રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા રમેશ રાણા મકવાણા નામના આરોપીએ ભૂખ હડતાળ કરી જેલની શિસ્ત અને સલામતી જોખમાય તેવું કૃત્ય કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ મધ્યસ્થ જેલના યુ.ટી. જેલર એચ.કે. ટાંકે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ગત તા.21ના રોજ કાવતરું રચી છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી રમેશ રાણા મકવાણાની સંડોવણી હોય પોલીસે તેની ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કરાયો હતો. જેલહવાલે કરતા પૂર્વે પોલીસ આરોપીને કોર્ટમાં લઇ જતા તે અદાલતમાં નહિ આવી કોર્ટ પોલીસ વાનમાં સૂઇ ગયો હતો.
જેથી આરોપીનું પ્રોડક્શન વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. વીડિયો કોલમાં આરોપીનું નામ બોલવા છતાં તેને ઊઠી જવાબ આપ્યો ન હતો. ત્યારે આરોપીના વકીલે તેના અસીલે તા.21થી અન્નજળનો ત્યાગ કર્યાનું જણાવ્યું હતું. જેથી કોર્ટ પોલીસવાનમાં સૂતેલા આરોપીનું પ્રોડકશન અને નિરીક્ષણ લેવા નીચે ગયા હતા. તેમ છતાં તેને કોઇ પ્રત્યુત્તર નહિ આપતા અદાલતે તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવા હુકમ કર્યો હતો.
ત્રણ દિવસની સારવાર બાદ આરોપીની તબિયત સુધારા પર આવતા તા.24ના રોજ હોસ્પિટલમાંથી રજા આપી જેલહવાલે કરાયો હતો. જેલહવાલે કરાયા બાદ પણ આરોપી રમેશ રાણા મકવાણાએ ભૂખ હડતાળ ચાલુ રાખી હતી. ત્યારે આરોપીની ફરી તબિયત લથડતા તા.11-11ના રોજ હોસ્પિટલમાં દાખલ કરતા પ્રિઝન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.