• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot's Dhruvi Achieved Great Success In The Field Of Rifle Shooting And Won 34 Medals In 7 Years, Including 14 Gold Medals.

અનોખી સિદ્ધિ:રાજકોટની ધ્રુવીએ રાઈફલ શૂટિંગ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી અને 7 વર્ષમાં 34 મેડલ મેળવ્યા, જેમાં 14 ગોલ્ડ મેડલ છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોમાં સરદાર પટેલ એવોર્ડ તેમજ 50 હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે

રાજકોટમાં રહેતી માત્ર 20 વર્ષની ધ્રુવી વોરાએ રાઈફલ શૂટિંગ ક્ષેત્રે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ મેળવી છે. જેમાં સાત વર્ષમાં 34 મેડલ મેળવ્યા છે, જેમાં 14 તો ગોલ્ડ મેડલ છે. હાલમાં ધ્રુવી ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવા માટેની ટ્રાયલ આપી રહી છે. રાજકોટમાં નીલકંઠ પાર્ક પાસે રહેતી ધ્રુવીએ ભણતર અને ખેલાડીની બેવડી જવાબદારી સાથે વર્ષ 2014થી રાઈફલ શૂટિંગની નેશનલ અને રાજ્યસ્પર્ધામાં ભાગ લઈ 7 વર્ષના સંઘર્ષ બાદ રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાના મળી કુલ 34 મેડલ મેળવ્યા છે. જેમાં રાજ્યકક્ષાના 5-ગોલ્ડ, 3-સિલ્વર, 3-બ્રોન્ઝ મળી 11 મેડલ, એમાં રાષ્ટ્રીય કક્ષાએ 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મળી 2 મેડલ અને જિલ્લા કક્ષાએ 9-ગોલ્ડ, 8-સિલ્વર અને 4 બ્રોન્ઝ મળી 21 મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત તેમને ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોમાં સરદાર પટેલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે તેમજ 50 હજાર રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવશે.

ધ્રુવી જ્યારે 13 વર્ષની હતી તે સમયે શાળા તરફથી NCCમાંથી રાઈફલ શૂટિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ શૂટિંગ ક્ષેત્રે તેમની રુચિ વધી જતાં તેઓ શહેરમાં આવેલ રાજશક્તિ રાઈફલ ક્લબમાં જોડાયા હતા. કોચ પીયુષ વરસાણી પાસેથી ટ્રેનિંગ લીધા બાદ તેમને અનેક તક મળી અને તેમાં સફળતા પણ મળી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં ગેમ દીઠ માત્ર બે મુખ્ય ખેલાડીની પસંદગી કરાઈ હતી, જેમાં ધ્રુવીની રાઈફલ શૂટિંગમાં પસંદગી કરાઈ હતી અને રાજકોટ કલેક્ટર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

મને માતાપિતા અને મારી શાળાનો કાયમ સહકાર મળ્યો છે
એક ગનની કિંમત 1.25 લાખથી શરૂ થાય છે, તેમાં ઉપયોગી ઈક્વિટમેન્ટ ખૂબ મોંઘા મળતા હોય છે. જેમાં પેલેટ્સ, ટાર્ગેટ પેપર, જેકેટ, ટ્રાઉઝર, શૂઝ, ગ્લોવ્ઝ, કેપ સહિતના તમામ સાધનો 25 હજાર સુધીના મળે છે. આ કિંમત સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને પરવડે નહીં પરંતુ માતા-પિતા દ્વારા મને પ્રોત્સાહિત કરી તમામ સાધન ખરીદી અને રમતમાં આગળ વધવા માટે સહકાર આપ્યો. આ ઉપરાંત રાજ્યમાં કોઈ સ્પર્ધા હોય અને તે જ સમયે શાળામાં પરીક્ષા હોય તો તેવા સમયે કડવીબાઈ શાળાના શિક્ષકો દ્વારા મને સ્પર્ધામાં જવાની પરવાનગી આપી અને પરીક્ષા બાદમાં આપવા માટેની છૂટછાટ આપી આગળ વધવાની પ્રેરણા આપી છે.’’ - ધ્રુવી વોરા, રાઈફલ શૂટર

અન્ય સમાચારો પણ છે...