પાટીદાર લોબિંગ સફળ:રાજકોટ દક્ષિણની બેઠક પર રમેશ ટીલાળા ચૂંટણી લડશે, કહ્યું: નરેશ પટેલની શુભેચ્છા મારી સાથે, હું જંગી બહુમતીથી જીતવાનો છું'

રાજકોટ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર રાજકારણનું હંમેશા એપી સેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટે રાજકારણનું કદ હંમેશા વધાર્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં જ્ઞાતિ આધારિત ચૂંટણીમાં હંમેશા પાટીદારો એક કદમ આગળ રહ્યા છે. આ વખતે પણ ભાજપ કોઈ જાતનું રિસ્ક લીધૂ નથી અને આજે ભાજપના મોવડી મંડળે ખોડલધામના ટ્રસ્ટ્રી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને ટિકિટ આપીને ફરી એક પાટીદાર નેતાનું સિલેક્શન કર્યું છે. ત્યારે આ અંગે રમેશ ટીલાળાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ખોડલધામના ટ્રસ્ટ્રી નરેશ પટેલની શુભેચ્છા મારી સાથે, હું જંગી બહુમતીથી જીતવાનો છું'

દક્ષિણ બેઠક પર ત્રણેય ઉમેદવાર પાટીદાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપ પક્ષનો હું આભારી છું.35 વર્ષથી ભાજપનો સનિષ્ઠ કાર્યકર છું. એક બિઝનેસમેન તરીકે મારી એન્ટ્રી થઇ છે.. ખોડલધામના ટ્રસ્ટ્રી નરેશ પટેલ સાથે વર્ષોથી પારિવારિક સબંધો ધરાવું છું માટે એમનો મને પૂરો સહયોગ હમેશ માટે રહેશે. એટલે જ હું જંગી બહુમતીથી હું જીતવાનો છું તેઓ પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને AAPના ત્રણેય ઉમેદવાર પાટીદાર છે.AAPના શિવલાલ બારસીયા અને ભાજપના રમેશ ટીલાળાનો ખોડલધામ સાથે નાતો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવશે તો ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી માંથી રાજીનામુ આપવાની પણ તત્પરતા દાખવી છે.

ગોવિંદ પટેલ
ગોવિંદ પટેલ

રમેશ ટીલાળા નવા છે: ગોવિંદ પટેલ
નોંધનીય છે કે રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારનો દબદબો છે અને સંપૂર્ણ બેઠક પાટીદાર ચહેરા આધારિત છે. બે ટર્મથી ગોવિંદ પટેલનો દબદબો જોવા મળ્યો છે. હવે ગોવિંદ પટેલ સ્થાને રમેશ ટીલાળાને ટિકિટ મળતા ગોવિદ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, રમેશ ટીલાળા નવા છે બધું શીખી જશે. નવો ચહેરો છે એટલે સાથે રહીશું. રમેશ ટીલાળા ઉદ્યોગપતિ છે આ ફિલ્ડ નવું થશે અનુભવે બધું ફાવી જશે

ખેતરથી લઈ સ્પેસ સુધીની સફર
રમેશ ટીલાળા માત્ર 10 ધોરણ ભણેલા છે. પરંતુ તે કોઠાસૂઝથી ખેતરમાં ખેતી કરતા અને તેની આવડતે સ્પેસ-મિસાઈલના પાર્ટ્સ બનાવવા સુધી સફર ખેડી ચૂક્યા. હાલ તે 7 ઇન્ડસ્ટ્રીઝના માલિક છે અને શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના પ્રમુખ છે. આવો નજર કરીએ ટીલાળાની ખેતરથી લઈ સ્પેસ સુધીની સફર પર..

રમેશ ટીલાળાએ કારકિર્દીની શરૂઆત ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી
રમેશ ટીલાળાએ કારકિર્દીની શરૂઆત ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી

ખેતી કરતા કરતા ઉદ્યોગ સ્થાપ્યો ને સફળ રહ્યા
રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 10 ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે.

1500 લોકોને રોજીરોટી પૂરી પાડે છે
ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોર્જિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશ ટીલાળા રોજી રોટી પૂરી પાડે છે. ટીલાળાનું માનવું છે કે, સાહસ કર્યા વગર સફળતા મળતી નથી. માટે તેઓ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે. બીજી તરફ મંદીના માહોલની વાત કરતા જણાવ્યું કે, મહેનત કરે તેને મંદી ક્યારે પણ નડતી નથી. મારો સંઘર્ષ જ મારો શોખ છે. આ રીતે ન તો હું સંઘર્ષથી દૂર રહી શકું છું, ન તો મારા શોખથી દૂર રહી શકુ છું.

ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા

એરોસ્પેસ-ડિફેન્સમાં કામ કરવાનું સપનુ સાકાર કર્યું
ટીલાળાનું સપનું હતું કે, તેઓન એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરવું છે. જેમાં પણ તેમને સફળતા મળી છે. તેઓ આજે એરબસ, બોઈંગમાં એરોનેટિક, મિસાઈલ અને સ્પેસના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યા છે. હવે આગળ તેઓ ફાર્માસ્યુટિકલ કંપની બનાવવા વિચાર કરી રહ્યા છે. રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે અને 20થી વધુ નાની-મોટી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને તમામમાં સારી નામના ધરાવે છે.

રાજકોટના ટોપ 5 બિલ્ડરમાં એક નામ ટીલાળાનું
રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ, એ.પી. પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે.શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ આજે તેઓ આ વિસ્તારને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે.

રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે
રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે

3000થી વધુ ઉદ્યોગોની સંસ્થાના પ્રમુખ
શાપર-વેરાવળમાં તમામ લોકો અને ઉદ્યોગપતિનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તેઓ હજુ પણ આ વિસ્તારને ખૂબ આગળ લઈ જવા મહેનત અને વિચાર કરી રહ્યા છે. માટે સરકાર પાસે અવારનવાર જરૂરિયાત મુજબ રજૂઆત અને માગણી કરી રહ્યા છે. શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નાના મોટા 3000થી વધુ ઉદ્યોગ એકમો આવેલા છે અને 1.50 લાખથી વધુ લોકો વસવાટ કરે છે.

નગરપાલિકામાં સમાવેશ કરવા રજૂઆત કરાઈ
શાપર-વેરાવળને નગરપાલિકામાં સમાવેશ કરવા સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉપરાંત આ વિસ્તારમાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અને વસ્તી છે. ત્યારે રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિત મહત્વની ફાયર સ્ટેશન કે હોસ્પિટલની સારી સુવિધા આ વિસ્તારમાં આવે માટે તેની પણ માગ ચેરમેન રમેશભાઇ દ્વારા કરવામાં આવી છે.

રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે
રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે

રમેશભાઈની દિવસની શરૂઆત ક્યારથી કરે છે
રમેશભાઈ પોતાના દિવસની શરૂઆત સવારના 5.30 વાગ્યાથી કરે છે. સવારના સમયે 5.30 વાગ્યે જાગી અને યોગ પ્રાણાયમ કરી બાદમાં પૂજા અર્ચના બાદ તેઓ પોતાના ઓફિસ કામની શરૂઆત કરે છે. આ સાથે તેઓ અઠવાડીયામાં એક વખત પોતાના કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીના દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયા છે. તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે જ્યારે પુત્રના લગ્ન બાકી છે.