ગાઇડલાઇનનો ઉલાળ્યો:રાજકોટ ST બસસ્ટેન્ડમાં માનવ મહેરામણ, નિયમોની વાત કાગળ પર, મેયરે કહ્યું- કેસ વધશે તો સિટી BRTS બસ સેવા બંધ કરાશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એસટી બસસ્ટેન્ડમાં કોરોનાના નિયમોનો ઉલાળ્યો. - Divya Bhaskar
રાજકોટ એસટી બસસ્ટેન્ડમાં કોરોનાના નિયમોનો ઉલાળ્યો.
  • શહેરમાં મોટા પ્રમાણમાં કેસ વધશે તો સિટી અને BRTS બસ સેવા બંધ કરાશેઃ મેયર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેગા જોબ ફેરમાં 500 વિદ્યાર્થી એકઠા થયા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

રાજકોટના ઢેબર રોડ પર આવેલા ST બસસ્ટેન્ડમાં કોરોનાની ગાઇડલાઇનનું કોઇ પાલન ન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બસ સ્ટેન્ડમાં માનવ મહેરામણ ઉમટ્યું હોવાથી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવતું હોવાની મોટી વાતો કરતા અધિકારીઓ પર સવાલ ઉઠ્યા છે. નિયમોની વાત માત્ર કાગળ પર હોય તેમ મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવતું નથી. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યાં છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. રાત્રિ કર્ફ્યુને કારણે 50 બસને અસર પહોંચતા આવકમાં ગાબડુ પડ્યું છે. બીજી તરફ રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, કેસ વધશે તો અમદાવાદની જેમ રાજકોટમાં પણ સિટી અને BRTS બસ સેવા બંધ કરાશે.

રાત્રિની બસોના સમયપત્રકમાં ફેરફાર થશે
કોરોનાએ ફરી કહેર વર્તાવતા રાજ્ય સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ છે. કોરોના કહેરથી એકાએક રાત્રિ કર્ફ્યુમાં સમય વધારી દેવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી રાત્રે 10થી સવારે 6 સુધીનો કફ્ર્યુ જાહેર કરી દેવાયો છે. હવે આની અસર ફરી હોટલો, રેસ્ટોરન્ટ સંચાલકો બાદ રાજકોટ એસટી તંત્રને પણ પડશે. હોળી-ધૂળેટીના તહેવારોમાં રાજકોટ નવા બસ પોર્ટમાં આવતી 50 જેટલી બસો અટકી પડશે. કફ્ર્યુને કારણે રાત્રે સાડા નવ પહેલા બસો ઉપાડવી પડશે. નહિતર રાત્રિ સમયમાં આવતી બસોને સિટીમાં પ્રવેશ કરવા માટે તકલીફો સર્જાશે. આગામી સમયમાં રાત્રિ કર્ફ્યુના કારણે એસ.ટી.ની આવકમાં પણ ગાબડું પડશે.

બસસ્ટેન્ડમાં લોકોની ભીડ.
બસસ્ટેન્ડમાં લોકોની ભીડ.

નવાબસ પોર્ટમાં સર્વર ડાઉન થતા લાંબી લાઈનો લાગી
રાજકોટના ઢેબર રોડ પર આવેલા નવા બસપોર્ટમાં હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન જ સર્વર ડાઉનની સ્થિત સર્જાતા એડવાન્સ ટિકિટ બુકિંગની બારી પર લાંબી કતાર જોવા મળી હતી. ટિકિટ બુકિંગ કરાવવા આવેલા મુસાફરોને એક કલાક સુધી લાઈનમાં ઉભું રહેવા પડતા સમયનો વેડફાટ થયો હતો. જ્યારે લાંભી લાઈનના કારણે કોરોના ગાઈડલાઈનના ધજીયા ઉડતા જોવા મળ્યા હતા. સર્વર ડાઉનના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કોરોના સંક્રમણ વધશે તો જવાબદારી કોની?
કોરોના સંક્રમણ વધશે તો જવાબદારી કોની?

કેસ વધશે તો સિટી અને BRTS બસ સેવા બંધ કરાશેઃ મેયર
રાજકોટ મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં મોટા પ્રમાણમાં કેસ વધશે તો આકરા નિર્ણય લેવા પડશે. અમદાવાદની જેમ BRTS અને સિટી બસ સેવા બંધ કરવી પડશે. સ્પોર્ટ્સ સંકુલ અને બાગ બગીચાઓ, જાહેર સ્થળો પર એકઠા થવા પર પ્રતિબંધ લગાવવો પડશે. હાલ અમદાવાદ અને સુરતની સરખામણીમાં રાજકોટમાં કેસનું પ્રમાણ ઓછું, લોકોને વહેલીમાં વહેલી તકે વેક્સિન મૂકાવવા અપીલ છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોબ ફેરમાં 500 વિદ્યાર્થીઓ એકઠા કર્યા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોબ ફેરમાં 500 વિદ્યાર્થીઓ એકઠા કર્યા.

કોરોનાના કહેર વચ્ચે સૌ.યુનિ.ના જોબ ફેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત 3 દિવસીય જોબ ફેરમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા છે. મેગા જોબ ફેરમાં 500થી વધુ વિદ્યાર્થી એકત્ર થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...