મધર્સ ડે:રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ 89 વર્ષના વૃદ્ધા, રોજ બે વખત આવી આઇસ્ક્રિમ ખાઇ પોલીસને આશીર્વાદ આપે

રાજકોટ3 વર્ષ પહેલા
સાડા ત્રણ વર્ષથી વૃદ્ધા પોલીસ સ્ટેશન આવી રહ્યા છે
  • પોલીસ સ્ટેશનના સ્ટાફ અને વૃદ્ધા વચ્ચે સાડા ત્રણ વર્ષથી માતા-પુત્ર જેવો સબંધ
  • મકાન ખાલી કરાવવાના વિવાદે વિનુબેન અઢીયાને એક નવી જ ઓળખ આપી છે
  • કોલકત્તાના બર્મામાં વિનુબેન અઢીયા શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે

આજે મધર્સ ડે છે. ત્યારે રાજકોટની એક એવી અનોખી માતાની વાત કરવી છે જે ઓળખાય છે ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘મા’ તરીકે. 89 વર્ષની ઉંમરનાં આ મહિલા દિવસમાં બે વખત પોલીસ સ્ટેશન આવે છે અને માત્ર આઇસ્ક્રિમ ખાઇ અને પોલીસને આશીર્વાદ આપી જતા રહે છે. ગુજરાતીમાં કહેવત છે કે, ભગવાન ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડાવે. પણ આ કહેવત રાજકોટમાં ખોટી સાબિત થઇ છે. રાજકોટનાં મેહુલનગર શેરી નંબર 6માં રહેતા 89 વર્ષનાં વિનુબેન અઢીયા દરરોજ બે વખત પોલીસ સ્ટેશને આવે છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવો માડી કહીને બેસાડે અને આઇસ્ક્રિમ પણ ખવડાવે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને વૃદ્ધા વિનુબેન અઢીયા વચ્ચે સાડા ત્રણ વર્ષથી માતા-પુત્ર જેવો સબંધ બંધાયો છે. એટલું જ નહીં પોલીસ આ વૃદ્ધ માતાનાં દિકરી અને દિકરાના પુત્ર સાથે વીડિયો કોલથી ખબર અંતર પણ પુછાવે છે. વૃદ્ધ વિનુબેન અઢીયા દરરોજ પોતાના ઘરથી પગપાળા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. બેથી અઢી કલાક સમય પસાર કર્યા બાદ પોલીસની કાર તેમને ઘરે પરત પણ પહોંચાડે છે.

70 વર્ષથી વિનુબેન અને તેનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયો

કોલકત્તાના બર્મમાં વિનુબેન અઢીયા શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જો કે છેલ્લા 70 વર્ષથી વિનુબેન અને તેનો પરિવાર રાજકોટમાં સ્થાયી થઇ ગયો છે. વિનુબેનને ત્રણ સંતાન હતા. જેમાંથી એક પુત્રી કચ્છ સાસરે છે. જ્યારે પુત્ર અને પુત્રીનું અવસાન થતા હવે રાજકોટમાં એકલવાયું જીવન જીવી રહ્યા છે. સાડા ત્રણ વર્ષ પહેલા વિનુબેન પોલીસ સ્ટેશનમાં મકાન માલીક મકાન ખાલી કરાવવાની ધમકી આપતા હોવાની અરજી લઇને આવ્યા હતા. ત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વિરલદાન ગઢવીએ વૃદ્ધા વિનુબેનને સાંભળ્યા હતા અને માનવતાની રૂએ મકાન માલીકને મકાન ખાલી ન કરાવવા સુચના આપી હતી. ત્યારથી ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અને વિનુબેન વચ્ચે મા-દીકરા જેવો સબંધ બંધાયો છે. તો બીજી તરફ વિનુબેનની બે વર્ષ પહેલા તબીયત લથડી હતી ત્યારે પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલમાં ખડેપગે રહ્યો હતો અને સારવાર કરાવી ફરી એક વખત અડીખમ ઉભા રહે તેવા કરી દીધા હતા.

વિનુબેનની ઓળખ હવે મા તરીકે થઇ 

વિનુબેનથી ઓળખાતા આ વૃદ્ધા હવે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભક્તિનગર પોલીસની મા તરીકેની ઓળખાય છે. પોલીસ દીકરાની જેમ આ વૃદ્ધ માતાના ઘરનાં રાશનથી લઇને મોબાઇલ ફોન લઇ આપવા સહિતની તમામ જરૂરીયાતો પૂર્ણ કરી રહી છે. ત્યારે આવા પોલીસ અધીકારીઓને મધર્સ ડે પર સો-સો સલામ. 

અન્ય સમાચારો પણ છે...