અહીં બધું જ 'PINK' છે:રાજકોટનો 'મહિલાઓનો, મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા' ચાલતો ગુજરાતનો એકમાત્ર સ્વિમિંગ પૂલ!

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ડોમયુક્ત પૂલમાં 5 વર્ષની બાળકીથી 75 વર્ષનાં વૃદ્ધા સહિત દરરોજ 500 મહિલા શીખે છે સ્વિમિંગ
  • સિક્યોરિટી ગાર્ડથી લઈ સ્વીપર, ક્લીનિંગ સ્ટાફ, ટ્રેનર સહિત તમામ સ્ટાફમાં માત્ર મહિલાઓ

આમ તો ગુજરાતમાં નાના-મોટા, સરકારી-ખાનગી મળીને એક હજારથી વધુ સ્વિમિંગ પૂલ આવેલા છે, પરંતુ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર જે સ્વિમિંગ પૂલ આવેલો છે એ તો અજોડ છે. આમ તો અહીં બધું બીજા નોર્મલ સ્વિમિંગ પૂલ જેવું જ છે, પરંતુ એક વાતમાં એ બાકીના બધા પૂલ કરતાં અલગ પડે છે. છત્રપતિ શિવાજીનાં માતા જીજાબાઈનું નામ ધરાવતો આ ગુજરાતનો એકમાત્ર સ્વિમિંગ પૂલ છે, જે માત્ર અને માત્ર મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા અને મહિલાઓ થકી જ ચાલે છે.

શીખનાર મહિલા, શિખવાડનાર મહિલા, સિક્યોરિટી પણ મહિલા
રાજકોટ મ્યુનિ.એ 1.90 કરોડના ખર્ચે તૈયાર કરેલા જીજાબાઈ મહિલા સ્નાનાગાર (સ્વિમિંગ પૂલ)ની મુખ્ય ખાસિયત છે એના 'ALL PINK' ફીચર્સ, એટલે કે અહીં સ્વિમિંગ શીખવા આવનાર દરેક તાલીમાર્થી, તેમને શિખવાડનાર ટ્રેનર્સ, સાફસફાઈ કરનાર સ્વીપર અને સિક્યોરિટી માટે રાખેલા ગાર્ડ પણ મહિલાઓ જ છે. અહીં શિખાઉ અને જાણકાર બન્ને પ્રકારની કુલ આઠ બેચમાં 500 મહિલા જોડાયેલી છે, જ્યાં તાલીમ મેળવેલી 12 મહિલાએ તાજેતરમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આમાં 75 વર્ષનાં વૃદ્ધાનો સમાવેશ થાય છે.

જનરલ સ્વિમિંગ પૂલમાં અગવડતા પડતી, માટે અલગ પૂલઃ RMC
રાજકોટ મહાનગરપાલિકાના (RMC) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં સૌથી જૂના રેસકોર્સ ઉપરાંત કાલાવડ રોડ, કોઠારિયા રોડ અને પેડક રોડ એમ કુલ ચાર સ્થળે મનપા સંચાલિત સ્વિમિંગ પૂલ કાર્યરત છે. ત્યાં મહિલાઓ માટે અલગ બેચ કરવી પડતી હતી, જેમાં અગવડતા પડતી હતી. એને ધ્યાનમાં રાખી ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં મહાનગરપાલિકાએ મહિલાઓ માટે મહિલા સંચાલિત સ્વિમિંગ પૂલ તૈયાર કર્યો છે. અહીં ટ્રેનર અને ટેક્નિકલ, ઓફિશિયલ સ્ટાફમાં તમામ જગ્યા પર મહિલાઓ જ છે.

