બેઠક:ટ્રાફિક સમસ્યા હળવી કરવા ફરીથી સરવે, રસ્તા પરના દબાણ દૂર કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી
  • મનપાના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે પણ વિચારણા

શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે, ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફરીથી ટ્રાફિક સરવે કરવાનો અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં બુધવારે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી, કમિશનર ભાર્ગવે ટ્રાફિક નિયમન માટે ભવિષ્યને ધ્યાનમાં લઇને રોડ એન્જિનિયરિંગ કરવા પર ખાસ ભાર મુક્યો હતો, આગામી વર્ષોમાં વાહનોની સંખ્યા અને વધારા મુજબ રોડની પહોળાઇ અને રોડ વચ્ચેના સર્કલની ડિઝાઇન તૈયાર કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં રાજકોટ શહેર આસપાસના ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટિંગ યાર્ડ, ત્રંબા, સરધાર, બેડીનાકા અને માંડાડુંગર સહિતના બ્લેક સ્પોટ ઝોન પર અકસ્માત નિવારણ માટે વિવિધ વિભાગ દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

બ્લેક સ્પોટ વિસ્તારમાં મનપા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફ્ટી સંબંધિત સાઇન બોર્ડ તેમજ ડાયવર્ઝન સૂચના સંબંધી કરાયેલી કામગીરી રજૂ કરાઈ હતી. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે વિચારણા કરવામાં આવી હતી તથા ફૂટપાથ પરના દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવાની પણ યોજના બનાવાઈ હતી. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઓટોમાઇઝેશન કરવાની કામગીરી વેગવંતી કરવામાં આવી છે, 30 સિગ્નલ પૈકી 11 સિગ્નલ ફુલી ઓટોમેટિક થઇ ચૂક્યા છે, તેમજ 14 જેટલા સિગ્નલ આગામી દિવસોમાં થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...