ગામડામાં કોલ સેન્ટરનો પર્દાફાશ:અમેરિકાના નાગરિકોનો ડેટા એકત્ર કરી લોન માટે ફોન કરતું કોલ સેન્ટર સરધારના હરિપરમાંથી ઝડપાયું, એપની મદદથી ડોલરમાં છેતરપિંડી કરતા 4 શખ્સની ધરપકડ

રાજકોટ9 મહિનો પહેલા
સરધાર નજીક હરિપર ગામમાં કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સની ધરપકડ. - Divya Bhaskar
સરધાર નજીક હરિપર ગામમાં કોલ સેન્ટર ચલાવતા ચાર શખ્સની ધરપકડ.
  • અમદાવાદના ચાર શખ્સો સરધારના હરિપર ગામના એક મકાનમાં કોલ સેન્ટર ચલાવતા હતા
  • ચારેય આરોપીઓ અંગ્રેજી માધ્યમમાં ભણેલા, અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા છે

રાજકોટના સરધાર પાસે આવેલા હરિપર ગામે અમદાવાદના ચાર શખ્સ કોલ સેન્ટર ચલાવતા હતા. આજે રાજકોટ SOGએ આ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં ચારેય શખ્સની ધરપકડ કરાઇ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ચારેય શખ્સ અમેરિકાના નાગરિકોનો ડેટા એકત્ર કરી લોન માટે ફોન કરતા હતા. બાદમાં ટેક્સનાઉ અને 8*8 નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. હજારો ડોલરની છેતરપિંડી કર્યાનું ખૂલ્યું છે. ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ બાદ વધુ પૂછપરછમાં અન્ય માહિતી ખૂલશે તેવું પોલીસે જણાવ્યું હતું.

ચારેય આરોપી અંગ્રેજી માધ્યમમાં ભણેલા
ચારેય આરોપીમાં 20 વર્ષીય મનોજ સત્યરામ શર્મા (ધો. 11 સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો છે અને મૂળ ઉત્તરપ્રદેશનો અને ઘણા સમયથી અમાદાવાદના નારોલમાં રહે છે), 20 વર્ષીય રતન શત્રુઘ્ન (મૂળ બિહારનો અને હાલ અમદાવાદ રહે છે, અંગ્રેજી માધ્યમમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો), 20 વર્ષીય વીકી સંજયસિંહ (મૂળ બિહારનો અને અમદાવાદમાં રહે છે, ધો. 12 સુધી અગ્રેજી માધ્યમમાં ભણ્યો છે) અને અમદાવાદમાં રહેતો સાહિલ અરવિંદ ઓડ (બી.કોમ અંગ્રેજી માધ્યમમાં કર્યુ છે)નો સમાવેશ થાય છે. મોટાભાગના આરોપી અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા છે.

કંઇ રીતે કરતા છેતરપીંડી
SOG પીઆઇ આર.વાય. રાવલના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પહેલા અમેરિકન નાગરિકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી લેતા. ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર કરી આવા નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાય અમેરિકા સ્થિત એસ.કેશ.એક્સપ્રેસ તથા સ્પીડકેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક અમેરિકન નાગરિકોને ભારતમાંથી ટેક્સનાઉ તથા 8*8 વર્ક નામની મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા. લોન આપી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના સિક્યુરિટી નંબર છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઇટએડના ગીફ્ટ વાઉચર ખરીદી અનેક અમેરિકન નાગરિકો સાથે હજારો ડોલરની છેતરપિંડી કરી ચૂક્યા છે.

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
-બે લેપટોપ અને ચાર્જર-કિંમત 20 હજાર
-રાઉટર તથા તેની સાથેનું એડોપ્ટર-કિંમત 11 હજાર
-ચાર મોબાઇલ- કિંમત 18 હજાર
-કુલ 39 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

કોરોના ટેસ્ટ બાકી, વધુ પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સ
SOG પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ચારેય આરોપીના કોવિડ ટેસ્ટ બાકી હોય રિપોર્ટ આવ્યા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરાશે. જેમાં કેટલા સમયથી કોલ સેન્ટર ચાલતું, કેટલા અમેરિકન નાગરિકો ભોગ બન્યા છે, કેટલા ડોલરની છેતરપિંડી કરી છે, અન્ય સાથીદારો કોણ સહિતની માહિતી મેળવવા માટે વધુ પૂછપરછ હાથ ધરાશે.

રાજકોટ SOGને કોલ સેન્ટરની બાતમી મળી હતી
સરધારના હરિપર ગામમાં એક મકાનમાં કોલ સેન્ટર અથવા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની SOGને બાતમી મળી હતી. આથી પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અન્સારી સહિતના સ્ટાફે આજે બપોરે હરિપરના આ મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરતા મકાનમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાનું સામે આવ્યું હતું.

ગામડામાં નેટવર્કની સમસ્યા ઊભી ન થાય માટે વાયરલેસની સર્વિસ માટે ટાવર ઊભા કરાયા
હરિપર ગામમાંથી વિદેશમાં ફોન કરવા માટે નેટવર્કની સમસ્યા નડે નહીં તે માટે ચીટર ગેંગે વાયરલેસ ઇન્ટરનેટની સર્વિસ મેળવી ટાવર અને એન્ટેના ઊભા કર્યા હતા. ગઠિયાઓએ કરેલી વ્યવસ્થા જોઇને પોલીસ પણ એક તબક્કે ચોંકી ઊઠી હતી.

ચારેય શખ્સોએ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો’તો
ચારેય શખ્સે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. મનોજ શર્માએ ધોરણ 11 સુધી, રતન કરણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. વિકી સિંહે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે તથા શાહિલ ઓડ બી.કોમનો વિદ્યાર્થી છે. લોનવાંછુક અમેરિકનો સાથે કેવી રીતે વાત કરવી, તે કોઇ પ્રશ્ન પૂછે તો તેનો કેવો જવાબ આપવો સહિતની વાતચીતની સ્ક્રિપ્ટ તૈયાર હતી અને તે સ્ક્રિપ્ટના આધારે વાત કરી શિકારને ફસાવતા હતા.