રાજકોટ આજથી એક સપ્તાહ સુધી ધર્મમય બની રહેવાનું છે. જ્યાં કોરોના મૃતકોના મોક્ષાર્થે આવતીકાલથી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રીબડામાં મહીરાજ હનુમાનજીના મંદિરમાં આજથી ભાગવત કથાનો પ્રારંભ થયો છે.
ચૌધરી હાઈસ્કૂલમાં રામ કથાનું આયોજન
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની બીજી લહેર દરમિયાન અવસાન પામેલ લોકોની આત્માને શાંતિ મળે તે માટે રાજકોટ લોહાણા મહાજન સમાજ દ્વારા ખાસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા મહાજન સમાજ દ્વારા શહેરના ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી લહેરમાં અહીંયા દર્દીઓની લાઈન લાગી હતી
નોંધનીય છે કે, આ મેદાન ખાતે કોરોનની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓની લાઇન લાગતી હતી અને ઘણા દર્દીઓનું અવસાન પણ થયું હતું. ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખી કોરોનામાં અવસાન પામેલ વ્યક્તિના પરિવારજનોને પણ ખાસ કથાનું રસપાન કરાવવામાં આવશે. જે આવતીકાલ થી શરૂ થશે અને તેનો સમય સાંજે 4 થી 7 વાગ્યાનો રહેશે. હાલ તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રોજ રાત્રે સમૂહ પ્રસાદ બાદ 9 થી 11 અલગ અલગ ભજન કીર્તન સહિતના કાર્યક્રમનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.
રીબડામાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન
જયારે ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આજથી તા.26-05-2022 સુધી શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવશે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે કથા પ્રારંભ થયા બાદ મહીરાજ હનુમાનજી મંદિરથી પોથીજી યાત્રાનું પ્રસ્થાન થયું હતું.
તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ
આ કથામાં તા.23-05-2022ને સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ તારીખ 24-05-2022 ને મંગળવારે ગોવર્ધન પૂજા તેમજ તારીખ 25-05-2022ને બુધવારના રોજ રુક્ષમણિ વિવાહ પ્રસંગ યોજાશે. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયેલ છે. મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.