રિપોર્ટ જાહેર કર્યો:રાજકોટમાં શનિવારે L.S.D.ના 144 કેસ, પશુ મૃત્યુ ‘0’ દર્શાવ્યા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7 દી’ માં સરકારી ચોપડે 24 પશુના મૃત્યુનો EDR ભરાયો

લમ્પી સ્કિન ડિસીઝના ઉપદ્રવ વચ્ચે પશુઓના મૃત્યુની ચોંકાવનારી ઘટનાઓ વચ્ચે રાજકોટના માલિયાસણ નજીક મહાપાલિકાની સાઇટમાં મૃત પશુઓના ઢગલાઓ જોવા મળ્યાને પગલે તંત્ર હરકતમાં આવી ગયું છે, માલધારીઓ દ્વારા લમ્પીને કારણે મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થઇ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે ક્યાંકને ક્યાંક તંત્ર પશુઓના મોતના આંકડા છુપાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પશુપાલન તંત્રએ શનિવારે વધુ 144 ગાયમાં લમ્પીના લક્ષણો અને એક પણ ગાયનું મૃત્યુ ન થયાનો સત્તાવાર રિપોર્ટ જાહેર કર્યો હતો.

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના 597 ગામમાં પશુઓમાં લમ્પી ફેલાયાને મુદ્દે રીતસર દેકારો મચી રહ્યો છે. શુક્રવારની સ્થિતિએ પશુપાલન તંત્ર પાસે વેક્સિનનો માત્ર 5,000 ડોઝનો સ્ટોક બચ્યો હતો, ત્યારે શનિવારે સરકાર દ્વારા વધુ 32,000 ડોઝ ફાળવાયાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે પશુપાલકો અને ખેડૂતોએ લમ્પી વાઇરસની ચિંતા કરવાની જરૂર નથી, લમ્પી સામે તમામ પ્રકારે લડવા જિલ્લા પંચાયતની ટીમ સજ્જ છે.

શુક્રવાર સુધીમાં 1,01,823 પશુને વેક્સિન અપાઇ ગઇ છે, શનિવારે 32,000 ડોઝ આવી ગયા છે, તેમજ વધુ 75,000 ડોઝ ત્રણ દી’ માં આવી જશે ! લેખિત યાદી સ્વરૂપે આ પ્રકારની સાંત્વના જાહેર કરી હતી. પશુપાલન તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ છેલ્લા સાત દિવસમાં કુલ 24 પશુનાં મોતના એપેડેમિક ડિસીઝ રિપોર્ટ ભરાયા છે. બીજી તરફ માલધારીઓ મોટી સંખ્યામાં પશુઓ મોતને ભેટ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

ગ્રામ્ય સંલગ્ન વિભાગોને કામગીરીની ફાળવણી: લમ્પીથી ગાયો મરી રહી છે ત્યારે તંત્રને સેલ્ફીની કામગીરી સોંપાઈ
રાજકોટ | લમ્પી સ્કિન ડિસીઝ વાઇરસના ઉપદ્રવ વચ્ચે એક તરફ દુધાળા પશુઓ અને ખાસ કરીને ગાયોના મૃત્યુ થઇ રહ્યા છે, ઠેર ઠેર પશુઓમાં વેક્સિનેશનને લઇને હોબાળા થઇ રહ્યા છે, તેવા સમયે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન તંત્રએ સરકારી ધોરણે વેશભૂષા, તિરંગા સાથે સેલ્ફી અને પોસ્ટકાર્ડ લખવા સહિતની કામગીરી સોંપવામાં આવી છે. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 70,000 તિરંગા પહોંચાડવાની કવાયત હાથ ધરાઇ છે.

નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દ્વારા સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ ઘર, દુકાનો, ઉદ્યોગો, વ્યાપારીગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે વિવિધ તંત્રને અલગ અલગ કામગીરી સોંપવાનો સરકારી ધોરણે પરિપત્ર જાહેર કરાયો છે.

જે અંતર્ગત પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ શાખા, આરોગ્ય શાખા, આઇસીડીએસ તેમજ તમામ ગ્રામપંચાયતને અલગ અલગ દિવસો મુજબ પોસ્ટકાર્ડ લખવાની કામગીરી, વેશભૂષા કાર્યક્રમનું આયોજન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન, કલર સાથે રંગોળીનું આયોજન, હસ્તાક્ષર અભિયાન, વક્તૃત્વ અને દેશભક્તિ કાર્યક્રમનું આયોજન, શપથ અંગેનું આયોજન, તિરંગા સાથે સેલ્ફી, ક્વિઝ-મતગમતનું આયોજન તથા તિરંગા ફેરીનું આયોજન સહિતની કામગીરીની સોંપણી કરવામાં આવી છે.

લમ્પી મુદે્ બુમરાણ| પશુપાલન તંત્રને પોસ્ટકાર્ડ લખવાની કામગીરી સોંપાઈ
પરિપત્ર મુજબ પશુપાલન તંત્રને હર ઘર તિરંગા કાર્યક્રમના અનુસંધાને પોસ્ટકાર્ડ લખવાની કામગીરી, વેશભૂષા કાર્યક્રમ, હસ્તાક્ષર અભિયાન અંતર્ગત કામગીરી, શપથ અંગેનું આયોજન તેમજ તિરંગા સાથે સેલ્ફી ઇવેન્ટની કામગીરી સોંપવામાં આવી છે, પ્રવર્તમાન સમયે ગામડાંઓમાં પશુઓમાં લમ્પી વાઇરસ મુદ્દે બૂમરાણ મચી રહી છે તેમજ પશુપાલન તંત્રની કામગીરીને લઇને માલધારી સહિતના વર્ગમાં જાતજાતના સવાલો ઊઠી રહ્યા છે તેવા સમયે જ પશુપાલન વિભાગને તિરંગા વિથ સેલ્ફીની કામગીરી સોંપાતા આ બાબત ચર્ચાનો વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...