વીડિયોમાં વ્યથા ઠાલવી:રાજકોટના CPની બદલી થતાં કહ્યું- 'અમારી કિંમત સસ્તી બનાવી લોકોએ, 100-200માં ખરીદે છે અમને’

રાજકોટ6 મહિનો પહેલા
  • ACPથી DIG, SPથી IG અને DCPથી CP સુધી તમામ મારાં જ રૂપ છે
  • તમે સપનાં સજાવો છો તો અમે વધુ એક કેસની FIR બનાવતા હોઈએ છીએ

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી પોલીસ કમિશનર પર સીધો આક્ષેપ કર્યો હતો. એમાં જણાવ્યું હતું કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં 15 ટકા કમિશને પાછાં અપાવે છે. આ અંગે તપાસ સમિતિની રચના થઈ અને DIG વિકાસ સહાય દ્વારા તપાસ કરી રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો. બાદમાં સરકારે મનોજ અગ્રવાલને સજાના ભાગરૂપે જૂનાગઢ બદલી કરી. મનોજ અગ્રવાલે ગઇકાલે રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડ્યો અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ઇમોશનલ વીડિયો બનાવ્યો અને પોલીસની વ્યથા ઠાલવી છે, જેમાં અમારી કિંમત સસ્તી બનાવી લોકોએ, 100-200માં ખરીદે છે અમને.

અમીરીના ઘમંડમાં તમે અમારી પર SUV ચડાવી દ્યો છો
તેમણે વીડિયોમાં વધુમાં જણાવ્યું છે કે ‘હું પોલીસવાળો છું, કોન્સ્ટેબલથી થાણેદાર સુધી, ACPથી DIG સુધી, SPથી IG સુધી, DCPથી CP સુધી તમામ મારાં જ રૂપ છે. કોઈ દિવસભર તડકામાં તપે છે તો કોઇને છાયડો નસીબ થાય છે. ઠીક તમામનાં નસીબ અલગ હોય છે. અમારું ઘર તો ચોકી છે, ઓફિસ જાવાવાળા સાંજે ઘરે આવે છે. તમે એરપોર્ટ જાઓ છો તો અમે રોડ પર ટ્રાફિક ખોલાવીએ છીએ. તમે દિવાળી મનાવો છો તો અમે કોઈના ઘરની આગ ઠારવામાં વ્યસ્ત હોઇએ છીએ. તમે સપનાં સજાવો છો તો અમે એક વધુ કેસની FIR બનાવતા હોઇએ છીએ. અમીરીના ઘમંડમાં તમે અમારી પર SUV ચડાવી દ્યો છો. સરકાર કહે છે કે શહીદી અમર રહે પરંતુ પાછળથી નોકરી, પેન્શન, રોટી માટે અમે કરગરીએ છીએ. વરસાદ હોય, ઠંડી હોય કે પછી તડકો, અમારી ખાખી દરેક વખતે તહેનાત રહે છે.’

સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો
મનોજ અગ્રવાલે સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ‘તમારા બધા સાથે કામ કરવાનો મને ખૂબ જ આનંદ અને આનંદ છે. હું એ વાતને ઓળખવા માગું છું કે રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે 3 વર્ષથી વધુ સમયથી અમે લોકોના જીવનમાં ખાસ કરીને રોગચાળા દરમિયાન પણ મહિલા સશક્તીકરણ, મહિલા સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શહેરમાં ક્રાઈમ રેશિયો ઘટાડવો, પોલીસ વિંગમાં ડિજિટલાઇઝેશન, યુવા મોટિવેશન અને ટ્રાફિક કન્ટ્રોલ. અમે ગૌરવ, શિસ્ત અને નિશ્ચય સાથે સેવા આપી છે.

પોલીસકર્મચારીઓની હું હૃદયપૂર્વક પ્રશંસા કરુ છું
કાર્યકાળ દરમિયાન અમે સમગ્ર રાજકોટ શહેર પોલીસની સક્રિય અને પ્રતિક્રિયાત્મક નહીં, ઉત્સાહ અને સખત મહેનતવાળી નવી સિસ્ટમ અમલમાં મૂકીને એમાં જથ્થાબંધ ફેરફારો કર્યા છે, જે અસરકારક સાબિત થયા છે અને કામગીરીમાં સુધારો થયો છે. રાજકોટ શહેર પોલીસની સફળ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાક પ્રયાસો અને યોગદાનની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. રાજકોટ મીડિયા અમારા વિભાગ માટે પ્રયાસો અને કાર્યોની પ્રશંસા તથા સમર્થન કરીને ઘણું મોટું પ્રદાન કરી રહ્યું છે. તમે એક વિશ્વાસુ સાથી છો અને તમામ રાજકોટવાસીઓ માટે લોકોના મન અને સમાચાર સ્ત્રોત પર કબજો જમાવ્યો છે, જે અન્ય કોઈ પહોંચાડી શકે તેમ નથી.

મનોજ અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો.
મનોજ અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો.

પ્રેસ મીડિયાનો આભાર માનું છું
તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મચારીઓનો આભાર, જેઓ રોગચાળા દરમિયાન ખાસ કરીને દરરોજ ખૂબ સખત મહેનત કરે છે. હું તમારા દરેકનો અંગત રીતે આભાર માનવા માગું છું અને ભવિષ્યમાં પણ સતત સમર્થનની રાહ જોઈશ. મોટા ભાગના પ્રસંગોમાં અમને ટેકો આપવા અને જબરદસ્ત પ્રોત્સાહિત કરવા બદલ હું રાજકોટ પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો પણ આભાર માનું છું. મીડિયા જૂથો છોડતાં પહેલાં હું પોલીસના યોગદાનની વધુ સારી પ્રશંસા માટે એક કવિતાની લિંક મોકલીશ.’

મનોજ અગ્રવાલ ઘણા વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા
મનોજ અગ્રવાલે રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો છે અને JCP અહેમદ ખુર્શીદને રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપ્યો છે. જોકે મનોજ અગ્રાવાલ જૂનાગઢ તાલીમ ભવનમાં તાકીદે હાજર ન થયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. બદલીના ઓર્ડર બાદ મનોજ અગ્રવાલનો મોબાઈલ સ્વિચ ઓફ થયો હતો તેમજ તેઓ રાજકોટનાં ઘણાં વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...