ગુજરાતી એટલે કોઈપણ પરિસ્થિતિમાં મોજથી રહેવાવાળા લોકો. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલાં રાજકોટના રણછોડનગરમાં રહેતા શાંતિલાલ અને તેમના મિત્ર નારણભાઇ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઇને એક ઓડિયો-ક્લિપ એટલી વાઇરલ થઇ કે આખા ગુજરાતમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. હાસ્યનું મોજું પ્રસરાવનાર શાંતિલાલને આખરે દિવ્ય ભાસ્કર શોધી લાવ્યું છે. શાંતિલાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે યુદ્ધ ચાલુ થતાં મને રાતે વિચાર આવ્યો કે ચાલો કંઇક રમૂજ કરીએ, પુતિન અમારે છેટે છેટે સગા થાય...
હું સમાજસેવા અને એક્સિડેન્ટ ક્લેઇમનું કામ કરું છું
શાંતિલાલે વધુમાં જણાવ્યું હતું કે મારુ આખું નામ શાંતિભાઈ અગ્રાવત છે. આ રમૂજ કરતી ઓડિયો-ક્લિપ હતી. મને અને સમાજને આનંદ આવ્યો, કોઈનું અહિત થયું હોય એવું બોલ્યો નથી છતાંય પુતિનનો ફોન આવ્યો કે મારા લશ્કરના હાથ-પગ ભાંગી ગયા છે, કોઈ સારો ડોક્ટર હોય તો કહો શાંતિલાલ...એટલે મેં કહ્યું વિદ્યાનગર મેઇન રોડ પર ડો.ચૌહાણનું કામ બહુ સારું છે. નારણભાઇ ઉર્ફે મોંઘાભાઇ અભરામભાઈ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના છે, મેં તેમને અમસ્તો જ ફોન કર્યો હતો. પુતિન અમારે છેટે છેટે સગા થાય છે. હું સમાજસેવા અને એક્સિડેન્ટ ક્લેઇમનું કામ કરું છું. મારું મૂળ ગામ કસ્તુરબા ત્રંબા છે.
કેવી રીતે વિચાર આવ્યો?
શાંતિલાલે વધુમાં જણાવ્યું હતું કે બસ, રાતે સૂતો હતો ત્યારે વિચાર આવ્યો કે પુતિને બે માણસને મારી નાખ્યા તો તેને સમજાવે કોણ? એટલે મેં નારણભાઇ સાથે રમૂજ કરવા વાતચીત કરી અને આ ઓડિયો-ક્લિપ બનાવી. પુતિને કહ્યું હતં કે શાંતિલાલ આ તારો ઓડિયો વાઇરલ થયો છે, એ 2.82 લાખ લોકોએ સાંભળ્યો અને અન્ય દેશોમાં પણ પહોંચી ગયો છે. ગુજરાતમાં તો કહે છે, હાહાકાર મચાવ્યો છે. મને નહોતી ખબર આટલું બધું થયું છે.
હાસ્યાસ્પદ ઓડિયો-ક્લિપના અંશો
શાંતિલાલઃ સીતારામ નારણભાઇ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુક્રેન પર પુતિનની મિસાઇલો ત્રાટકે છે.
નારણભાઈઃ આપણે તો અહીં કંઇ વાંધો નહીં આવે ને?
શાંતિલાલઃ યુદ્ધથી આપણે અહીં મોઘવારી ફાટી નીકળશે, પેટ્રોલના 500 રૂપિયા અને તેલના ડબ્બાના 5 હજાર રૂપિયા થઇ જશે.
નારણભાઇઃ 5 હજારનો એમ...
શાંતિલાલઃ હા, આજે 24/2/1956નો જન્મદિવસ છે મારો પાછો, મેં રશિયા પુતિનને ફેક્સ કર્યો કે આજનો દિવસ યુદ્ધ અટકાવી દ્યો, તો મારો બેટો મારી પર ખારો થયો. મોદીને એક ઝાટકે કહી દીધું છે કે ખબરદાર, જો અમારી સામે આંગળી ચીંધી તો, મને પણ ઠપકો દીધો કે શાંતિલાલ રહેવા દે હમણાં, અમારી જમીન યુક્રેને વધારે પચાવી પાડી છે. કોઈની તાકાત નથી, મારી જમીન પાછી દે, નહીંતર હું લાશોનો ઢગલા ને ઢગલા કરી દઈશ દુનિયામાં, એટલે પુતિન મારું પણ ન માન્યો, નારણભાઈ ફેક્સ કર્યો તોય, નહીંતર અમારો વાળંદ જ છે ને પુતિન અને છેટે છેટે સગા પણ છે. આ તો આપણે બહાર ન પડાય, બાકી દુનિયા આપણને ઠપકો આપે.
નારણભાઇઃ ક્યાં છો તમે
શાંતિલાલઃ હું રણછોડનગરમાં છું, શિવરાત્રિના મેળામાં 30 મણ લાસા લાડવાનો ઓર્ડર દઇ દીધો છે, બોલો નવીનમાં નારણભાઇઃ નવીનમાં કંઇ નહીં, આવજો ટાઇમ મળે તો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.