તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાપાસરી ગામની સીમમાં રાજકોટ SOGના દરોડાઃ ગેરકાયદેસર ખનન કરતા 4 ડ્રાઇવર સહિત, એક ખનન માફિયાની ધરપકડ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
SOGની ટીમે 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો - Divya Bhaskar
SOGની ટીમે 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેર નજીક આવેલા લાપાસરી ગામની સીમમાં રાજકોટ એસઓજીએ દરોડા પાડી ખનન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 4 ડ્રાઇવર સહિત એક ખનન માફિયાને દબોચી લીધા હતા. એસઓજીએ સ્થળ પરથી અંદાજે રૂ.60 લાખની કીંમતના વાહનો કબ્જે કર્યા હતા.

2 ડમ્પર સહિત વાહનો જપ્ત કર્યાં
આ અંગે મળતી વિગત મુજબ એસઓજીને બાતમી મળી હતી કે,લાપાસરી ગામ નજીક મોટા પાયે ખનિજ ખનનની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે. હકીકત મળતા જ એસઓજી પીઆઇ આર.વાય રાવલ અને તેમનો સ્ટાફ બાતમી વાળી જગ્યાએ પહોંચ્યો હતો અને ગેરકાયદે ચાલતી ખનન પ્રવૃતિ પર દરોડો પાડયો હતો. સ્થળ પરથી એસઓજીની ટીમે 2 ડમ્પર, 2 જેસીબી વાહનો કબ્જે કર્યા હતા જેની અંદાજે કીંમત રૂ. 60 લાખ થાય છે.

ખાણ-ખનિજ વિભાગે તપાસ શરૂ કરી
આ સાથે એસઓજીએ વાહનના 4 ડ્રાઇવર અને વાહનના માલિકની ધરપકડ કરી હતી. દરોડા બાદ આ મામલે ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યાવાહી કરી પેનલ્ટી ફટકારવા તજવીજ હાથ ધરી હતી. તદઉપરાંત આ ગેરકાયદે પ્રવૃતિમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે? કેટલા સમયથી આ ખનન ચોરી થઇ રહી છે? વગેરે દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

1050 મેટ્રિક ટન મોરમ સાથે વાહનો જપ્ત

એસઓજી પી.આઇ. રાવલે આપેલી વિગતો મુજબ ખનન ચોરીના દરોડા દરમિયાન 1050 મેટ્રિક ટન મોરમ કબ્જે કરાઇ હતી. જેની કિંમત રૂ.1.57 લાખ જેટલી થાય છે. તેમજ 2 જેસીબી અને બે ડમ્પર કે જેની કિંમત રૂ. 60 લાખ જેવી છે. આ તમામ મુદામાલ કબ્જે કરી આજીડેમ પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો. આ અંગે આગળની કાર્યવાહી ખાણ ખનિજ વિભાગ કરશે તેમ જાણવા મળ્યુ છે.

ખનન ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ

1. ડમ્પર જીજે-03-બીડબ્લ્યુ-7556ના ડ્રાઇવર ડામોર પ્રવિણભાઇ (રહે. મૂળ દાહોદ, હાલ લાલપાર્ક 80 ફુટ રોડ)

2. ડમ્પર જીજે-03-એઝેડ-0428ના ડ્રાઇવર બબલુ નંદરાજ (રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ ઢોલરા ગામ)

3. જેસીબી જીજે-03-એચઇ-7556ના ડ્રાઇવર સુખારામ હિન્દુ અજતાર (રહે. મૂળ મધ્યપ્રદેશ હાલ. લાપાસરી)

4. ઉપરોકત ત્રણેય વાહનના માલિક રઘુભા માનવિક્રમસિંહ પરમાર (રહે. ગોલ્ડન પાર્ક કોઠારીયા)

5. જેસીબી જીજે-03-એચઆર-2396ના ચાલક ઇરફાન શૌકતખાનની ધરપકડ કરાઇ હતી. જ્યારે આ જેસીબીના માલિકનું નામ કાનાભાઇ હોવાનું ખુલતા તેમને પકડવા શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...