ચુકાદો:રાજકોટનો ચકચારી સ્ટોન કિલર કેસ, શંકાના આધારે 2 કેસમાં નિર્દોષ છુટકારો, 2 કેસનો ચુકાદો પેન્ડિંગ, જેલવાસ યથાવત

રાજકોટએક મહિનો પહેલા
ફાઈલ તસવીર    
  • 6 વર્ષ પહેલા સ્ટોન કિલરને પકડવા 1200 પોલીસે ધંધે લાગી હતી
  • વર્ષ 2016ના 3 મહિના સુધી રાજકોટીયન્સ ભયના ઓથાર હેઠળ રહ્યા હતા

આજથી 6 વર્ષ પહેલા 2016ના 3 મહિના સુધી શાંત શહેર રાજકોટના નગરજનોને સતત 3 મહિના સુધી ભયના ઓથાર હેઠળ રહ્યા હતા. અને તેનું કારણ હતું ત્રણ-ત્રણ નિર્મમ હત્યા કરનારો 'સ્ટોનકિલર' ઉર્ફે હિતેષ દલપતરામ રામાવત. એ સમયે ખુલ્લેઆમ ફરતા સ્ટોનકિલરે લોકમાણસમાં રીતસર ફફડાટ ફેલાવ્યો હતો. તો ચોક્કસ વિસ્તારમાં લોકો રાત-રાત જાગીને ચોકી પહેરો કરવા લાગ્યા હતા. ગે માનસ ધરાવતા સ્ટોનકિલરે રાજકોટ પોલીસના નાકે પણ દમ લાવી દીધો હતો. પરંતુ પોલીસની સઘન તપાસને પગલે 2 જુલાઈ 2016ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે. જ્યાં શંકાના આધારે 2 કેસમાં નિર્દોષ છુટકારો મળ્યો છે. અલબત્ત હજુ 2 કેસ પેન્ડિંગ છે જેથી તેનો જેલવાસ યથાવત રહેશે.

તેનો મોબાઈલ ફોન તેની પાસેથી છીનવી લેવા આ તેની મોડસ ઓપરેન્ડી હતી
આ અંગે સરકારી વકીલ સંજય વોરાએ મીડિયાને જણાવ્યું હતું કે,2016 ની સાલમાં સ્ટોન કિલરએ ત્રણ હત્યા કરી હતી અને એક હત્યાનો પ્રયાસ કર્યો હતો. કે કોઈ વ્યક્તિ સૂતેલો હોય કે અર્ધબેભાન અવસ્થામાં હોય તો મોટા બેલા વડે તે વ્યક્તિની હત્યા કરી ત્યારબાદ તેનો મોબાઈલ ફોન તેની પાસેથી છીનવી લેવા આ તેની મોડસ ઓપરેન્ડી હતી. પોલીસે પણ તેને પકડવાના પ્રયત્નો શરુ કરી દીધા ત્યારબાદ જામનગર પોલીસ સ્ટેશનમાંથી એક દિવસ ફોન આવ્યો કે તમે જે વ્યક્તિને શોધખોળ કરો છો તેવા જ દેખાવ ધરાવતો શંકાસ્પદ માણસની અમે ધરપકડ કરી છે એ સમયે રાજકોટ પોલીસ જામનગર પહોંચીને તેની ધરપકડ કરી અને રાજકોટ લઇ આવી હતી.

સરકારી વકીલ સંજય વોરા
સરકારી વકીલ સંજય વોરા

બંને કેસમાં મોબાઈલ ફોન કારણભૂત છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયગાળા દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા અને એ સમયે ત્રણ હત્યા પણ થઈ હતી હવે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા આ ત્રણ મોબાઈલ પણ એ લોકોના જ હતા. હાલ જે બે કેસમાં શંકાના આધારે તે નિર્દોષ છોડવામાં આવ્યો છે. તે બંને કેસમાં મોબાઈલ ફોન કારણભૂત છે. પ્રથમ કેસમાં તો એવું છે કે મૃતક નો મોબાઇલ ફોન સ્ટોન કિલર હિતેશ પાસે હતો પરંતુ એ ફોન મૃતકનો જ છે તેનો કોઇ ઠોસ પુરાવો મૃતકના પરિવારજનો પાસે ન હતો. ફોન ખરીદ્યાનું કોઈ બિલ પણ ન હતું કે ફોન તેના નામે રજિસ્ટર છે તેવી પણ કોઈ પુરાવો હતો. પોલીસ તપાસમાં મૃતકના પિતાએ સ્વીકાર્યું હતું કે આ મોબાઈલ તેના પુત્રનો જ છે. પણ જેમ પહેલા કહ્યું તેમ કોઈ સીમકાર્ડ મળેલું ન હતું અને કોઈ માલિકીનું બિલ પણ ત્યાં મળ્યું ન હતું.

