તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:રાજકોટિયન્સ હિંમત ન હાર્યા, પડકાર ઝીલ્યો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દર વર્ષની જેમ 2020નો આરંભ રાજકોટમાં પણ ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓ સાથે થયો હતો. માર્ચ મહિનામાં રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ દેશમાં લોકડાઉન જાહેર થયું. તેમજ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાનો પીક આવ્યો. 2020ના અંત સુધીમાં રાજકોટ સહિત ગુજરાતમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ એક બીમારીએ આખા વર્ષ દરમિયાન સમાજ, અર્થતંત્રનું ચિત્ર ધરમૂળથી બદલી નાખ્યું. લાખો પરિવાર તબાહ થયા, હજારો લોકો નોકરી-રોજગાર વિહોણા થયા છતાં પણ 2020નું આ વસમુ વરસ માનવજાતને હચમચાવી. આમ છતાં અનેક લોકોએ કપરા સમયમાં પડકાર ઝીલીને અડગ રહ્યા.

મનપાના એસડબ્લ્યુએમમાં 5050 કર્મચારી, 127 કોરોનાની ઝપટે ચડ્યા, 3નાં મોત થયા છતાં એક દિવસ પણ કામ બંધ નથી રહ્યું

 • મનપાએ ઘરે-ઘરે જઈને ચાર વખત કર્યો સરવે : લોકડાઉન હોય કે કર્ફ્યૂ સફાઇ કર્મચારીઓ પોતાની ફરજ ક્યારેય ચૂકતા નથી

જે કામગીરીમાં મોટાભાગના લોકોને સૂગ ચડતી હોય છે તે કામગીરી સફાઇ કામદારો નિષ્ઠાથી કરી રહ્યા છે. કર્ફ્યૂ હોય કે લોકડાઉન છતાં શહેરના મુખ્યમાર્ગ હોય કે શેરીઓ તમામ જગ્યાએ નિયમિત સફાઇ થતી, ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડી નિયમિત જ આવી છે. આ કામગીરી દરમિયાન 127 સફાઇ કામદાર સહિતના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ પોઝિટિવ થયા છે અને ત્રણનાં મોત થયા છે.

માર્ચ માસમાં રાજકોટ શહેરના જંગલેશ્વરમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારથી લઇ આજ સુધી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સતત દોડી રહી છે. કોરોનાની કામગીરીમાં સૌથી વધુ આરોગ્ય વિભાગ અને બીજા નંબર પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્લ્યુએમ) વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી અને હંગામી મળી કુલ 5050 આસપાસ કર્મચારીઓ છે. જેમાંથી 90 ટકા કર્મચારીઓ સફાઇ કામદાર છે. જંગલેશ્વર વિસ્તારમાં એક બાદ એક અનેક કેસ આવ્યા અને ત્યાર બાદ હવે સમગ્ર શહેરમાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જે ઘરમાં પોઝિટિવ કેસ આવ્યા હોય તે વિસ્તાર કે શેરીમાં સફાઇ કામગીરી કરવા માટે સફાઇ કામદારો કોઇ ડર વગર જઇ રહ્યા છે.

આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો લેવા જતી ટિપરવાન પણ પોઝિટિવ પરિવારના ઘરમાંથી કચરો એકત્ર કરે છે. આ કામગીરી દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 127 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે અને તેમાંથી ત્રણ સફાઇ કામદારનાં કોરોનાથી મોત થયા છે, જ્યારે એક સફાઇ કામદાર પોઝિટિવ હતા ત્યારે મોત થયું છે, પરંતુ સિવિલ હોસ્પિટલે અન્ય કારણથી મોત થયાનું જાહેર કર્યું છે. જેમાં વોર્ડ નં.5ના સફાઇ કામદાર દેવુબેન તથા કમલેશભાઇનું મોત થયું છે, જ્યારે વોર્ડ નં.2-બમાં ફરજ બજાવતા તુલસીભાઇ વસંતભાઇનું કોરોનાથી મોત થયું છે.

ડોર ટુ ડોર સરવે
ડોર ટુ ડોર સરવે

અમારી કામગીરી માત્ર 48 કલાક બંધ રહે તો લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બને
કોરોના હોય કે વરસાદ, ઠંડી હોય કે ગરમી કોઇ પણ સમય હોય અમારા વિભાગના સફાઇ કામદાર પોતાની કામગીરી માત્ર 48 કલાક બંધ રાખે તો શહેરીજનોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બને. કોરોનાના કપરા સમયમાં પણ સફાઇ કામદારોએ પોતાની ફરજ બજાવી છે. જે ઘર કે વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં સફાઇ કામદારો પોતાની ફરજ બજાવે છે.

