તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતુરતા:વિઘ્નહર્તાને આવકારવા રાજકોટિયન્સની તડામાર તૈયારી, કારીગરો મૂર્તિ બનાવવા રોજ 20-20 કલાક કામ કરે છે, માટીના ગણપતિનો ક્રેઝ, 20થી 25%નો ભાવવધારો

રાજકોટ16 દિવસ પહેલા
ગણપતિની મૂર્તિ બનાવવામાં રાત-દિવસ કામે લાગ્યા કારીગરો.
  • 1 ફૂટથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે
  • એક મૂર્તિની કિંમત 500થી લઈ 20,000 સુધીની

રંગીલા રાજકોટની ઉત્સવ પ્રિય જનતા સાતમ-આઠમના પર્વની ભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કર્યા બાદ હવે ગણેશ ઉત્સવને ઊજવવાની તડામાર તૈયારીમાં લાગી ગઈ છે. ગણેશ મહોત્સવને શરૂ થવામાં આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વિવિધ પ્રકારના અલગ અલગ કદની અને આકર્ષક રંગોથી રંગેલી ગણેશજીની મૂર્તિઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ગણેશજીના ભક્તોમાં પણ મૂર્તિઓની ખરીદવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી બેરોજગાર બનેલા કારીગરો પણ છેલ્લા એક અઠવાડિયાથી રોજ 20-20 કલાક કામ કરી રહ્યા છે. આ વર્ષે માટીના ગણપતિનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.

એક સપ્તાહથી મૂર્તિની ખરીદી અને એડવાન્સ બુકિંગ
રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી બાદ ગણેશ ઉત્સવ ઊજવવા માટે નિયમોને આધીન મંજૂરી આપતાં એનું આયોજન કરતા આયોજકો અને મૂર્તિકારોના ચહેરા પર ખુશી જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે મહત્તમ 4 ફૂટ સુધીની મૂર્તિ માટે છૂટ આપતાં કારીગરો દ્વારા 1 ફૂટથી લઇ 4 ફૂટ સુધી અલગ અલગ મૂર્તિ તૈયાર કરી રહ્યા છે. એમાં છેલ્લા એક સપ્તાહથી મૂર્તિની ખરીદી અને એડવાન્સ બુકિંગ થતાં જોવા મળી રહ્યાં છે. એમાં પણ મોટે ભાગે ઇકોફ્રેન્ડલી એટલે કે માટીના ગણેશ ભગવાનની મૂર્તિનો ક્રેઝ રાજકોટમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે.

1થી 4 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિ બનાવવામાં આવી.
1થી 4 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિ બનાવવામાં આવી.

સરકારની છૂટ મળતાં જ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક જગન્નનાથ મંડપ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી અલગ અલગ મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. એમાં પણ ખાસ ગણેશ મહોત્સવ દરમિયાન એડવાન્સ બુકિંગ સાથે ઓર્ડર મુજબ ઉપરાંત અલગ અલગ સ્વરૂપમાં ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હોય છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ગણેશ મહોત્સવને જાહેરમાં ઊજવવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ આ વર્ષે 4 ફૂટ સુધી મૂર્તિ સાથે ઉત્સવ મનાવવા છૂટ આપતાંની સાથે જ કારીગરોએ મૂર્તિ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

એક અઠવાડિયાથી મૂર્તિ બનાવવામાં કારીગરો તનતોડ મહેનત કરી રહ્યા છે.
એક અઠવાડિયાથી મૂર્તિ બનાવવામાં કારીગરો તનતોડ મહેનત કરી રહ્યા છે.

એક સપ્તાહની અંદર લોકોમાં મૂર્તિની ખરીદીનું પ્રમાણ વધ્યું
જગન્નનાથ મંડપના માલિક શંભુનાથ બેહરાએ જણાવ્યું હતું કે આ વર્ષે સરકારે મંજૂરી આપ્યા બાદ 1 ફૂટથી લઇ 4 ફૂટ સુધી અલગ અલગ મૂર્તિ બનાવવામાં આવી છે. 30 જેટલી 4 ફૂટની અને 1થી 3 ફૂટની 200 જેટલી મૂર્તિનું બુકિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહની અંદર લોકોમાં મૂર્તિ ખરીદીનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે આજે માણસો 20-20 કલાક સતત કામ કરી ઓર્ડર મુજબ ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરી રહ્યા છે.

જગન્નનાથ મંડપના માલિક શંભુનાથ બેહરા.
જગન્નનાથ મંડપના માલિક શંભુનાથ બેહરા.

લોકોમાં માટીના ગણપતિની માગ વધી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અલગ અલગ ઓર્ડર મુજબ મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ સાથોસાથ માટીના ગણેશની મૂર્તિની ડિમાન્ડ ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ એ છે કે માટીના ગણેશનું વિસર્જન લોકો પોતાના ઘરઆંગણે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મૂર્તિના ભાવમાં 20થી 25 ટકા જેટલો વધારો થતાં બજારમાં 500થી લઇ 20,000 સુધીની કિંમતની મૂર્તિ જોવા મળી રહી છે.

આ વર્ષે માટીની મૂર્તિની વધારે માગ.
આ વર્ષે માટીની મૂર્તિની વધારે માગ.

રાજકોટમાં નાનાં-મોટાં 300 આયોજનો થશે
ગત વર્ષે કોરોનની મહામારીને કારણે ગણેશ મહોત્સવની ઉજવણી થઇ શકી ન હતી, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાં રાજકોટમાં નાનાં-મોટાં 300 જેટલાં આયોજનો થવાનાં છે અને આ ઉપરાંત ઘર-સોસાયટીમાં ગણેશજીની મૂર્તિ લાવી સ્થાપન કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે એ અલગ માનવામાં આવે છે. આ માટે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આયોજકો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પ્રકારના નિયમોનું પાલન થાય એ પ્રકારે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.