સફળ ઓપરેશન:અમદાવાદની કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 9 કલાકના ઓપરેશન બાદ રાજકોટની મહિલાના ગળાની 2.5 કિલોની ગાંઠ દુર થઈ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંઠ પહેલા અને ઓપરેશન બાદ ગાંઠ દૂર થયાની તસવીર - Divya Bhaskar
ગાંઠ પહેલા અને ઓપરેશન બાદ ગાંઠ દૂર થયાની તસવીર
  • આટલી મોટી ગાંઠ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી: ડો. પ્રિયાંક રાઠોડ
  • ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ.5 લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે થયુ

અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ 9 કલાકની ભારે જહેમત બાદ રાજકોટની મહિલાની ગળા પરથી 2.5 કિલોની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું.

રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ
આ કેસની ગંભીરતા અંગે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેકના સર્જન ડો.પ્રિયાંક રાઠોડે જણાવ્યું હતું કે, આ કેસમાં દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતુ અને જો ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જોખમ રહેલું હતું. દર્દીના ગળાની ડાબી બાજુએ અંદાજે 2.5 કિલોની ગાંઠ હતી. આ ગાંઠ દૂર કરીએ તો રિકન્સ્ટ્રક્શન માટે આટલી ચામડી લાવવી કઈ રીતે તે પણ એક પ્રશ્ન હતો. પણ પ્લાસ્ટિક સર્જરી ટીમે તે કાર્ય ઉત્કૃષ્ટ રીતે કર્યું.

તબીબોની મહેનત રંગ લાવી
તબીબોની મહેનત રંગ લાવી

આટલી મોટી ગાંઠ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર્દીના ગળાની ડાબી બાજુએ 19 X 15 X12 સેન્ટીમીટરની આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી. વળી, ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી અમે સુપ્રા મેજર સર્જરી અપનાવી, તબીબી ભાષામાં 3 કલાકથી વધુ ચાલતી સર્જરીને સુપ્રા મેજર સર્જરી કહે છે. જ્યારે 3 કલાક સુધી ચાલતી સર્જરીને મેજર સર્જરી કહેવાય છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ગરદન પરની ગાંઠનું નિદાન મેલિગેન્ટ પેરિફેરલ નર્વ સ્ટીથ ટ્યુમર તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતુ સારકોમા( કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખાવી શકાય.

તેમનું નિદાન વિના મૂલ્યે કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના થકી રાજકોટમાં શાકભાજી વેચતા સોનલબહેન રમેશભાઈ ચોવસીયાને મોટી મદદ મળી છે. જયારે તેમને ગળાની ડાબી બાજુએ ગાંઠ થઈ, એ સમયે ખાનગી હોસ્પિટલોમાં તબીબોએ સર્જરીનો ખર્ચ અંદાજે રૂ. 5 લાખ કહ્યો હતો.જયારે આ યોજના થકી તેમનું નિદાન વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું.