ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા નવેમ્બર-2022માં લેવાયેલી સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમીડિએટનું મંગળવારે પરિણામ જાહેર કરાયું છે. જેમાં રાજકોટના વિદ્યાર્થી વિવેક બાટવિયાએ ઓલ ઇન્ડિયા 40મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. સીએ ઇન્ટરમીડિએટમાં રાજકોટ કેન્દ્રમાં બંને ગ્રૂપમાં કુલ 360 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 45 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. ગ્રૂપ-1માં 500 વિદ્યાર્થીમાંથી 82 પાસ થયા છે જ્યારે ગ્રૂપ-2માં 363માંથી 90 વિદ્યાર્થી પાસ થયા છે.
રાજકોટમાં બન્ને ગ્રૂપમાં પાસ વિદ્યાર્થીઓમાં દિવ્ય હિતેશભાઈ વેગડા 579 ગુણ, 72.38% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે છે, પ્રિયાંશુ વિમલભાઈ સેતા 551 ગુણ, 68.88% સાથે બીજા ક્રમાંક પર તથા યશેશ વિપુલ શાહ 549 ગુણ, 68.63% સાથે ત્રીજા ક્રમાંકે છે. રાજકોટ બ્રાન્ચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઈનલ અને ઇન્ટરમીડિએટનું નવેમ્બર-2022ની પરીક્ષાના પરિણામમાં ઇન્ટરમીડિએટમાં ગ્રૂપ-1નું સરેરાશ પરિણામ 21.19% જાહેર થયું ગ્રૂપ-2નું 24.44% પરિણામ અને બંને ગ્રૂપમાં પાસ વિદ્યાર્થીઓનું 12.72% પરિણામ જાહેર થયું.
છ માસ ભણવા સિવાય બધું ત્યાગી દીધુ’તું
સીએ ફાઇનલ માટે દરરોજ 16 કલાકનું વાંચન કરતો. ફ્રી સમયમાં રિસર્ચ કરતો અને ધાર્મિક વાંચન કરતો. એકધારૂ વાંચવાને બદલે વચ્ચે બ્રેક લઇ તૈયારી કરતો હતો. મિત્ર સાથે પ્લાન કરતા અને પરીક્ષાની તૈયારી કરતા. છ મહિના સુધી ભણવા સિવાયની તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. - વિવેક બાટવિયા, ઓલ ઇન્ડિયા 40મો રેન્ક મેળવનાર વિદ્યાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.