CCTV ઢાંકી ધાડપાડુ ગેંગનું ધાણીફૂટ ફાયરિંગ:રાજકોટમાં મધરાતે ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર, લોહીની છોળો ઊડી, 4 ઝડપાયા, 1 PSIને ઇજા

રાજકોટ4 દિવસ પહેલા
પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી ઓપરેશન પાર પાડ્યું હતું.

રાજકોટના પોશ વિસ્તાર અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં શેરી નં.2માં રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગત મધરાતે ધાડપાડુ ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘૂસી હતી. આ ધાડપાડુ ગેંગ પાસે ઘાતક હથિયાર પણ હતાં. જોકે આ અંગેની જાણ SOG પોલીસને થતાં પોલીસકાફલો દોડી ગયો હતો, આથી ધાડપાડુ ગેંગે પોલીસ પર ધાણીફૂટ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં મામલો ગંભીર બનતાં પોલીસે પણ વળતાં જવાબમાં ફાયરિંગ કર્યું હતું, આથી પોલીસ અને ધાડપાડુ ગેંગના સભ્યોને ગોળી વાગતાં લોહીની છોળો ઊડી હતી. આ ફાયરિંગમાં SOGના PSI ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના 2 સભ્યને ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે 4 શખસને પોલીસે ઝડપી લીધા હતા અને ફરાર બેની શોધખોળ હાથ ધરી છે.

મકાનને કોર્ડન કરી લીધું
આ અંગે ASI રવિ વાંકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે-હું SOG શાખામાં ASI તરીકે ફરજ બજાવુ છું અને મારી નોકરી ફિલ્‍ડ વિસ્‍તારમાં છે. ગત રાતે નવ વાગ્‍યે હું તથા PSI ડી.બી.ખેર, સાથે ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, અજયભાઇ ચૌહાણ, ઇન્‍દ્રજીતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, ફિરોઝભાઇ રાઠોડ, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર તથા દિવ્‍યરાજસિંહ ઝાલા એમ બધા નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે રાતે અઢીથી પોણા ત્રણ દરમિયાન 6 બુકાનીધારી શંકાસ્‍પદ શખ્‍સો ચિત્રકુટધામ સોસાયટી-2 ના ખુણા પર આવેલા મકાનની પ્રથમ માળની ગેલેરી તથા મકાનની અંદર હિલચાલ કરતાં જોવા મળતાં તુરત જ PSI ખેરની સુચના મુજબ ટીમના માણસોએ તે મકાનને કોર્ડન કરી લીધું હતું.

પોલીસે આખી રાત જાગી બંગલો અને વિસ્તારને કોર્ડન કર્યો.
પોલીસે આખી રાત જાગી બંગલો અને વિસ્તારને કોર્ડન કર્યો.

બધા ઘરના ફળીયામાંથી બહાર આવ્યા
PSI ખેર ગેઇટ પાસે પહોંચ્‍યા હતાં અને અંદર ઘુસેલા માણસોને પોલીસની ઓળખ આપી પડકાર્યા હતાં. પરંતુ આ શખ્‍સોએ ઓચીંતા જ પથ્‍થમારો ચાલુ કર્યો હતો અને બધા ઘરના ફળીયામાંથી બહાર આવી ભાગવા માંડયા હતાં. તે વખતે PSI ખેર તેને પકડવા જતાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. એ પૈકી એક શખ્‍સને PSI ખેરે મજબુતીથી પકડી લેતાં તેને છોડાવવા તેનો સાગરીતોઆવ્‍યો હતો અને તેણે PSI ખેરના હાથ પર ગણેશીયાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ બીજા શખ્‍સે તેમનું ગળુ દાબી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

બનાવ લોહિયાળ જંગમાં પરિવર્તિત થયો હતો.
બનાવ લોહિયાળ જંગમાં પરિવર્તિત થયો હતો.

પોલીસ ઉપર પથ્‍થરમારો ચાલુ રાખ્‍યો
આ દરમિયાન એક લૂંટારાએ પોતાની પાસેની બંદુક કાઢી PSI ખેર સામે તાંકી હતી અને સાગ્રીતને છોડી દે નહિ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. બીજી તરફ બીજા શખ્‍સોએ પોલીસ ઉપર પથ્‍થરમારો ચાલુ રાખ્‍યો હતો. આ દરમિયાન PSI ખેરે તમામ ટીમને પોતાની તરફ આવવા મોટેથી અવા જ કરતાં અમે બધા તેમની નજીક ગયા હતાં. જે શખ્‍સના હાથમાં બંદુક હતી તેનું નાળચુ તેણે મારી તરફ કરી ‘જો અહિયા આયા તો આલી દઇશ' તેમ ધમકી આપી હતી.

