ચુકાદો:રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસના આરોપીને આજીવન કેદ ફટકારતી કોર્ટ, માતા-પત્ની અને માસૂમ પુત્રનું ગળુ દબાવી હત્યા કરી હતી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી પુત્ર અલ્પેશ જીતુભાઇ વજાણીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આરોપી પુત્ર અલ્પેશ જીતુભાઇ વજાણીની ફાઈલ તસ્વીર
  • આરોપી પિતા-પુત્રએ હત્યાને અંજામ આપ્યો હતો
  • પિતાનું કેસ ચાલતો હતો એ દરમ્યાન મૃત્યુ થયું હતુ

આજથી ચાર વર્ષ પહેલા મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક પાસે આવેલ રાધામીરા પાર્ક વિસ્તારમાં રહેતા સોની પરિવાર આર્થિક ભીંસમાં સપડાઈ ગયેલ હોય પરિવારના મોભી પિતા વજુભાઈ વજાણી અને તેના પુત્ર અલ્પેશ વજાણી દ્વારા પરિવારના ત્રણ સભ્યોની ગળુ દબાવીને હત્યા કરવાના ચકચારી કેસમાં આજે અધિક સેસન્સ જજ પી.એન.દવેેએ આરોપી પુત્ર અલ્પેશ જીતુભાઇ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી હતી જ્યારે આરોપી પિતા વજુભાઈ વજાણીનું કેસ ચાલતા દરમ્યાન મૃત્યુ થયેલ હોય અદાલતે તેની સામેનો કેસ ખારીજ કર્યો હતો.

પહેલા આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાના હતા
નાણાકીય ભીડ અને આર્થિક સંકળામણના કારણે આરોપીએ તા. 7 ઓક્ટોબર 2017ના રોજ પત્નિ દીપાલી, માતા ભારતીબેન અને માસુમ પુત્ર માધવની દુપટા વડે ગળુ દબાવીને હત્યા કરી હતી. આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ હતી પરંતુ પોતાના મૃત્યુ બાદ બન્નેએ પોતાની પત્નિઓ તથા પોતાના નવજાત પુત્રના ભવિષ્ય અંગે ચિંતા થતા બન્ને પિતા-પુત્રએ સૌ પ્રથમ આ ત્રણેયની હત્યા કરવાનું નક્કી કરેલ. આ મુજબ પિતા-પુત્રએ સૌ પ્રથમ પોતાની પત્નિ-માતાનું ગળુ દબાવી હત્યા કરેલ હતી. ત્યાર બાદ પોતાના પુત્ર-પૌત્રએ એવા માસુમ બાળકને પત્નિના ખોળામાં સુવડાવી તેને ગળાટુપો દઈ હત્યા કરેલ હતી.

પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસને આ ત્રણેયની લાશ મળી
હત્યા બાદ બન્ને પિતા-પુત્ર મરણનોંધ લખી રેલ્વેના પાટા ઉપર સુઈને આત્મહત્યા કરવા નિકળેલ. થોડા સમય સુધી ટ્રેન ન આવતા આ બન્ને પિતા-પુત્રનો ઈરાદો બદલેલ અને મૃત્યુ મેળવવું અનિચ્છનીય જણાયેલ તેથી શહેરમાં નિકળી પડેલ. પોતાના ઘરે જવા માટે હિંમત થયેલ ન હતી કારણ કે ઘરમાં તેઓએ હત્યા કરેલ 3 વ્યકિતઓની લાશ પડેલ હતી. 2 દિવસ સુધી આ રીતે ઘરમાં લાશ પડી રહેલ હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી. આ કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસને આ ત્રણેયની લાશ તથા મરણનોંધ મળેલ. બન્ને પિતા-પુત્રની શોધખોળ કરતા પોલીસે તેઓની ધરપકડ કરી બન્નેના હત્યાના ગુન્હા સબબ ચાર્જશીટ રજુ કરેલ હતું.

હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવા નીકળ્યા હતા પિતા-પુત્ર
આરોપી અલ્પેશ અને તેના પિતા જીતુભાઇએ ગળેટૂંપો દઇ ત્રણ-ત્રણની હત્યા કર્યા બાદ બંને ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરવા જઇ રહ્યાંની સ્યૂસાઇડ નોટ લખી ઘરેથી નીકળી ગયા હતા. લાંબા સમય પછી પણ ટ્રેન નહિ આવતા આત્મહત્યાનો ઇરાદો બદલી નાખ્યો હતો. જોકે, બંનેની ઘરે જવાની હિંમત ન હતી.

આર્થિક ભીંસથી હત્યા થઇ હોય અદાલતે દંડ ન ફટકાર્યો
ઇમિટેશનનું કામકાજ ઠપ થઇ જવાને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. જેને કારણે સંબંધી પાસેથી લીધેલા પૈસા પરત કરવાની ચિંતામાં અલ્પેશ અને તેના પિતા જીતુભાઇએ સામૂહિક આપઘાત કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્રણની હત્યા કર્યા બાદ પિતા-પુત્ર જીવ દઇ શકતા બંને સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ધરપકડ બાદ જીતુભાઇનું મોત નીપજ્યું હતું. અલ્પેશ સામે કેસ ચાલ્યા બાદ અદાલતે દોષિત ઠેરવી સજા ફટકારી હતી, પરંતુ બનાવ આર્થિક ભીંસને કારણે બન્યો હોય અદાલતે આરોપીને દંડ ફટકાર્યો ન હતો.