કાર્યવાહી:રાજકોટ અફીણ વેચવા આવેલા રાજસ્થાનના બે શખ્સ પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 400 ગ્રામ અફીણનો જથ્થો કબજે, રિમાન્ડની તજવીજ

રંગીલા શહેરના યુવાનોને ગાંજો, ચરસ, અફીણના બંધાણી બનાવી ઉડતા રાજકોટ બનાવવા માગતા અસામાજિક તત્ત્વોને નશીલા દ્રવ્યો સાથે પોલીસ પકડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે એક શખ્સ નશીલા દ્રવ્ય સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજકોટ આવી રહ્યો હોવાની સ્પે.ઓપરેશન ગ્રૂપના સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ચોકડીએ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક શંકાસ્પદ શખ્સ ઉતરતા જ અટકાયત કરી હતી.

પૂછપરછ કરતા તે રાજસ્થાનના જોધપુર પંથકનો બનવારીરામ હરિરામ ગોદારા હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન તે પરસેવે રેબઝેબ અને ધ્રૂજવા લાગતા તેની પાસે રહેલા થેલાની તલાશી લીધી હતી. થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી પ્રવાહી જેવો પદાર્થ મળી આવ્યો હતો. શંકાસ્પદ પ્રવાહી મળતા તુરંત એફએસએલના અધિકારીઓને સ્થળ પર બોલાવી ખરાઇ કરતા તે પ્રવાહી અફીણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રૂ.41,400ના કિંમતનો 400.14 ગ્રામ અફીણનો જથ્થો કબજે લઇ આરોપીને બી ડિવિઝન પોલીસમથક હવાલે કરી ગુનો નોંધાવ્યો હતો.

બી ડિવિઝન પોલીસમથકના પીઆઇ એમ.બી.ઔસુરાએ ગુનો નોંધી પકડાયેલા બનવારીરામની પૂછપરછ કરતા તે રાજસ્થાનમાં ખેતમજૂરી કામ કરે છે. તે અને તેના ગામનો રમેશ બિશ્નોય બંને સાથે ખાનગી ટ્રાવેલ્સમાં બેસી રાજકોટ અફીણ વેચવા આવ્યા હોવાની કેફિયત આપી છે. જે કેફિયતના આધારે પોલીસે તુરંત રમેશને પણ સકંજામાં લઇ લીધો છે. તપાસ દરમિયાન રમેશ જ સૂત્રધાર હોવાનું અને તે અવારનવાર રાજકોટ આવતો હોય બનવારીરામને સાથે લઇ અફીણ વેચવા આવ્યાનું જાણવા મળ્યું છે. બંને શખ્સની ધરપકડ પૂર્વે કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે. બંનેને રિમાન્ડ પર લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...