રિદ્ધિ સિદ્ધિ બંગલાની બહાર પોલીસના ધાડેધાડા ઉતારાયા.
રિદ્ધિ સિદ્ધિ બંગલાની બહાર પોલીસના ધાડેધાડા ઉતારાયા.

હથીયારધારી શખ્‍સો ભાગી ગયા
આથી PSI ખેર અને અમારા જીવ પર જોખમ જણાતાં મેં મારી સર્વિસ રિવોલ્‍વરમાંથી PSI ખેરને મારવાનો પ્રયાસ કરનારા શખ્‍સોની દિશામાં બે રાઉન્‍ડ ફાયર કરતાં બે શખ્‍સો ઇજાગ્રસ્‍ત થયા હતાં. જેને અમારી ટીમે તુરત દબોચી લીધા હતાં. આ દરમિયાન ધાડપાડુઓ પૈકીના ત્રણ રોડ તરફ ભાગતાં તેનો પીછો કરાયો હતો. હેડકોન્‍સટેબલ કિશનભાઇ આહિર, કોન્‍સટેબલ દિવ્‍યરાજસિંહ તેની પાછળ દોડયા હતાં. આ શખ્‍સોએ પોતાના શરીર પર ચીકણો પદાર્થ લગાડયો હોઇ તેને પકડવા જતાં હાથ લપસી જતાં હતાં. જે શખ્‍સ પાસે હથીયાર (બંદૂક) હતું તે સ્‍થળ પર જ પડી ગયો હતો. કિશનભાઇ અને દિવ્‍યરાજસિંહે એક શખ્‍સને પકડી લીધો હતો. બીજા બે હથીયારધારી શખ્‍સો ભાગી ગયા હતાં.

પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી.
પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી.

PSI ખેરને હાથના ભાગે તથા પેટ અને કમરના ભાગે ઇજા થઇ
PSI ખેરને હાથના ભાગે તથા પેટ અને કમરના ભાગે ઇજા થઇ હતી. ધાડપાડુ ગેંગના પથ્‍થરમારામાં સોસાયટીમાં પડેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. આ બનાવની જાણ ASI ભાનુભાઇ મિંયાત્રાએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં કરી મદદ મોકલવા જણાવ્‍યું હતું. PSI ખેરનું ગળુ દબાવનારા શખ્‍સનું નામ પુછતાં તેણે પોતાનું નામ દિનેશ વિછયાભાઇ ગોડીયા જણાવેલ, જયારે જેના હાથમાં બંદૂક હતી તેનું નામ ચકરા મેઘાભાઇ હોવાનું દિનેશે કહ્યું હતું. તેમજ જેના હાથમાં ગણેશીયો હતો તેનું નામ કલા દિત્તાભાઇ ગોડીયા હોવાનું જણાવાયું હતુ. જ્‍યારે ભાગતી વખતે પકડાયેલા શખ્‍સનું નામ કાળો કરણસિંહ હઠીયા હોવાનું કહેવાયું હતુ. જ્‍યારે ભાગી ગયેલા બે શખ્‍સોમાં એક દિલીપ (રહે. જાંબુવા) તથા બીજો હીમસંગ (રહે. ખરચ દાહોદ) હોવાનું જણાવાયું હતું. PSI ખેર તથા ઘાયલ થયેલા બે આરોપીને હોસ્‍પિટલે લઇ જવાયા હતાં.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
હાલ માલવિયા નગર પોલીસે આરોપી દિનેશ વિછયાભાઇ ગોડીયા, ચકરા મેઘાભાઇ આદિવાસી, મલન દિતાભાઇ ગોડીયા અને કાળો કરણસિંહ હઠીલા, દિલીપ વિરછીયાભાઇ હઠીલા અને હિમસંગ વિરૂધ્‍ધ આઇપીસી 307, 450, 398, 323, 337, 324, 323, 120 (બી), 427, 506 (2) તથા આર્મ્‍સ એક્‍ટની કલમ 25 (1) (1-બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમે તો રીતસરના ગભરાય ગયા હતાઃ બંગલા માલિક
બંગલાના માલિક રાજેશભાઈ ઠાકરશીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાતના 2.18થી 2.40 વાગ્યા દરમિયાનનો આ બનાવ બન્યો હતો. આશરે 6 શખસો આવ્યા હતા. અણીદાર પથ્થરના કોથળા ભરી મારા ઘરમાં ઘૂસતા હોય તેવો અવાજ આવતો હતો. અમારી શેરીમાં પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી ત્યારે તેની નજર પડી કે આ લોકો લૂંટ કરવા આવ્યા છે. આથી પોલીસ દોડી આવી હતી અને ચારેય બાજુ પોલીસના જવાનો ગોઠવાય ગયા હતા. બાદમાં બે શખસે SOG પોલીસના એક જવાનનું ગળુ દબાવી રાખ્યું હતું અને તેને છોડતા નહોતો. આથી સ્વ-બચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. નહીંતર પોલીસનો જીવ જતો રહેત. હું નીચે ઉતર્યો ત્યારે 4 શખસને પકડીને રાખ્યા હતા, જ્યારે બે ભાગી ગયા હતા. માહોલ એવો હતો કે અમારી સોસાયટીના લોકો ગભરાય ગયા હતા