કોરોના સામે લડવા લોકોને હિંમત આપી પોતે પણ લડ્યા ને અંતે હાર્યા

 • હિંમત : સોનીબજારમાં ભારદ્વાજે સેનિટાઇઝરની કામગીરી કરી હતી

કોરોનાથી રાજકોટે રાજ્યસભાના સાંસદ ગુમાવ્યા છે. લાંબી સારવાર બાદ પણ અભયભાઇ ભારદ્વાજને ડોક્ટર્સ બચાવી શક્યા નથી. કોરોના સંક્રમણ રાજકોટ શહેરના સોનીબજાર વિસ્તારમાં વધ્યું ત્યારે અભયભાઇ આ વિસ્તારની મુલાકાતે ગયા હતા અને એક શો-રૂમમાં સેનિટાઇઝરનો પંપ ખભે ઊંચકી શો-રૂમ સેનિટાઇઝ કર્યો હતો. રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યકાળ શરૂ થયાના થોડા જ દિવસોમાં અભયભાઇ ભારદ્વાજને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 30 ઓગસ્ટના સાંસદ ભારદ્વાજને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવારના 10 દિવસ બાદ ભારદ્વાજની તબિયત ખરાબ થવા લાગી હતી. જેના પગલે સિવિલમાં ખાસ રૂમ ફાળવવામાં આવ્યો હતો.

સોનીબજારમાં અભયભાઇ ભારદ્વાજની સેનિટાઇઝર કામગીરી
સોનીબજારમાં અભયભાઇ ભારદ્વાજની સેનિટાઇઝર કામગીરી

આ રૂમમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સને ખડેપગે રાખ્યા હતા અને ફેફસાંના નિષ્ણાત ડોક્ટર્સને રાજકોટ બોલાવાયા હતા. જેમણે એક માસ સુધી સારવાર કરી બાદમાં અભયભાઇને એક્મો સહિતની સારવાર શરૂ કરી હતી. ત્યારબાદ તેમને ચેન્નઇ લઈ જવાયા હતા. જ્યાં ચેન્નઇના નિષ્ણાત ડોક્ટર્સે પણ સારવાર કરી પરંતુ સફળતા ન મળી અને અભયભાઇનું ચેન્નઇમાં નિધન થયું હતું. કોરોનાથી રાજકોટે એક સારા વકીલ અને સાંસદ ગુમાવ્યા છે.

87 વર્ષના વૃદ્ધે 7 દિવસમાં જ કોરોનાને હરાવી નર્સને કહ્યું ‘ઘરે જઈ ગરમ જમીશ’

 • હિંમત : 4 પેઢી જોતા નાથાદાદા પ્રપૌત્રના પુત્ર સાથે રમે છે

રાજકોટમાં રહેતા નાથાભાઈ રાઠોડ કે જેમને 87 વર્ષની ઉંમરે કોરોનાને માત્ર 7 જ દિવસમાં હરાવ્યો છે. સારવાર દરમિયાન નાથાભાઇ રાઠોડ ખોરાક લઈ નહોતા શકતા તો નર્સે નાથાભાઈને કહ્યું કે, જમશો નહિ તો હલનચલન નહિ કરી શકો. જેના જવાબમાં નાથાભાઇ રાઠોડે કહ્યું કે, તેઓ ઘરે જઈને ગરમ જમશે. કોરોનામાંથી સાજા થયાના 3 મહિના બાદ નાથાભાઇ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને 4 પેઢી એટલે કે પ્રપૌત્રના પુત્ર સાથે આજે પણ રમે છે. જામરના ઓપરેશન દરમિયાન 1999માં જમણી આંખ ગુમાવી દીધી છે અને ડાબી આંખ પણ માત્ર 50 ટકા જ કામ કરે છે. આમ છતાં મનોબળ મજબૂત ધરાવે છે.

