રાજકોટના વોર્ડ નં.15ના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ આમ આદમી પાર્ટીમાં જોડાતા મુશ્કેલી વધી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ બંને સામે નોટિસ ઇસ્યુ કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, વશરામભાઈ અને કોમલબેન તમે બંને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઇને કોર્પોરેટર બન્યા છો. હવે આપમાં જોડાતા કોર્પોરેટરના પદ પરથી રાજીનામું આપી આપમાંથી ચૂંટણી લડો. બાકી ડિસક્લોલિફાઇડ કરવામાં આવશે.
પક્ષના ચિન્હનો અનાદર કર્યો છે
નોટિસમાં વધારેમાં જણાવ્યું છે કે, તમોએ રાજકોટ મનપાની સામાન્ય ચૂંટણી વર્ષ 2021માં વોર્ડ નં. 15માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચૂંટણીપંચને આપવાનું થતું ફોર્મ ક અને ખ આપ્યું હતું. આથી તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચિન્હ ‘હાથ’ (પંજો) ફાળવવામાં આવ્યો હતો. આથી તમો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. ત્યારબાદ તમો 14 એપ્રિલના રોજ પક્ષના ચિન્હનો અનાદર કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છો તેવા સમાચારો આપના ફોટા સહિત ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયામાં જાહેર થયા હતા.
બે દિવસમાં રાજીનામું આપવા અલ્ટિમેટમ
નોટિસમાં વધુમાં જણાવ્યું છે કે, જ્યારે તમો કોંગ્રેસ પક્ષના નિશાન ‘હાથ’ (પંજો) પર ચૂંટણી લડ્યા હોય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે તમારા ચૂંટાયેલા પદ ઉપરથી રાજકોટ મનપાના કમિશનરને કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપ્યા વિના તમોએ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છો. આથી તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચિન્હનો અને ચૂંટણી અધિકારીને આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કર્યો છે. તેમજ ભારતીય ચૂંટણીપંચના કાયદાઓનો ભંગ કર્યો હોવાનું આ નોટિસથી જણાવવામાં આવ્યું છે. આ નોટિસ મળ્યાના બે દિવસમાં કોર્પોરેટરપદેથી તાત્કાલિક રાજીનામું મનપા કમિશનરને આપી દેવું. અન્યથા તમોની સામે પક્ષાંતર વિરોધી ધારા મુજબ તેમજ કાયદાઓની અન્ય જોગવાઇઓ અને નિયમો અનુસાર કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે.
આપમાંથી કાઢી મૂકેલા કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે
પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલે જણાવ્યું હતું કે, છેલ્લા થોડાક દિવસોમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ કોર્પોરેશનના ચાલુ કોર્પોરેટર વશરામ સાગઠિયા, કોર્પોરેટર કોમલબેન ભારાઈ, માળિયા તાલુકા પંચાયત કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા પિયુષ પરમાર અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મુકેશ રાજપરાનો સમાવેશ થાય છે. કેટલાય કોંગ્રેસી આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાય જતા હતપ્રભ થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા અફવાઓ ફેલાવવાનું ચાલું કર્યું છે. કોંગ્રેસ પાર્ટીની લાચારી તેમજ મજબૂરીની પરાકાષ્ઠા જુઓ કે, કોઈ સારા વ્યક્તિ પાર્ટીમાં જોડાવા તૈયાર નથી. એટલે આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલા લોકોને કોંગ્રેસમાં જોડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.