60+ની ચોખ્ખી ના:નિવૃત્ત કર્મીને કોન્ટ્રાક્ટ પર રાખતી મનપાને ઠપકો, હવે યુવાનોને તક આપો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિમણૂક આપીને મંજૂરી માગવાની પ્રક્રિયા બંધ કરવા શહેરી વિકાસ વિભાગની સ્પષ્ટ સૂચના

મનપામાંથી પોતાના હક્ક હિસ્સા લઈને નિવૃત્ત થઈ ગયા બાદ પેન્શન ચાલુ હોય ત્યારે ફરી તેમની તે જ હોદ્દા પર કરાર આધારિત નિમણૂક કરીને યુવાનોને નોકરી ન આપવાના દાવ થાય છે. રોજગારીની તક પૂરી પાડવાને બદલે જે તક છે તે પણ છીનવવા માટે થતા પ્રયત્નો પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી ફટકાર આપી છે.

મનપાના આરોગ્ય વિભાગ અને સેક્રેટરી વિભાગમાં નિવૃત્તિ બાદ પદાધિકારીઓ અને અધિકારીઓના વહાલા થઈને સરકારની ‘મંજૂરીની અપેક્ષા’ એવી ચોપડે નોંધ કરી ફરીથી નોકરી પર રાખી લેવાતા હતા અને તેમાં પણ બે વખત મંજૂરી મળી જતા છૂટો દોર મળી ગયો હતો.

તેવામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પી.એ. સી.એન. રાણપરા કે જેમને બે વખત આ રીતે કરાર પર લીધા હતા તેમને ત્રીજી વખત નિમણૂક આપી દેવાઈ હતી. આ બાબત શહેરી વિકાસ વિભાગને ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને સ્પષ્ટ કહ્યું છે કે, પહેલા નિમણૂક આપી હોય અને પાછળની અસરથી મંજૂરી લેવાની હોય તેવી સ્પષ્ટ મનાઈ સરકારના 4-9-2019ના પત્રથી કરી દેવાઈ છે આમ છતાં પાછલી અસરથી મંજૂરીની પ્રક્રિયા કરી દેવાઈ છે તે યોગ્ય નથી.

તેમને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા અને આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તેની પૂરી તકેદારી રાખવાની રહેશે. આ પત્ર બાદ તુરંત જ આરોગ્ય વિભાગમાંથી એક કર્મચારીને છૂટા કરી દેવાયા હતા પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર ઓફિસમા હજુ પણ કર્મચારીઓ નિવૃત્તિ બાદ ફરજ નિભાવી રહ્યા છે જે મામલે મહેકમ શાખામાં પૂછતા જવાબ મળ્યો હતો કે કર્મચારીઓને છૂટા કરવા સેક્રેટરી વિભાગને જાણ કરી દેવાઈ છે ત્યાંથી નિમણૂકનો ઓર્ડર નીકળ્યો હોવાથી તેમણે જ છૂટા કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...