કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અસરકારકતા ઓછી કરવામાં ધરાતલના કર્મચારીઓનું મહત્તમ અને અતુલ્ય યોગદાન રહ્યું છે. રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાએ ઉત્તમ રીતે સાબિત કરી બતાવ્યું છે. અસ્મિતાબેન 6 માસની દીકરીને હૈયે વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. અસ્મિતાબેને આજે લોધિડા ગામમાં સાતમી મુલાકાતની સમજાવટ બાદ રસી મુકાવવા સંમત થયેલા વૃદ્ધાને રસી આપી હતી.
6 માસની દીકરીના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે
રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીડા સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયા કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે. તેમને સંતાનમાં 6 મહિનાની દીકરી છે, જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે. પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે.
દીકરીની સુરક્ષાની તમામ સંભાળ સાથે અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે
માત્ર છ જ મહિનાની દીકરીની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે. લોધિડા ગામના એક વૃદ્ધા કોરોનાવિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધિડાના આરોગ્યકર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃદ્ધાને સમજાવવાની કોશિશ કરી. અંતે. સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો.એમ.એસ. અલીની સમજાવટ રંગ લાવી અને માજી રસી મુકાવવા તૈયાર થયાં. આ માજીને અસ્મિતાબેને રસી આપી અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. અસ્મિતાબેન જેવા આરોગ્યકર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.