નાથાદાદા પ્રપૌત્રના પુત્ર સાથે
નાથાદાદા પ્રપૌત્રના પુત્ર સાથે

નાથાભાઇ રાઠોડ જણાવે છે કે, 3 મહિના પહેલા તેઓને અચાનક શરદી, ઉધરસ થયા અને તાવ આવ્યા બાદ તેમને નબળાઈ લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મને કહ્યું હતું કે દાદા ડરવાની જરૂર નથી તમે સાજા થઈ જશો. તમને ડાયાબિટીસ છે જેના જવાબમાં મેં કહ્યું કે જરા પણ ડર લાગતો નથી અને જો મને ડાયાબિટીસ હોઈ તો મને ખાંડ વગરનો ચા આપજો.

ઉદ્યોગકારોએ 10 દિવસમાં એન 95 માસ્ક, પીપીઈ કિટ બનાવવાના મશીન બનાવ્યા

 • પડકાર : ચીનથી 4 મહિને મશીન મળતું હતું, ઉદ્યોગકારો કહે છે કે, લોકોને મદદરૂપ બની શક્યા એ જીવનભરનો પ્રોફિટ છે

​​​​​​​કોરોનાને કારણે 3 મહિનાનું લોકડાઉન આવ્યું. આ સમયમાં ઉદ્યોગ વ્યવસાય બંધ રહ્યા, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ રાજકોટના ઉદ્યોગકારો હાર ન માની. કોઈએ ઘરે બેસીને તો કોઈએ ફેક્ટરીમાં ઇનહાઉસ લેબોરેટરીમાં એન 95 માસ્ક બનાવવાના મશીન, પીપીઈ કિટ બની શકે એવા સીમસીલિંગ મશીનની ડિઝાઇન બનાવી અને પોતાની પાસે રહેલા અને દિલ્હી, મુંબઈ જેવા રાજ્યોમાંથી રોમટિરિયલ્સ, સાધનોની મદદથી 10 દિવસમાં મશીન બનાવ્યા. આ માટે દિવસ રાત એક કર્યા પરિણામ એ આવ્યું કે જે મશીનના રૂપિયા 25 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા ચૂકવીને આપણને 4 મહિના બાદ મળતા હતા એ સરળતાથી મળવા લાગ્યા.

પીપીઈ કિટ બનાવવાના મશીન
પીપીઈ કિટ બનાવવાના મશીન

એટલું જ નહીં આ મશીનની મદદથી એન 95 માસ્ક, પીપીઇ કિટ બની. જેને કારણે ભારત દેશની સાથે દુનિયાભરની જરૂરિયાત પૂરી થઈ. રાજકોટમાં પીપીઈ કિટ માટે સીમસીલિંગ મશીન બનાવનાર યુવા ઉદ્યોગપતિ રૂપેશભાઈ મહેતા જણાવે છે કે, અમારા સુધી વાત પહોંચી કે પીપીઈ કિટ સરખી રીતે લોક નહિ થવાથી ડોક્ટરને કોરોના થવાની સંભાવના વધી જાય છે. માસ્કના કાળાબજાર થવાથી સામાન્ય વ્યક્તિને એક માસ્કના રૂપિયા 300 ચૂકવવા પડી રહ્યા છે, તો તુરંત જ તેના પર કામ શરૂ કરી દીધું અને એક પછી એક એમ બે મશીન બનાવ્યા. જેનો ફાયદો એ થયો કે માસ્ક હવે 10 થી 20 રૂપિયામાં મળવા લાગ્યું. આ સિવાય એક મશીનની મદદથી આરામથી 50 હજાર માસ્ક બનવા લાગ્યા.

મનોવિજ્ઞાન ભવનના એક્સપર્ટે 1800 લોકોની કાઉન્સેલિંગથી જિંદગી બદલી

 • સધિયારો : કોઈને નોકરી ગુમાવવાની ચિંતા હતી

त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव॥ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે આખા સમાજને છિન્નભિન્ન કરી નાખ્યો છે. કોરોના મહામારી દરમિયાન અનેક લોકો માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. કોઈને નોકરી જતી રહેવાનો ડર તો કોઈને ધંધા ઠપ થઈ જવાના ડર સતાવી રહ્યા હતા. કોઈ મહિલાને ઘરના સભ્યોનું ભરણપોષણનો તો કોઈને બાળકોની અભ્યાસની ચિંતા સતાવી રહી હતી. લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં અનેક લોકોની સમસ્યાઓનું સમાધાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈને કર્યું છે. અનેક લોકોને આત્મહત્યા કરવાથી બચાવ્યા છે, તો અનેક લોકોને ડિપ્રેશનમાંથી બહાર લાવીને ફરી પોતાના ધંધા વ્યવસાયમાં જોડ્યા છે.

