઇ તેના સાગરીતો સાથે નાસી ગયો હતો. હુમલામાં પોતે લોહીલુહાણ થઇ જતા બનાવની પતિને જાણ કરી હતી. હોમગાર્ડમાં સેવા આપતા પતિ સુભાષ તુરંત દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ આવ્યા હતા. બનાવની જાણ થતા શાપર પોલીસના પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ પરથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદને પગલે પોલીસે એક શખ્સને સકંજામાં લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.