હિતેશે આઇડીબીઆઇ બેન્કમાં ફોન કર્યો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા અનુભવ પ્રમાણે કોર્ટે શંકાનો લાભ આપીને અહીં તેના મુક્ત કર્યો છે જ્યારે બીજા કેસની વાત કરીએ તો તેમાં પણ મૃતકનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો સાથે સાથે મૃતકનું આઇડીબીઆઇ બેન્ક નું એટીએમ કાર્ડ પણ લૂંટી લીધું હતું એ વખતે હિતેશે મૃતકનું સીમકાર્ડ તેના ફોનમાંથી કાઢીને પોતાનો સીમકાર્ડ કર્યું હતું અને આઇડીબીઆઇ બેન્ક માં ફોન કરીને કહ્યું હતું કે મારા એટીએમનો પાસવર્ડ ખોવાઈ ગયો છે તો મારે શું કરવું એ સમયે આઈડીબીઆઈ બેન્કના કસ્ટમર કેરમાં વાત કરનાર વ્યક્તિ એવું કહ્યું હતું કે તમારે અહીં આધાર પુરાવા લઈને બેંક માં આવવું પડશે એટલે તમને નવો પાસવર્ડ મળી જાશે.

સ્ટોનકિલરની ફાઈલ તસવીર
સ્ટોનકિલરની ફાઈલ તસવીર

આ કોઈ સાંયોગિક બનાવ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયગાળા દરમિયાન થયેલી વાતચીતનું રેકોર્ડિંગ આઇડીબીઆઇ બેન્કના સર્વરમાં હતું જેથી જ્યારે પોલીસે હિતેશની ધરપકડ કરી ત્યાર બાદ તપાસમાં રેકોર્ડિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો એફ.એસ.એલ.માં ચકાસણી માટે પણ તેને મોકલવામાં આવ્યું હતું કે આ રેકોર્ડિંગ માં જે વ્યક્તિનો અવાજ છે અને જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે બંને હિતેશ જ છે. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં પણ એ સાબિત થયું છે કે એટીએમ માટેનો જે વ્યક્તિએ ફોન કર્યો હતો એ હિતેશ જ છે. એ સમયે અમે કોર્ટને જણાવ્યું હતું કે દરેક મોબાઇલના IMEI નંબર એક જ હોય છે. આ કોઈ સાંયોગિક બનાવ નથી અહીં એ સાબિત થાય છે કે મૃતકનો મોબાઈલ હિતેશ પાસેથી મળ્યો હતો અને હિતેશે જ તેની હત્યા કર્યા બાદ તેના એટીએમ મારફત આઈડીબીઆઈ બેન્કના કસ્ટમરકેરમાં ફોન કર્યો હતો.

બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ જે બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે તેનો અર્થ એ નથી કે તેને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હજી બે કેસ પેન્ડિંગ છે જેમાં એક હત્યાના પ્રયાસનો અને હત્યાનો કેસ ચાલુ છે તેથી તેને જેલમાંથી મુક્તિ નથી મળી. હજુ પણ તેને જેલવાસ ભોગવવો જ પડશે

સ્ટોન કિલરને પકડવા 1200 પોલીસે ધંધે લાગી હતી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ત્રણ ત્રણ મર્ડર કરી સ્ટોનકિલર ખુલેઆમ ફરી રહ્યો હતો ત્યારે ગુજરાતભરની પોલીસે હંફાવતા સ્ટોનકિલરને ગઇકાલે રાજકોટ પોલીસે ઝડપી લીધો છે સતત 70 દિવસથી પ્રજાને રંજાડતો અને પોલીસને હંફાવતો સ્ટોનકિલરને ઝડપાવા કુલ 1200 પોલીસે ધંધે લાગી હતી એટલુંજ નહી પોલીસે અલગ અલગ પાંચ પ્રકારના વેશ ધારણ કરવાની ફરજ પડી હતી.જેમાં સ્ટોન કિલર ગે હોવાનું પ્રાથમિક તબ્બકે જાણવા મળતા અમદાવાદાના પીઆઇએ ગેનો વેશ ધારણ કર્યો હતો ગઇકાલે પકડવા ગયેલી પોલીસે એક ગામમાં ધોતીયુ ઝભ્ભોને જનોઇ પહેરી પીએસઆઇ સહિત કોન્સ્ટેબલે બ્રાહ્ણમણનો વેશ ધારણ કરવાની ફરજ પડી હતી.

આ હત્યાની તેની શ્રેણીબદ્ધ હત્યાની તવારીખ

  • 20 એપ્રિલ 2016
  • સાગર મેવાડાની હત્યા..ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કરવામાં આવી હત્યા...
  • 23 મે 2016
  • રિક્ષાચાલક પ્રવિણભાઇની હત્યા..મુંજકા નજીક પથ્થરના ધા ઝીંકી કરાઇ હત્યા...
  • 26 મે 2016
  • કાલાવડ રોડ પર સ્ટોનકિલર દ્રારા હત્યાની કોશિશ..
  • 2 જૂન 2016
  • પાળ ગામની સીમમાં વલ્લભભાઇ નામના પ્રૌઢની પથ્થરના ધા ઝીંકી કરાઇ હત્યા..