રાજકોટના ઢેબર રોડ પર આવેલા નારાયણનગર-12માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સાથે મળી ટ્રાવેલ્સ બસની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન-ચેસીસ નંબર ઉભા કરી બોગસ આરસી બુકો બનાવી હતી. જેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી રૂ. 4 કરોડ 6 લાખ 20 હજારની 28 લોન લઇ બાદમાં બેંકને લોન ભરપાય ન કરી કૌભાંડ આચર્યું હતું. જેનો પર્દાફાશ શહેર SOGની ટીમે કર્યો છે. આ મામલે પોલીસે ભોલુગીરીને ગોસ્વામીને ઝડપી લીધો છે. જ્યારે સુરતના એક શખ્સનો જેલમાંથી કબ્જો મેળવવા તથા અન્ય આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. આરોપીને નામદાર કોર્ટેમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે 26 જુલાઈના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રાજકોટ SOGએ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર સંતોષ પાર્ક પદ્માવતિ ફ્લેટ નાણાવટી ચોક ખાતે રહેતાં અને વિજય પ્લોટ-10માં આકાંક્ષા બિલ્ડિંગમાં આવેલી HDFC બેંકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતાં જાગીર જયકરભાઇ કારીયાએ ક્રાઇમ બ્રાન્ચમાંમાં આઇપીસી કલમ 406, 420, 465, 567, 468, 471, 34, 120-બી મુજબ HDFC બેંક સાથે રૂ. 53,62,428ની ઠગાઇ કરવા અંગે રાજકોટના ભોલુગીરી ગોસ્વામી, સુરતના ઇર્શાદ પઠાણ અને હોશાંગ ભગવાગર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
2017માં લોન લીધી અને 2019માં હપ્તા ભરવાનું બંધ કરી દીધું
ફરિયાદમાં જણાવ્યા મુજબ બેંકમાં ડિસેમ્બર 2017માં ગ્રાહક ભોલુગીરી ગોસ્વામીએ ખાનગી કંપનીની બસની ત્રણ અલગ અલગ આરસી બુકો રજૂ કરી હતી. આ ત્રણેય સુરતના વિજય મકોડભાઇ ઢોલીયાના નામની હતી. તેની સાથે વિમા પોલીસી સહિતના દસ્તાવેજો પણ રજૂ કરાયા હતાં. તેણે આ ત્રણેય બસો પર રૂ. 14,50,000, રૂ. 14,50,000 તથા રૂ. 16 લાખની લોન માટે અરજી કરી હતી. કુલ 45 લાખની લોન મેળવી લીધા બાદ 2019થી લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આથી બેંક દ્વારા ભોલુગીરીનો સંપર્ક કરી હપ્તા ભરવા જણાવાયું હતું. પરંતુ તેણે હપ્તા ભર્યા નહોતાં.
એન્જિન-ચેસીસ નંબર આપ્યા તે બસનું ઉત્પાદન થયું જ નહોતું
બાદમાં બેંક દ્વારા ત્રણેય બસનું રૂબરૂ પરિક્ષણ કરવાનું કહી તેને બસો હાજર રાખવા નોટિસ અપાઇ હતી. પરંતુ તેણે કોઇ બસ હાજર કરી નહોતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે, સુરતનો ઇર્શાદ પઠાણ નામનો શખ્સ નકલી આરસી બૂક બનાવી બેંકોમાંથી લોનો મેળવી ઠગાઇ કરે છે અને સુરતમાં પકડાયો છે. જે બાદ ભોલુગીરી પર શંકા ઉપજતાં બેન્ક દ્વારા તેણે રજૂ કરેલી વીમા પોલીસી, આરસી બૂક સહિતના દસ્તાવેજો તપાસતાં તે નકલી હોવાનું જણાયું હતું. તેણે જે એન્જિન-ચેસીસ નંબરોની આરસી બૂકો આપી હતી. તે નંબરોની બસોનું ઉત્પાદન જ થયું નહિ હોવાનું જણાયું હતું.
બસ રિપેર કરવા ગયો અને સુરતનો ઇર્શાદ મળ્યો
હાલ રાજકોટ શહેર SOG દ્વારા રાજકોટના ભોલુગીરી ગોસ્વામીને પકડી પાડી વિસ્તૃત તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જ્યારે ઇર્શાદ પઠાણ સુરત જેલમાં હોય ત્યાંથી કબ્જો મેળવવા તેમજ બેંકના વેલ્યુઅર હોશાંગ ભગવાગરને ઝડપી લેવા ટીમો સુરત રવાના થઇ છે. SOGની પ્રાથમિક પૂછપરછમાં ભોલુગીરીએ કબુલ્યું છે કે, પોતે સાડા ચારેક વર્ષ પહેલા પોતાની બસ ખરાબ થઇ હોય સુરતમાં રિપેરિંગના કામ સાથે સંકળાયેલા ઇર્શાદ પઠાણને મળ્યો હતો. તે વખતે ઇર્શાદે નકલી આરસી બૂકોને આધારે લોન લેવાના કાવત્રાની વાત કરી હતી અને પોતાને પૈસાની જરૂર હોય તેમાં સામેલ થયો હતો.
આટલી બેંક અને ફાયનાન્સ કંપનીમાંથી લોનો લીધી
ઉલ્લેખનીય છે કે, ઇર્શાદ સાથે મળી ભોલુગીરીએ 2017થી 2019 સુધીમાં રાજકોટની HDFC બેંકમાંથી 3 આરસી બૂકને આધારે રૂ. 45 લાખની ત્રણ લોન, લીમડા ચોકના આઇ. કે. ફાયનાન્સમાંથી પાંચ નકલી આરસી બૂકોને આધારે 97 લાખની લોનો, ઓરિક્સ ફાયનાન્સમાંથી 10 નકલી આરસી બૂકોને આધારે 1 કરોડ 47 લાખની લોનો, રાજકોટના ટાટા ફાયનાન્સમાંથી ત્રણ બૂકોને આધારે 53 લાખની અને રાજકટના આઇએફએલ ફાયનાન્સમાંથી સાત નકલી આરસી બૂકોને આધારે 97 લાખની મળી કુલ 28 નકલી આરસી બૂકોને આધારે રૂ. 4,06,20,000ની લોનો લઇ છેતરપીંડી આચર્યાનું સામે આવ્યું છે. આ સાથે વિશેષ તપાસમાં વધુ કૌભાંડો ખુલવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.