પોલીસ અત્યાચારનો આક્ષેપ:રાજકોટના બેડલામાં ભાજપના પૂર્વ MLAના ભત્રીજાને ‘દારૂ ક્યાં વેચાય છે’ કહી 4 પોલીસમેન કારમાં ઉઠાવી ગયા, ઢોર માર મારતા શરીરમાં ઉજરડા પડ્યા!

રાજકોટએક મહિનો પહેલા
પોલીસે યુવાનના પીઠના ભાગે અને પગમાં માર માર્યાનો આક્ષેપ.
  • ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, દારૂના કેસમાં ફીટ કરી દઇશુંની ધમકી આપ્યાનો પણ આક્ષેપ

રાજકોટના બેડલા ગામે રહેતો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ ઝીંઝરીયાનો ભત્રીજો લક્ષ્મણ શામજીભાઇ મંગળવારે સાંજે ચાર પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે સિવિલમાંદાખલ થયો છે. ઇજાગ્રસ્ત લક્ષ્મણના ભાઇ હિતેશે જણાવ્યું હતું કે, ખેતીકામ કરતો લક્ષ્મણ બપોરે ગામમાં બેઠો હતો. ત્યારે ચાર સિવિલ ડ્રેસવાળા પોલીસ કારમાં ધસી આવ્યા હતા. ચારેય પોલીસમેને લક્ષ્મણને દારૂ ક્યાં ક્યાં વેચાય છે તેમ કહી કારમાં ઉઠાવી ગયા હતા. બાદમાં ઢોર માર્યો હતો. આથી લક્ષ્મણને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઢોર માર મારવાથી લક્ષ્મણના શરીરમાં ઉજરડા પડી ગયા છે.

ચારેય આજીડેમ પોલીસ મથકના કર્મી હતા
હિતેશે વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મણ કંઇ સમજે તે પહેલા જ તેને બળજબરીથી કારમાં બેસાડી ચારેય પોલીસમેન ઉઠાવી ગયા હતા. બાદમાં લક્ષ્મણને બે-ત્રણ સ્થળે લઇ જઇ માર્યો હતો. ત્યારબાદ તક મળતાં જ લક્ષ્મણ ચારેયની ચુંગાલમાંથી ભાગી ગયો હતો અને ઘરે આવી વાત કરી હતી. બાદમાં તેને સિવિલ લઇ ગયા હતા. આ અંગે લક્ષ્મણને પૂછતા તે ચારેય આજીડેમ પોલીસમથકના કર્મી હતા અને પોતાને દારૂ ક્યાં ક્યાં વેચાય છે તેમ કહી ઉઠાવી ગયા હતા.

પોલીસે દારૂની 20 પેટીમાં ફીટ કરી દઇશુંની ધમકી આપી
લક્ષ્મણ કંઇ જાણતો ન હોવાનું કહેતા માર મારી તું નહીં કહે તો દારૂની 20 પેટીમાં ફીટ કરી દઇશુંની ધમકી આપી હતી. ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા તેમજ રીઢા ગુનેગારોને પકડવાને બદલે પોલીસ દારૂ-જુગારની કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે ખાનગી કારમાં સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થશે કે કેમ તે તો સમય જ બતાવશે.

પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે લક્ષ્મણ સિવિલમાં દાખલ થયો.
પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે લક્ષ્મણ સિવિલમાં દાખલ થયો.

રાજકોટમાં 6 બોટલ સાથે પકડાયેલા શખ્સે લક્ષ્મણનું નામ આપ્યું હતું
ગઈકાલે આજીડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટના શખ્સને છ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા બેડલા ગામના લક્ષ્મણ અને તેના મિત્ર વિશાલ પાસેથી આ દારૂ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી આજીડેમ પોલીસ તેના આધારે લક્ષ્મણને પકડવા બેડલા ગઇ હતી. જોકે, પકડવા જતા લક્ષ્મણ નાસવા જતા પડી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.