કોરોના મહામારી દરમિયાન જે લોકો માનસિક રીતે ભાંગી પડેલા હતા, ખૂબ ડિપ્રેશનમાં હતા તેવા લોકોને મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈને નવી જિંદગી આપી છે. કોરોનાકાળમાં મનોવિજ્ઞાન ભવનના એક્સપર્ટે 1800થી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી જિંદગી બદલી નાખી છે.

કોરોનાથી બધા મરી જઇશું, 8 વર્ષનું બાળક એક જ રટણ કરતું
ત્રીજા ધોરણમાં ભણતું આઠ વર્ષનું બાળક એક જ રટણ કરતું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કોરોનાને કારણે મરી ગયો એટલે આપણે પણ બધા કોરોનાને કારણે મરી જઇશું. અમે તેને મનોવિજ્ઞાન ભવનમાં લઈ ગયા. ત્યાંના હેડ અને અધ્યાપકોએ કાઉન્સેલિંગ કરી બાળકને સમજાવ્યું જેથી હવે બાળક માનસિક રીતે એકદમ સ્વસ્થ છે. > ક્રિના માંડવિયા, બાળકની માતા.

લોકડાઉનમાં પતિની નોકરી અને ઘર કેમ ચલાવવું સતત ચિંતા રહેતી
કોરોના મહામારી દરમિયાન પતિની નોકરીની સતત ચિંતા રહેતી હતી કે નોકરી ગુમાવી દઇશું તો ઘર કેમ ચલાવવું. એ બાબતને લઈને હતાશા થઇ ગઈ હતી ત્યારે મેં મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઇનમાં ફોન કરેલો હતો ત્યાંથી મને કોરોના માત્ર મર્યાદિત સમય માટે છે ત્યારબાદ બધું જ સારું થઈ જશે. અને અત્યારે બધું જ નોર્મલ થઈ ગયું છે. > હેતલબેન મહેતા, ગૃહિણી

257 પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત બન્યા, એક હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું

 • ફરજ : પોલીસ જવાનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ખડેપગે રહ્યા

​​​​​​​​​​​​​​રાજકોટ સહિત દેશમાં લોકડાઉન જાહેર થયું ત્યારે પોલીસ માટે લોકોની સુરક્ષા અને શહેરીજનો વિના કારણે બહાર ન નીકળે અને કોરોનાનો ભોગ ન બને તે માટે સૌથી મોટી જવાબદારી હતી. આ ઉપરાંત દિવસ-રાત સતત ફરજને કારણે થાક તો હતો સાથે કોરોનાનો ડર પણ હતો છતાં પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. કોરોનાકાળમાં પોલીસે કરેલી કામગીરી શહેરીજનો ક્યારેય ભૂલી નહીં શકે, સતત કડકાઇમાં જીવતા પોલીસ કર્મીઓએ શહેરીજનોના જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મુક્યો હતો, શહેર પોલીસબેડાના 257 પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમાં એક હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ પણ થયું હતું.

પ્રદ્યુમ્નસિંહ ગોહિલ
પ્રદ્યુમ્નસિંહ ગોહિલ

શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી શહેર પોલીસ સક્રિય બની હતી અને કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે સતત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમજ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા માટે સમજાવતી હતી, જરૂર પડ્યે પોતાની સ્ટાઇલનો પણ ઉપયોગ કરતી હતી. સૌ પ્રથમ જંગલેશ્વર કન્ટેઇનમેન્ટ ઝોન બન્યું હતું, જંગલેશ્વર વિસ્તારમાં લોકોને જવા પર પ્રતિબંધ હતો, જંગલેશ્વરમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળી શકતું નહોતું આ સમયે શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં ત્યાં તૈનાત હતા. ત્યારબાદ શહેરમાં કોરોનાએ મોં ફાંડ્યું હતું અને દરરોજ મોટી સંખ્યામાં કેસ વધતા હતા, મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો હતો. લોકડાઉનમાં લોકો ઘરમાં પૂરાયા હતા ત્યારે પોલીસજવાનો પોતાના અને તેમના પરિવારજનોને બાજુ પર મૂકી લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