SOGના PSI ડી.બી. ખેર ઇજાગ્રસ્ત થયા (ફાઈલ તસવીર).
SOGના PSI ડી.બી. ખેર ઇજાગ્રસ્ત થયા (ફાઈલ તસવીર).

ધાડપાડુ ગેંગ જાંબુવાની હોવાનું ખૂલ્યું
પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, ધાડપાડુ ગેંગમાં 6થી 7 વ્યક્તિ હતી. આ ગેંગ મધ્યપ્રદેશના જાંબુવાથી આવી હતી. આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપીની ધરપકડ, 2 આરોપી સારવાર હેઠળ અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે. આરોપીઓ પાસે રહેલાં ગેરકાયદે 3 હથિયાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યાં છે. ગુનાને અંજામ આપતાં પહેલાં આ ગેંગે સીસીટીવી ઢાંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગ રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રેકી રહી હતી અને 10-15 જગ્યાએ લૂંટ કે ચોરી કરવાની ફિરાકમાં હતા. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

રિદ્ધિ સિદ્ધિ બંગલાના માલિક રાજેશભાઈ પટેલ.
રિદ્ધિ સિદ્ધિ બંગલાના માલિક રાજેશભાઈ પટેલ.

અગાઉ ભક્તિનગરમાં પણ ફાયરિંગની ઘટના બની હતી
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી અવારનવાર ફાયરિંગ થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે એકવાર ફરી ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે થોડા દિવસ અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 6 શખ્સની ધરપકડ કરી હતી.

એક શખ્સ ગ્રીલ પર ચડવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે પીએસઆઈ ખેરે કહ્યું હતું પોલીસ છું, સરેન્ડર કરી દો. જેથી લૂંટારુઓએ પથ્થરમારો શરૂ કર્યો અને ભાગવા લાગ્યા.
એક શખ્સ ગ્રીલ પર ચડવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે પીએસઆઈ ખેરે કહ્યું હતું પોલીસ છું, સરેન્ડર કરી દો. જેથી લૂંટારુઓએ પથ્થરમારો શરૂ કર્યો અને ભાગવા લાગ્યા.
એક લૂંટારૂએ પીએસઆઈનું ગળુ દબાવ્યું અને પીએસઆઈની કમરેથી બંદુક ખેંચવાનો પ્રયાસ કર્યો, અન્ય એક શખ્સ પીએસઆઈ સામે બંદુક તાકી અને છોડી દેવા કહ્યું.
એક લૂંટારૂએ પીએસઆઈનું ગળુ દબાવ્યું અને પીએસઆઈની કમરેથી બંદુક ખેંચવાનો પ્રયાસ કર્યો, અન્ય એક શખ્સ પીએસઆઈ સામે બંદુક તાકી અને છોડી દેવા કહ્યું.
પીએસઆઈને બચાવવા થોડે દૂર ઉભેલા એએસઆઈએ રવિ વાંકે સ્થિતિને પારખી જઈ તુરંત ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બે લૂંટારૂ ઘવાયા.
પીએસઆઈને બચાવવા થોડે દૂર ઉભેલા એએસઆઈએ રવિ વાંકે સ્થિતિને પારખી જઈ તુરંત ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બે લૂંટારૂ ઘવાયા.

