રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:રેલવેનગરમાં માનસિક બિમારીથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી, એક મહિના પહેલા લગ્ન થયા હતા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટના રેલનગરના સંતોષીનગરમાં રહેતાં વર્ષાબેન દિનેશભાઇ ગમારા (ઉં.વ.21) આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ પોતાના રૂમમાં છતના હુકમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં આક્રંદ મચાવ્યો હતો અને 108ને જાણ કરતાં 108ના સ્ટાફે તેને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના લગ્ન એક મહિના પેહલાં જ થયાં હતા અને તે માનસિક બિમારીથી પીડિત હોય જેનાથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ચાલુ બાઇકમાંથી પડી જતા મહિલાનું મોત
રાજકોટના જેતપુરમાં રહેતા માવજીભાઈ સોલંકી ગત 2 માર્ચના સવારે 5 વાગ્યે તેની પત્ની જયાબેન સાથે બાઈકમાં રામોદ તરફ જતા હતા. ત્યારે રામોદ પાસે ચાલુ બાઈકે જયાબેન નીચે પટકાયા હતા. જેમાં તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદપર બાઘી ગામમાં મહિલાએ આપઘાત કર્યો
આણંદપર બાઘીમાં રહેતા મીરાબેન મનોજભાઈ (ઉં.વ.32)એ 2 માર્ચના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેની ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીનો સ્ટાફ દોડી આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતકના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને તેના પતિ મજૂરી કામ કરે છે. આપઘાતના કારણ અંગે પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

વેપારી પાસેથી કાર લીધી પણ રૂપિયા ન આપ્યા
ઓનલાઇન આર્ટિફિશિયલ જ્વેલરીનો વેપાર કરતા દિવ્યેશભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા નાનાભાઇ નીકુંજભાઇ ખીમાણીના નામે હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની એલેન્ટ્રો કાર છે. મેં નીખીલભાઇ ભંડેરી પાસેથી આ કાર મેં આશરે 8 મહિના પહેલા ખરીદી હતી. બાદમાં સુરત આરટીઓમાં મેં આ કાર મારા નાનાભાઈ નીકુંજના નામે તા.01/06/2022ના રોજ કરાવી હતી.

7 લાખમાં કાર લેવાનું નક્કી કર્યું
આ ગાડી અમે ભાડેથી પણ આપતા હતા. સુરત ખાતે કાર મેળાથી રાજકોટના ભરતભાઇ દેવાભાઇ કુછડીયા જેને એક વર્ષથી ઓળખતો હોવ અને તેમને આ અમારી એલેન્ટ્રો કાર ગમી જતા તેમણે કાર બતાવાનો આગ્રહ કર્યો હતો. બાદમાં રાજકોટ આવવાનું જણાવ્યું હતું. જેથી હું મિત્ર સાથે કાર લઈ તા.24/09/2022ના રોજ રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ જય અંબે ચા વાળાની પાસે બપોરના ભરતભાઈને મળેલા અને ગાડીના સોદાની વાતચીત ચાલતી હતી. રૂ.7,00,000માં નક્કી થતા અને જરૂરી કાગળોની ઝેરોક્ષ કરાવી વેચાણ કરાર કરાવ્યું હતું. જેમાં વાહન વેચનાર તરીકે હું તથા મારો ભાઇ નીકુંજ છે.

પોલીસે ભરતને ઝડપી કાર જપ્ત કરવા તજવીજ હાથ ધરી
સોદામાં લખાણ જે-તે વખતે મને એ રીતે વિશ્વાસ આપ્યો કે, પૈસા તમને મળી ગયા છે તે રીતેનું અમારે સાદું લખાણ થયું હતુ. ત્યારબાદ આ ભરતભાઈએ કહ્યું કે, તમે સુરત પહોંચી જશો એટલે તમને આંગડીયું મળી જશે. એટલે મેં પણ કહ્યું હતું કે, પૈસા મળી જાય પછી જ ઓરિઝનલ આરસી બુક આપીશ. ત્યારબાદ બીજા દિવસે પૈસા માગતા ભરત અલગ અલગ બહાના કાઢવા લાગ્યો અને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજે તેમ કહેતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પીએસઆઇ સાકરિયા સહિતના સ્ટાફે આરોપી ભરતની પકડી લીધો હતો અને કાર જપ્ત કરવા તજવીજ શરૂ કરી છે.

જિલ્લા ગાર્ડન પાસે ઇમિટેશનના કારખાનામાં આગ લાગી
રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર જિલ્લા ગાર્ડન પાસે આવેલા સુઝુકી ઇન કોર્પોરેશન નામના ઇમિટેશનના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આથી બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગથી કારખાનાનું ફર્નિચર, રો-મટિરિયલ, વાયરિંગ અને સાધનો બળી જતા લાખોનું નુકસાન થયું હતું.

કારખાનાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું.
કારખાનાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું.

લોધિકામાં ઝડપાયેલા બાયાડિઝલ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
લોધિકા તાલુકાના રાવકી ગામ નજીક શ્રીજી ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નં.8માં આવેલ એફર્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગ નામની પેઢીમાં 22 જૂન 2022ના રોજ પુરવઠા વિભાગે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જેમાં કેટલીક ગેરરીતિ સામે આવી હતી, ચેકિંગ વખતે ખરીદ-વેચાણના બીલ, વેચાણ રજિસ્ટર અને સ્ટોક રજિસ્ટર રજૂ કર્યા નહોતા. તેમજ ભાવ યાદીનું બોર્ડ પણ નહોતું. ઉપરાંત તોલમાપનું પ્રમાણપત્ર પણ દર્શાવાયુ નહોતું. શેડમાં તપાસ કરતા અંડર ગ્રાઉન્ડ ટાંકી જેની કિંમત આશરે 3 લાખ હશે તેમાં શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો 18500 લીટર મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 12,58,000 થતી હતી. આ જથ્થાને ટાંકીમાંથી બહાર કાઢવા પંપ ગોઠવાયો હોય, જેની કિંમત 25000 ગણી આ તમામ મુદામાલ સીઝ કરાયો હતો.

પેઢીના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
હાજર મેનેજર રવિ ગોવિંદ સિંધવને આગળની સૂચના સુધી સીઝ ન ખોલવા અને યથાવત સ્થિતિ જાળવી રાખવા જણાવાયું હતું. જે પછી આ શંકાસ્પદ પ્રવાહીને પરીક્ષણ માટે મોકલતા તેમાં એલડીઓના ભળતા નામે અન્ય કોઈ પેટ્રોલિયમ ભેળસેળ કર્યું હોવાનું જણાતા તેનો રિપોર્ટ ગાંધીનગર લેબોરેટરીથી મળતા લોધીકા મામલતદાર જે.એસ.વસોયાએ સરકાર તરફે ફરિયાદી બની આ પેઢીના માલિક અજય લક્ષ્મણભાઈ પારવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લોધિકા પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.બી. ચૌહાણે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...