લોકડાઉનમાં અનેક પછાત વિસ્તારોમાં લોકોને ભોજનના સાંસા પડ્યા હતા ત્યારે પોલીસની માનવતા મહેંકી ઊઠી હતી અને રાશનકિટ પણ પહોચાડ્યું હતું. સતત નવ મહિનાની કામગીરીમાં શહેર પોલીસબેડાના જવાનો કોરોનાગ્રસ્ત થવા લાગ્યા હતા, એ વખતે પણ પોલીસ જવાનો પોતાની ફરજથી દૂર રહ્યા નહોતા. નવ મહિનામાં 5 એસીપી, 3 પીઆઇ, 18 પીએસઆઇ, 25 એએસઆઇ, 43 હેડ કોન્સ્ટેબલ, 145 કોન્સ્ટેબલ અને ટ્રાફિક વોર્ડન તથા હોમગાર્ડ સહિત 257 જવાનો કોરોનાગ્રસ્ત થયા હતા, જેમાં પોલીસ કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ ગોહિલનું અવસાન થયું હતું.

એક હજારની અંતિમવિધિ કરી, છાનેખૂણે રડી લેતો’’તો​​​​​​​

 • ફરજનિષ્ઠા : એસઆઇની આપવીતી

સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર એસઆઇ તરીકે નોકરી પર રહ્યો ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એવી આપત્તિ આવવાની છે તેમ કલ્પેશ મુકેશભાઈ નારણિયાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો અને ત્યારબાદ તો સ્થિતિ બેકાબૂ બની ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તો કોવિડ હોસ્પિટલમાં દરરોજ 17 -18 મોત થતા હતા, લાશની અંતિમવિધિની જવાબદારી મારા શિરે આવી હતી. વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ થાય એટલે ડેથ કન્ટ્રોલરૂમ એ સંદેશો અમને પહોંચાડે એટલે લાશને સેનિટાઇઝ કરી યોગ્ય રીતે પેક કરાવવાની હતી.

મૃતદેહને કવર કરાવ્યા બાદ એમ્બ્યુલન્સમાં એ મૃતદેહને મૂકીને સ્મશાને લઇ જતા હતા, આ સમય ગાળા સુધી હું એકાદ હજાર મૃતદેહને સ્મશાને લઇ ગયો હઇશ, આખો દિવસ બસ એક જ કામ મૃતદેહને સ્મશાને લઇ જઇ તેની અંતિમવિધિ કરાવવી, તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફની આંખમાં આંસુ હતા, મેં મારી જાતને રોકી રાખી હતી, પરંતુ અંતિમવિધિ કરાવ્યા બાદ હું છાનેખૂણે રડી લેતો હતો. આવું અનેક વખત બનતું, જો અમે રડવા લાગી તો મૃતકના પરિવારજનો માનસિક રીતે ભાંગી પડે આવા સંજોગોમાં તેમને સાંત્વના આપી અમે તેમની સામે મજબૂત રહેતા હતા.

ડાકોરા જંગલેશ્વરમાં ખડેપગે રહ્યા અંતે કોરોના સામે હાર્યા

 • ​​​​​​​સેવા : લોકો માટે પોતાની જિંદગી આપી ગયા​​​​​​​​​​​​​​

રાજકોટનો સૌથી પહેલો કોરોનાનો કેસ જંગલેશ્વરમાં આવ્યો હતો. વિસ્તારના કોર્પોરેટર હારૂન ડાકોરા સહિતના આગેવાનો તંત્રની સાથે રહ્યા અને લોકોને સમજાવવાથી માંડીને વ્યવસ્થાઓ સંભાળી હતી. રાત દિવસ વિસ્તારમાં ફરતા હતા આખરે બે મહિના બાદ કોરોનાના કેસ ઘટવા લાગ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો ત્યાં કોર્પોરેટર હારૂન ડાકોરા કોરોનાગ્રસ્ત થયા અને જ્યારે જંગલેશ્વર કોરોનામુક્ત થતા વિસ્તાર ખોલવાનો આનંદ હતો તે વખતે જ તેમનું કોરોનાને કારણે મોત થયું. હારૂન ડાકોરા કોર્પોરેટર હોવાથી લોકો સાથે સીધા સંપર્કમાં હતા.

