રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલમાં ગેસ ટનલમાંથી કલોરીન ગેસના લીકેજ થવાની ઘટના ઘટી હતી. જેને પગલે ત્યાં રહેલા સભ્યો અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ક્લોરિન ગેસ લીકેજ બંધ કરી પરિસ્થિતિ પર કાબૂમાં મેળવ્યો હતો. બાદમાં સમગ્ર પ્રક્રિયાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.
ક્લોરિન ઝેરી વાયુ છે
નોંધનીય છે કે ક્લોરિન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે જે 1000 PPMથી વધારે પ્રમાણવાળા ક્લોરિનની મિશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે છે. ક્લોરિન તીવ્ર ગંધ ધરાવે છે, તેની ગંધથી નાક અને ગળામાં ચચરાટ થાય છે, પરંતુ ક્લોરિનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરિન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબિત થઇ શકે છે. ત્યારે આ અંગેની સંપૂર્ણ સમજ આપવા માટે સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ ખાતે ક્લોરીનનાં સલામત ઉપયોગ માટે વોટર વર્કસ શાખા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ હતી.
હાઇરાઇઝ બિલ્ડીંગમાં મોકડ્રિલ યોજાઈ
નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા હાલ રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનોની સમજ આપવા માટે પણ એક અભિયાન ચાલે છે. જે અંતર્ગત પ્રમુખ દર્શન અને અવસર એપાર્ટમેન્ટ ખાતે ફાયર વિભાગની મોકડ્રિલ યોજાઈ હતી. જ્યાં ફાયર સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમ અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.