મેટોડામાં આવેલી જમીનના મુદ્દે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ચાવડાના પુત્ર સહિતનાઓ સામે પોલીસમાં રાવ થઇ હતી, તો તેમણે પણ આ મામલે પોલીસમાં વળતી અરજી કરતાં પોલીસે બંને જૂથના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
લોધિકાના દેવળામાં રહેતા મુકેશ રમેશભાઇ પરમારે લોધિકા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, પોતે બાંધકામનો વ્યવસાય કરે છે અને તા.8 જૂન 2022ના મેટોડામાં મુરલીમનોહર પાર્કમાં પ્લોટની ખરીદી કરી હતી, તા.21 જુલાઇના સવારે ભાજપ આગેવાન નાગદાન ચાવડાના પુત્ર ભરત ચાવડા અને મુંજકાનો કાથડ સીદી છૈયા સહિતનાઓ પ્લોટમાં ઘૂસી ગયા હતા અને પ્લોટની કમ્પાઉન્ડ વોલ પાડી નાખી હતી, આરોપીઓએ લાકડી, ધોકા, તલવાર જેવા હથિયારો બતાવી ધમકી આપી હતી અને જ્ઞાતિ અંગે હડધૂત પણ કર્યો હતો.
સામાપક્ષે પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે મુકેશ પરમારનું નામ આપવામાં આવ્યું હતું, ફરિયાદીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, ઉપરોક્ત સ્થળે તેમની જમીન આવેલી છે અને રસ્તો નીકળ્યો ત્યારે કપાતમાં ગયેલી જમીનની માપણીનો મુદ્દો છે પરંતુ આરોપીઓ યોગ્ય માપણીને બદલે દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ મામલે લોધિકા પોલીસ સૂત્રોએ પણ કહ્યું હતું કે, બંને પક્ષની અરજી પરથી નિવેદનો નોંધવાની કવાયત શરૂ કરવામાં આવી છે, માપણીનો મુદ્દો હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે, નિયમાનુસાર સરકારી માપણી થયા બાદ જે હકીકત પ્રકાશમાં આવશે તે અંગે વિશેષ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.