શાકભાજીથી માંડીને હોસ્પિટલ મોકલવા સુધીની ફરિયાદ માટે લોકો તેમની પાસે જતા હતા પોલીસ સાથે પણ તેઓ બંદોબસ્તમાં મદદ કરતા હતા. જ્યારે કોરોનાના કેસ ઘટ્યા ત્યારે જંગલેશ્વરમાં નવી સવાર થઇ હોય તેમ બધા કામ ધંધે વળગ્યા હતા. ત્રણ પુત્રમાંથી એક પુત્રના લગ્ન માટે તૈયારી શરૂ કરી ત્યાં હારૂનભાઈ પોઝિટિવ આવ્યા. તેમના બહેન નઝમાબેન સારવાર હેઠળ હતા જેમનું કોરોના સબબ મોત થયું અને તેના 15 દિવસ પછી જ હારૂનભાઈએ તા. 21-9ના દિવસે આખરી શ્વાસ લીધા.

કોરોના થતા આપઘાત કરવો હતો, ફોન કર્યો’ને જિંદગી બચી

 • ભાસ્કર વિશેષ : પીએચડી કરેલા રિસર્ચ

​​​​​​​​​​​​​​મનોચિકિત્સક ડો.જીગર જાનીએ એક યુવકને આપઘાત કરવાના વિચારમાંથી બચાવીને નવેસરથી જીવન જીવતા કર્યો છે. ડો. જયમીન જાદવ નામના આ યુવા વૈજ્ઞાનિક જણાવે છે કે, ‘હું જૂલાઈ મહિનામાં પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરે હોમ આઈસોલેશનમાં રહેવાનું કીધું એટલે ઘરમાં કેદ થઈ ગયો. થોડા દિવસો પછી તબિયત વધુ બગડી, સતત કોરોનાના વિચાર તેમજ તેના લીધે પરિવારને પડતી સમસ્યાથી હું ઘેરાઈ ગયો હતો. રાત્રે ઊંઘ આવતી ન હતી અને સતત વિચારો આવતા હતા.

એક રાત્રે વિચાર આવ્યો કે બધા સૂઈ જાય એટલે ઘર છોડીને ભાગી જાઉ અને પછી દુનિયાથી જ દૂર થઈ જાઉ. આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું અને છેલ્લી ઘડીએ વિચાર આવ્યો કે એકવખત જીગર (મનોચિકિત્સક)ને ફોન કરું. તેમણે મારી સાથે બધી વાત કરી મારા શોખ પૂછ્યા વ્યક્તિત્વ પૂછ્યું અને છેવટે એક જ વાક્ય કહ્યું કે, કોલેજમાં તું કેવો એક્ટિવ અને હસમુખો હતો.’ આ વાક્યથી મનમાં હળવાશ થઈ અને તેમણે કહ્યું કે, રૂમમાં એવી રીતે રહેવાનું કે જાણે વેકેશન કરવા દુનિયાના છેડે આવી પહોંચ્યા છીએ. બસ એ રાતે આપઘાત કરવાનો વિચાર માંડી વાળ્યો પછી તો હળવાશથી રૂમમાં રહ્યો.

સિવિલમાં 381ને કોરોના થયો, સ્વસ્થ થઈ ફરજ પર હાજર

 • બમણી સેવા : 26 તબીબ કરે છે પ્લાઝમા ડોનેટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા દરમિયાન ઘણા કોરોના વોરિયર કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને ફરીથી સેવામાં જોડાઈ ગયા છે. આ પૈકી 27 લોકો એવા છે જે પ્લાઝમા પણ ડોનેટ કરીને ગરીબ દર્દીઓની બમણી સેવા કરી રહ્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 381 કર્મચારીને કોવિડ લાગુ થઈ ચૂક્યો છે જો કે સદનસીબે એકપણનો જીવ ગયો નથી અને બધા રિકવર થઈ ચૂક્યા છે અને ફરજ નિભાવી રહ્યા છે.

આ પોઝિટિવ કોરોના વોરિયર પૈકી એક સ્ટાફ નર્સ તેમજ 26 તબીબ સહિતના 27 કોરોના વોરિયર સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરે છે. દર્દીઓની સારવાર ઉપરાંત પ્લાઝમા આપીને તબીબોએ બમણી સેવા પૂરી પાડી છે. જેના પર કોરોના વોર્ડની તમામ જવાબદારી છે તે મેડિસીન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અનેક વખત નોડલ ઓફિસરની ફરજ નિભાવનારા ડો. મહેશ રાઠોડ નિયમિત પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો