ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગઈકાલે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઈન્ડિયન આઈડલ સીઝન 12ના સિંગર્સ પવનદીપ, અરુણીતા, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઇ ભાટે ફિલ્મી ગીતોની રમઝટ બોલાવતાં રાજકોટિયન્સ ઝૂમી ઊઠ્યા હતા. બીજી તરફ, મનપાએ સુવિધામાં અભાવ રાખ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. મ્યુઝિકલ નાઈટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લોકોએ ધક્કે ચડાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
લોકોને કાબૂ કરવા પોલીસને પરસેવો વળી ગયો હતો
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં સપ્તરંગી સાંજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ઈન્ડિયન આઈડલ ફેમ યુવા ગાયકોને સાંભળવા સમીસાંજથી જ લોકો ઊમટી પડ્યા હતા. મનપાએ ગોઠવેલી તમામ ખુરશીઓ પેક થઇ ગઇ હતી અને સમિયાણો પણ ફુલ થઇ ગયો હતો, અંદર ઘૂસવા માટે લોકોએ જ્યાંથી મોકો મળે ત્યાંથી પ્રવેશવાના પ્રયાસો કર્યા હતા.
VIP ગેટ પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો
કેટલાક ગેટ પર પોલીસ સાથે લોકોને માથાકૂટ થઇ હતી. બાળકો ગુમ થયાં તો એમને શોધવામાં મુશ્કેલી પડી હતી, VIP ગેટ પર ભારે ધસારો રહ્યો હતો, રીજનલ મ્યુનિસિપલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ તેમનાં પત્ની સાથે આવ્યા હતા. તેઓ પણ ગેટથી અંદર જઇ શક્યા નહોતા, આથી તેમણે બેરિકેડ્સ કૂદીને અંદર જવું પડ્યું હતું, અંદર બેઠેલા કેટલાક લોકોએ ખુરશીઓ ઉલાળી હતી. ગાયક કલાકારોએ લોકોને ઝુમાવ્યા હતા તો તંત્રએ અવ્યવસ્થા કરીને લોકોને ઉલાળ્યા હોય એવો ઘાટ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.