મહિલા સ્વિમિંગ પૂલ 5 ફૂટ ઊંડો 25 મીટર લાંબો
આ સ્વિમિંગ પૂલની ઊંડાઈ 3થી 5 ફૂટ અને લંબાઈ 25 મીટર છે. ઉનાળુ વેકેશન દરમિયાન અહીં વિશેષ ધસારો રહે છે, જેમાં શિખાઉ સભ્યો પાસેથી ત્રિમાસિક ફી રૂ. 670 અને વાર્ષિક ફી રુ. 1000 ચાર્જ કરાય છે. રાજકોટમાં કોરોનાકાળ પછી લોકોમાં ખાસ કરીને વ્યાયામ, રમતગમત સુવિધાનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. રાજકોટ મનપા સંચાલિત સ્વિમિંગ પૂલમાં કુલ 25 પુરુષ અને 10 મહિલા સ્વિમિંગ ટ્રેનર છે, જેઓ શિખાઉ ઉપરાંત 93 જાણકાર સ્વિમર મહિલાઓને પણ તાલીમ આપે છે.

5-10 વર્ષની 63 દીકરી, 10-75 વર્ષની 350 મહિલા ટ્રેની
મહિલા સ્નાનાગરમાં 5થી 10 વર્ષની 63 દીકરી અને 11થી 75 વર્ષ સુધીની કુલ 350 મહિલા સ્વિમિંગ શીખવા આવે છે. કિંજલ પટેલ નામની મહિલાએ જણાવ્યું હતું કે આ સ્વિમિંગ પૂલ બન્યો ત્યારથી અહીં આવે છે. ઘણા પરિવાર એવા હોય છે, જેઓ પુરુષ સાથે જગ્યા પર સ્વિમિંગ માટે મહિલાઓને મોકલવા ઇનકાર કરતા હોય છે. આવા સમયે રાજકોટમાં આવી મહિલાઓ માટેનો સ્વિમિંગ પૂલ બન્યો, એ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. હું અને મારી દીકરી બંને પૂલમાં સ્વિમિંગ શીખવા આવીએ છે.

મહિલાઓની પ્રાઈવસી જળવાય છે અને સ્કીનબર્ન સામે પણ રક્ષણ મળે છે.
મહિલાઓની પ્રાઈવસી જળવાય છે અને સ્કીનબર્ન સામે પણ રક્ષણ મળે છે.

ડોમ હોવાથી પ્રાઈવસી-પ્રોટેક્શન બંને મળે છે
અંકિતા મહેતા નામની યુવતીએ જણાવ્યું હતું કે રાજકોટમાં જે ડોમયુક્ત સ્વિમિંગ પૂલ છે, એને કારણે મહિલાઓની પ્રાઈવસી જળવાય છે અને સ્કીનબર્ન સામે પણ રક્ષણ મળે છે. બીજી સલામતી એ છે કે અહીં સિક્યોરિટી ગાર્ડથી માંડીને સ્વીપર, ક્લિનિંગ સ્ટાફ, કોચ સુધી તમામ મહિલા સ્ટાફ છે. માટે અહીં કોઇપણ સંકોચ મહિલાઓ કે યુવતીઓને રહેતો નથી અને સારી રીતે સ્વિમિંગ શીખવા મળી રહ્યું છે.

75 વર્ષના સ્વિમર દાદીએ કહ્યું, 'અહીં ફન છે'
તાજેતરમાં ખેલ મહાકુંભમાં સ્વિમિંગમાં ભાગ લેનારાં 75 વર્ષીય ગાયનેક ડોકટર મીતા ઓઝા પણ આ સ્વિમિંગ પૂલમાં નિયમિત આવે છે. તેમણે જણાવતું હતું કે મહિલાઓ માટે અલગ પૂલ હોવાથી કોઇ સંકોચ રહેતો નથી. 25 મીટરનો નાનો પુલ છે, પણ અહીં બધાને ખૂબ ફન મળે છે. એરોબિક એક્ટિવિટીનું પ્રમાણ પણ વધ્યું છે. સ્વિમિંગ કરવું એ શરીરના બધા મસલ્સ અને બધા જોઇન્ટ્સ માટે ફાયદાકારક છે. અહીં મહિલા સંચાલિત સ્વિમિંગ પૂલ હાઉસફુલ છે અને પ્રવેશ માટે વેઇટિંગમાં નામ લખાવવું પડે છે.