રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વોર્ડ નં.5ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ ગઇકાલે આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ મેળવી લીધો હતો. આજે બંને નેતા રાજકોટ આવતા આપના કાર્યાલયે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આપના કાર્યકરોએ બંને નેતાનું ઢોલ-નગારા અને ફટકડા ફોડી આતશબાજી સાથે સ્વાગત કર્યું હતું. બાદમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને નરેશ પટેલનું અમે સ્વાગત કરીએ છીએ.
કોર્પોરેશનમાં 49 વર્ષમાં રાજકીય ઘમાસાણ
રાજકોટ કોર્પોરેશનમાં 49 વર્ષમાં પ્રથમવાર આપના પ્રવેશથી રાજકીય ઘમાસાણ થઈ છે. મનપામાં ચૂંટણી જીત્યા વગર પક્ષ પલ્ટો કરી 2 કોર્પોરેટો સ્થાન મેળવશે. વશરામ સાગઠિયા અને કોમલ ભારાઇ આપના કોર્પોરેટર પદે રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રીજા કોર્પોરેટર પણ ટૂંક સમયમાં આપમાં જોડાશે. કોંગ્રેસ મનપામાં વિપક્ષ પદ પણ ગુમાવશે. કોર્પોરેશનમાં બે કોર્પોરેટરોથી આપની એન્ટ્રી થઈ છે.
આગામી કોર્પોરેશનની ચૂંટણી જીતીશું
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનો ખેસ મેં કેજરીવાલના હાથે પહેર્યો છે. આજે હું મારા ઘર રાજકોટ આવ્યો છું. અહીં આપના કાર્યકરોએ દિલથી અમારૂ સ્વાગત કર્યું છે. છેલ્લા 35 વર્ષથી ભાજપ રાજકોટ કોર્પોરેશનમાં જમાવટ કરીને બેઠો છે. પરંતુ હું આવતી કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ તૈયારી કરી લે. ભાજપની ભ્રષ્ટનીતિ અને દબાણનીતિથી રાજકોટને મુક્ત કરીશું.
હજી આગળ ઘણું બધુ થશે
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વિધાનસભાની બેઠકો પણ આપ કબ્જે કરશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપની સરકાર બનશે. પાર્ટી કહેશે તો વિધાનસભાની ચૂંટણી લડીશું, નહીંતર પાર્ટી માટે કામ કરીશું. હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખે આમંત્રણ આપી દીધું છે. હાર્દિક મારા નજીકના મિત્ર છે અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. આપમાં હાર્દિકને લેવાનો નિર્ણય શીર્ષ નેતૃત્વ નિર્ણય કરશે. નરેશ પટેલ અને હાર્દિક પટેલનું અમે સ્વાગત કરીએ છીએ, આગળ ઘણું બધું થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.