એક લૂંટારુએ PSI ખેરનું ગળું દબાવ્યું અને બીજો ભડાકો કરવાની તૈયારીમાં હતો, ફાયરિંગ સિવાય વિકલ્પ નહોતો
પીએસઆઇ ખેરે પોતાની ઓળખ આપતા જ લૂંટારુઓએ પથ્થરમારો શરૂ કર્યો અને બંગલાની દીવાલ કૂદી ભાગવા લાગ્યા હતા, પીએસઆઇ ખેરે એક લૂંટારુને પકડ્યો તે શખ્સે ખેરનું ગળું દબાવ્યું અને તેમની રિવોલ્વર આંચકવાનો પ્રયાસ કરતો હતો, હું નજીકમાં હતો પીએસઆઇની મદદે પહોંચવા આગળ વધ્યો હતો તે વખતે જ બીજો લૂંટારુ આવ્યો હતો અને પીએસઆઇ સામે રિવોલ્વર તાકી હતી, હું થોડો દૂર હતો, મારી પાસે હવે કોઇ વિકલ્પ નહોતો, મેં મારી સર્વિસ રિવોલ્વર કાઢી હતી અને ફાયરિંગ કરતા બંને લૂંટારુ પડી ગયા હતા.- રવિભાઈ વાંક, એએસઆઈ

સ્થાનિકે ટિપ્સ આપી, બે દી’ પેલા લૂંટારુએ રેકી કરી, મેટોડાથી આવી સીધા જ બંગલામાં ઘુસ્યા
​​​​​​​એક ફિલ્મનો ડાયલોગ છેકે, પોલીસ ધારે તો મંદિરેથી ચપ્પલની પણ ચોરી ન થાય, આ વાત રાજકોટ પોલીસે પુરવાર કરી દીધી હતી, છ પરપ્રાંતીય પિસ્ટલ સાથે શહેરમાં આવ્યા છે અને મોટી લૂંટને અંજામ આપવાના છે, તેવી ભણક મળતા પોલીસે બાતમીદારને વિશ્વાસમાં લઇ ઓપરેશન શરૂ કર્યું હતું. પરપ્રાંતીય ગેંગને પકડવા માટે રાત્રીના 9.30 વાગ્યાથી દશ જેટલા પોલીસમેનની ટુકડી બંગલાની આસપાસ ગોઠવાઇ ગઇ હતી, લૂંટારુઓ તેમને ટિપ્સ આપનાર સ્થાનિક શખ્સના સંપર્કમાં હતા, રાજકોટ આવ્યા બાદ લૂંટારુઓ મેટોડા અને વડવાજડી રોકાયા હતા, રાત્રીના પરસાણા પરિવારના બંગલામાં ખાબકતા પૂર્વે નજીકમાં આવેલા રેલવે પાટા પાસે ગોઠવાઇ જવાનો લૂંટારુઓએ પ્લાન ઘડ્યો હતો, અને તેના સ્થાનિક સાગરીતને પણ લૂંટમાં સાથે લઇ જવાની યોજના થઇ હતી, બંગલામાં ઘૂસતા પૂર્વે એક કે બે લૂંટારુ બંગલા નજીક જઇ સ્થિતિને ચકાસશે અને ત્યારબાદ ગેંગના અન્ય લોકો મધરાતે આવીને લૂંટનું ઓપરેશન પાર પાડશે તેવી લૂંટારુઓએ યોજના કરી હતી. બંગલાથી સો મીટર દૂર પોલીસના દશ સભ્ય ગોઠવાયા હતા, વોચમાં રહેલી પોલીસને લૂંટારુઓ અંદર ઘૂસે ત્યારે સંકેત મળવાનો હતો પરંતુ મોડીરાત થવા છતાં લૂંટારુઓ દેખાયા નહોતા, અને કંઇક ગડબડ થયાનું પોલીસને લાગતાં જ પોલીસની એક ટીમ બંગલા નજીક જતા જ એક લૂંટારુ ગ્રીલ કૂદતો દેખાયો હતો અને તે સાથે જ પોલીસનું ઓપરેશન શરૂ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...