આગામી તારીખ 11 ઓગસ્ટને ગુરુવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ વર્ષે રક્ષાબંધનને દિવસે એકસાથે બે તિથિ છે. સવારે 10.39 સુધી ચૌદશની તિથિ છે જ્યારે 10.39 બાદ જ રક્ષાબંધનનો પર્વ માનવાશે. આ ઉપરાંત આ વર્ષે ભદ્રાદોષ પણ નહીં હોવાથી સવારે 10.39 પછી આખો દિવસ રાખડી બાંધવા માટે અને જનોઈ બદલવા માટે શ્રેષ્ઠ હોવાનું પંડિતો જણાવે છે. શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, પંચાંગ અને જ્યોતિષના નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદશના દિવસે છે.
શ્રાવણ સુદ ચૌદશને ગુરુવારે તારીખ 11ના દિવસે સવારે 10.39 કલાક સુધી ચૌદશની તિથિ છે. તથા શુક્રવારે સવારે 7.06 કલાક સુધી પૂનમની તિથિ છે. આ ઉપરાંત એકમની તિથિનો ક્ષય હોવાથી રક્ષાબંધન ગુરુવારે જ મનાવાશે. પરંતુ સવારે 10.39 કલાક સુધી ચૌદશની તિથિ હોવાથી ત્યારબાદ રાખડી બાંધવી અને યજ્ઞપવિત ધારણ કરવી શ્રેષ્ઠ ગણાશે.
સામાન્ય રીતે રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિષ્ટિકરણનો દોષ લાગતો હોય છે પરંતુ આ વર્ષે ગુરુવારે ચૌદશના દિવસે મકર રાશિના ચંદ્રમાં વિષ્ટિકરણ છે. આથી વિષ્ટિકરણ એટલે કે ભદ્રા પાતાળમાં હોવાથી દોષકારક નથી. આમ ગુરુવારે તારીખ 11 ઓગસ્ટના દિવસે સવારે 10.39 પછી પૂનમની તિથિ હોવાથી રાખડી બાંધવી તથા નવી જનોઈ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરવી શુભ રહેશે. રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં ચારેબાજુ રાખડીના સ્ટોલ લાગ્યા છે. બહેનો ભાઈઓ માટે મનગમતી રાખડી ખરીદી રહી છે.
રાખડી બાંધવાના શુભ મુર્હૂત
ચોઘડિયા સમય
ચલ સવારે 11.15થી 12.52 કલાક સુધી
લાભ બપોરે 12.52થી 2.29 કલાક સુધી
અમૃત બપોરે 2.29 કલાકથી 4.06 કલાક
શુભ સાંજે 5.43 કલાકથી 7.20 કલાક
અમૃત સાંજે 7.20 કલાકથી 8.43 કલાક
ચલ રાત્રે 8.43 કલાકથી 10.06 કલાક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.