ગોંડલ પંથકમાં સિંહોના ધામા:વાસાવડ, રાવણા અને સુલતાનપુર ગામમાં સિંહ પરિવારે વાછરડાનું મારણ કર્યું, રાત્રે રસ્તા પર સિંહણ જોવા મળી, ગ્રામજનોમાં ફફડાટ

ગોંડલ13 દિવસ પહેલા
ગોંડલ પંથકમાં રાત્રે સિંહણ જોવા મળી અને સિંહ પરિવારે વાછરડાનું મારણ કર્યું તેની તસવીર.
  • દર વર્ષે દિવાળીના તહેવારોમાં સિંહ પરિવાર ગીરથી ગોંડલ પંથકમાં આવી ચડે છે

ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીના તહેવાર બાદ ગીરના સિંહો લટાર મારવા આવતા હોય છે. આ વર્ષે પણ સિંહોએ પરંપરા જાળવી રાખી તાલુકાના વાસાવડ, રાવણા અને સુલતાનપુર ગામમાં વાછરડાના મારણ કરતા ખેડૂત અને નેસમાં રહેતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વનવિભાગના અધિકારીઓએ ફૂટમાર્ક ઉપરથી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રિ દરમિયાન સિંહણ રસ્તા પર જોવા મળી હતી. જેનો વીડિયો કારચાલકે મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

માલધારીઓ જાગી જતાં સિંહણને ભગાડી મૂકી હતી
ગોંડલના વાસાવડ, રાવણા, સુલતાનપુર સહિતના ગામોમાં સિંહે મારણ કરીને મિજબાની માણ્યા બાદ રવિવાર રાત્રિના સુલતાનપુર-દેરડીકુંભાજી માર્ગ પર સુલતાનપુર-રાણસીકી વચ્ચે સિંહણ જોવા મળી હતી. બાદમાં દેરડીકુંભાજી ગામની ખાંભાની સીમમાં ખોડિયાર મંદિર પાસે વીંછિયા પંથકમાંથી આવેલા માલધારીના નેસમાં રાત્રિના સમયે સિંહ પરિવાર ત્રાટક્યો હતો અને સિંહણે વાછરડી ઉપર હુમલો કરીને મારણની કોશિશ કરી હતી. આ સમયે માલધારીઓ જાગી જતાં સિંહણને ભગાડી મૂકી હતી.

દેરડીકુંભાજી ગામે સિંહ પરિવારે વાછરડાના મારણનો પ્રયાસ કર્યો.
દેરડીકુંભાજી ગામે સિંહ પરિવારે વાછરડાના મારણનો પ્રયાસ કર્યો.

ખેડૂતો, મજૂરો, માલધારીઓમાં ફફડાટ
ગોંડલ પંથકમાં આવી ચડેલા સિંહ પરિવાર અને સિંહ પરિવાર દ્વારા કરવામાં આવતા જુદા જુદા ગામોમાં મારણ અને હુમલાને લઈને ખેડૂતો, મજૂરો, માલધારી સહિતના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ દેરડીકુંભાજી ગામે સિંહ પરિવારે કરેલી મારણની કોશિશ અને સુલતાનપુર ગામ નજીક જોવા મળેલા સિંહ પરિવારને લઈને ગોંડલ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

સિંહોના ફૂટમાર્કના આધારે વન વિભાગે તપાસ હાથ ધરી.
સિંહોના ફૂટમાર્કના આધારે વન વિભાગે તપાસ હાથ ધરી.

(હિમાંશુ પુરોહિત/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...