કોરોના વાઇરસ:રાજ્યસભાના સાંસદ ભારદ્વાજના ઓક્સિજન લેવલમાં સુધારો, 8 દિવસ સુધી ફેફસાંની સારવાર કરાશે

રાજકોટએક વર્ષ પહેલા
16 દિવસ પહેલાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો (ફાઇલ તસવીર). - Divya Bhaskar
16 દિવસ પહેલાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો (ફાઇલ તસવીર).
  • સુરતના ડો. સમીર ગામીએ ECMO સિસ્ટમથી સારવાર શરૂ કરી

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈકાલથી ફેફસાંમાં વ્યાપક તકલીફ થતાં અમદાવાદથી ડોક્ટરની ટીમ બોલાવવામાં આવી હતી. ત્યારે આજે અભય ભારદ્વાજનાં ઓક્સિજન લેવલમાં સુધારો આવ્યો છે. અભય ભારદ્વાજના ભાઈ નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે હાલમાં ઓક્સિજન લેવલમાં થોડો સુધારો છે. સુરતના ડોક્ટર ડો. સમીર ગામીએ તેમની ECMO સિસ્ટમથી સારવાર શરૂ કરી છે. 8 દિવસ સુધી ફેફસાંની સારવાર કરવામાં આવશે. ગઈકાલે મોડી રાતે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.

ECMO સિસ્ટમથી સારવાર શરૂ કરવામાં આવી
ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં ઓક્સિજન પહોંચતું નથી, તેથી વેન્ટિલેટર પર છે તેમજ લોહી પાતળું કરવાની, લોહીના ગઠ્ઠા ઓગાળવા સહિતની દવાઓ આપી દીધી છે છતાં સુધારો ન આવતાં તેમજ ફેફસાંમાં કાણાં પડી ગયાનું તબીબોએ જણાવ્યું હતું. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી ECMO સિસ્ટમથી સારવાર શરૂ કરવાનું જણાવ્યું હતું. જેથી મોડી રાતે ફેફસાંનાં નિષ્ણાત ડો. સમીર ગામી ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ આવ્યા બાદ ECMO સિસ્ટમથી સારવાર શરૂ કરવામાં આવી છે.

મોડી રાતે તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.
મોડી રાતે તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.

સ્પેશિયલ તબીબોની ટીમ ભારદ્વાજની સારવાર કરી રહી છે
રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા 4 દિવસથી તબિયત નાજુક થતાં વેન્ટિલેટર પર મુકાયા છે. તેમની તબિયત બગડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 તબીબની ટીમને અમદાવાદથી રાજકોટ મોકલી હતી અને સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આવ્યા હતા. ડો. અતુલ પટેલે સાંસદના હેલ્થ બુલેટિન અંગે જણાવ્યું હતું કે ‘અભયભાઈના શરીરમાંથી વાઇરસ તો નીકળી ગયો છે, પણ વાઇરસને નિષ્ક્રિય બનાવવા જે રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ છે એને કારણે ફેફસાંમાં ગઠ્ઠા જામવા લાગ્યા છે. આ કારણે ફેફસાંમાં ઓક્સિજન ઘટી રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડ વધ્યું છે. શ્વસન માટે વેન્ટિલેટર પર મુકાયાં છે. લોહી પાતળું કરવાની દવા અપાઈ હતી, પણ અસર ન કરતાં હૃદયરોગના હુમલામાં જે ગઠ્ઠા ઓગાળી દે તેવી દવા પણ અપાઈ હતી. જોકે બાદમાં ફરીથી ગઠ્ઠા થયા છે.

અભય ભારદ્વાજ સ્વસ્થ થાય તે માટે બ્રાહ્મણો દ્વારા લઘુરૂદ્ર યજ્ઞ
અભય ભારદ્વાજ જલ્દીથી સાજા થાય તે માટે લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે બ્રાહ્મણો દ્વારા શિવજીનો લઘુરૂદ્ર કર્યો હતો. તેમજ શિવજીની આરતી અને પૂજા અર્ચના કરી અજય ભારદ્વાજ જલ્દીથી સાજા થાય તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

સુરતના ડો. સમીર ગામી ચાર્ટડ પ્લેનથી રાજકોટ આવ્યા.
સુરતના ડો. સમીર ગામી ચાર્ટડ પ્લેનથી રાજકોટ આવ્યા.

ચાર તબીબની ટીમ સુરતથી આવી
ડૉ. સમીર ગામી, ડૉ. હિરેન વસ્તાપરા, ડૉ. નિલય અને ડૉ. ગજેરા એમ ચાર તબીબ સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી મધરાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ડૉ સમીર ગામી છાતી, ફેફસાંના નિષ્ણાત તબીબ છે, જ્યારે ડૉ હિરેન વસ્તાપરા શ્વાસનળી સહિતના સ્પેશિયાલિસ્ટ છે.

અભય ભારદ્વાજે ફેસબુકના માધ્યમથી પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું.
અભય ભારદ્વાજે ફેસબુકના માધ્યમથી પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું.

કાલે અભય ભારદ્વાજે ફેસબુક પર સ્વસ્થ હોવાની પોસ્ટ મૂકી હતી
ગઈકાલે અભય ભારદ્વાજ દ્વારા ફેસબુક પર પોતે સ્વસ્થ હોવાની પોસ્ટ મુકાઈ હતી, જેમાં લખ્યું હતું કે વર્તમાન પત્રોમાં મારા સ્વાસ્થ્યના સમાચાર પ્રસારિત થયા તેના અનુસંધાનમાં હું કહીશ કે હું સ્વસ્થ છું. થોડી શ્વાસમાં તકલીફ દેખાતી હતી તેથી સારવારના ભાગરૂપે ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે એ માટે સિવિલના ડોક્ટરોના માર્ગદર્શન અનુસાર મને વેન્ટિલેટર દ્વારા સારવાર અપાઈ રહી છે. ચિંતાનો કોઈ વિષય નથી.

અભય ભારદ્વાજ સાથે તેના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
સી.આર.પાટીલની રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચી ગયો છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો 16 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભય ભારદ્વાજની પુત્રી આસ્કા અને પુત્રને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને રાજકોટ સિવિલના કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભય ભારદ્વાજ ખાનગી હોસ્પિટલના બદલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

સી.આર. પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપને ભારે પડ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્ત્વનું છે કે સી.આર.પાટીલે જ્યારે રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી ત્યારે અભય ભારદ્વાજ પણ હાજર હતા.