અધ્યાપકોની ભરતી:સૌ.યુનિ.માં ભાજપના સિન્ડિકેટ સભ્યોના ભલામણકાંડથી ભરતી કેન્સલ થયા બાદ ફરી ઇન્ટરવ્યૂ યોજાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 64 અધ્યાપકોની કરાર આધારિત ભરતી થશે, ઇન્ચાર્જ VCએ કહ્યું: 'UGCના નિયમ મુજબ ભરતી પારદર્શકતાથી થશે'
  • રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ સૌ.યુનિ.ને ભરતી કરવા મંજૂરી મળી, 18 મે સુધીમાં અરજી કરવાની રહેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત 88 અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં સિન્ડિકેટ સભ્યોએ જ ભલામણોનો ધોધ વહાવતા માનીતાઓને જ લેવા મુદ્દે વિવાદ થયો હતો આખરે આખી ભરતીપ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી સરકારની મંજૂરીથી ફરી કરાર આધારિત 64 પ્રોફેસરોની ભરતી કરવામાં આવશે.

મહિને રૂ. 40,000નું વેતન ચુકવવામાં આવશે
આ અંગે ઇન્ચાર્જ VC ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન કુલપતિ નીતિન પેથાણીના સમયમાં ભરતી પ્રક્રિયા રદ્દ થઈ હતી. પરંતુ હવે UGCના નિયમ મુજબ ભરતી પારદર્શકતાથી થશે. એ માટે રાજ્ય સરકારે ફરી ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે. જેમાં અધ્યાપકોએ 18 મે સુધીમાં અરજી કરવાની રહેશે. હવે થનારી ભરતીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અન્ય યુનિવર્સિટીના જે તે વિદ્યાશાખાના ડિન જોડાશે. જેમાં 11 મહિનાના કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવામાં આવશે અને મહિને રૂ. 40,000નું વેતન ચુકવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી - ફાઈલ તસવીર
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી - ફાઈલ તસવીર

52 જેટલા અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાયમી અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે 52 જેટલા અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવશે. અને સરકારે જાહેર કરેલી ભરતી મુજબ જાહેરાતો પણ આપી દેવામાં આવી છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ પાસે પ્રતિનિધિની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી પણ વિવાદાસ્પદ બની છે. જેને પગલે હવે મતદાર યાદી સુધારણા પૂર્ણ થયા બાદ જ ચૂંટણી યોજાશે. હાલ મતદાર યાદી રિવાઇઝ કામગીરી ચાલુ છે.