ઓમિક્રોનના ચેકિંગમાં છિંડા:ભાજપના રાજ્યસભા MP મોકરિયાએ કહ્યું- કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો પણ એરપોર્ટ પર કોઈએ ખાસ ચેક કર્યો નહીં!

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટના સર્કિટ હાઉસમાં રામ મોકરિયાની અધિકારીઓ સાથે ઓમિક્રોનને લઇ બેઠક યોજાઇ.
  • રામ મોકરિયાએ વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવા પર ભાર આપ્યો
  • મને ધ્યાનમાં આવ્યું કે, ક્યાંક કંઇક કચાશ રહી જતી લાગે છે એટલે બેઠક બોલાવી

રાજકોટમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ, કલેક્ટર વિભાગ અને સત્તાધિશોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ઓમિક્રોનને લઇને રાજકોટમાં તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે. ત્યારે બીજી તરફ મહત્વનું કહી શકાય તે એરપોર્ટ પર જ મુસાફરોનું ચેકિંગ બરાબર થતું નથી તેવું બીજુ કોઇ નહીં પરંતુ ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો પણ એરપોર્ટ પર કોઈએ ખાસ ચેક કર્યો નહીં.

ઓમિક્રોન વેરિયન્ટને લઇ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઇ
ઓમિક્રોનને લઇને આજે સર્કિટ હાઉસ ખાતે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તબીબો અને મનપા કમિશનર અમિત અરોરા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠક પહેલા રામ મોકરિયાએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટને લઇને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છીએ. આજે મનપા કમિશનર, કલેક્ટર અને આરોગ્ય વિભાગ સાથે સર્કિટ હાઉસમાં બેઠક છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી અને તબીબો સાથે ચર્ચા કરી હતી. કોરોનાની બીજી લહેરની માફક મુશ્કેલી ઊભી ન થાય તે માટે તબીબો સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

સર્કિટ હાઉસમાં રામ મોકરિયા, કલેક્ટર, મનપા કમિશનર અને આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ.
સર્કિટ હાઉસમાં રામ મોકરિયા, કલેક્ટર, મનપા કમિશનર અને આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ.

વિદેશથી આવનારાઓના ચેકિંગમાં હવે કોઇ કચાશ નહીં રહે
વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. જામનગરમાં ઓમિક્રોનનો કેસ આવતા સમગ્ર સૌરાષ્ટ્રનો આ પ્રથમ કેસ છે. જેને લઇને આજે અમે બેઠક કરી છે. બેઠકમાં નિર્ણય કરવાનો છે કે હવે પછી વિદેશથી આવનાર કોઇ પણ વ્યક્તિના ચેકિંગમાં કોઇ કચાશ ન રહે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ન રહે તેની તૈયારી માટેની ચર્ચા કરવામાં આવશે. દર્દીને કંઇ રીતે ઉપયોગી થવાય, ડોક્ટર કે નર્સને જે વસ્તુની જરૂરિયાત હોય તે માટે હું કેન્દ્ર સરકાર સાથે સતત કોર્ડિનેશનમાં રહીશ.

રામ મોકરિયાએ તૈયારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પણ બેઠક કરી.
રામ મોકરિયાએ તૈયારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના તબીબો સાથે પણ બેઠક કરી.

વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવી 100 ટકા જરૂરી
રામ મોકરિયાએ વિદેશથી આવતા લોકો પર તકેદારી રાખવા પર ભાર આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું કાલે દિલ્હીથી મારૂ સત્ર પુરૂ કરી રાજકોટ આવતો હતો ત્યારે સાથે કેનેડાનો મુસાફર હતો. પરંતુ રાજકોટ એરપોર્ટ પર તેને કોઇએ ખાસ ચેક કર્યો નહોતો. આથી મને ધ્યાનમાં આવ્યું કે, ક્યાંક કંઇક કચાશ રહી જતી લાગે છે. આજે વહીવટી અધિકારીઓ સાથે બેસી જે એરપોર્ટ પર લોકો આવે છે એનું બરાબર ચેકિંગ, તેની તકેદારી અને જે પણ તૈયારી કરવી પડે તે કરવા માટેની ચર્ચા કરીશું.

સર્કિટ હાઉસમાં બેઠક દરમિયાન રામ મોકરિયા કલેક્ટર સાથે ગહન ચર્ચા કરતા નજરે પડ્યા હતા.
સર્કિટ હાઉસમાં બેઠક દરમિયાન રામ મોકરિયા કલેક્ટર સાથે ગહન ચર્ચા કરતા નજરે પડ્યા હતા.

કેનેડાના મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરાયું હતું: કલેક્ટર
જોકે બેઠક બાદ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કેનેડાથી રાજકોટ વાયા દિલ્હી આવેલા મુસાફરનું દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં વેક્સિનેશન અને કોવિડ ગાઇડલાઇનના પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઓમિક્રોન સામે રાજકોટનું તંત્ર સજ્જ છે. તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. વિદેશથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. આ માટે પોલીસ સાથે સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટથી 3 દર્દીના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આવતીકાલે ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ વચ્ચે બેઠક યોજાશે.

અન્ય સમાચારો પણ છે...